Select Page

વડુ મનરેગા યોજનાના કામોમાં ગેરરીતીની તપાસમાં વિસનગર તા.પંચાયતના ભાજપના સદસ્યએ તોડની ચર્ચાથી હોબાળો

  • અગાઉ મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એક મહિલા કર્મચારી સામે ભષ્ટ્રાચારનો આક્ષેપ થયો હતો. જેની મહેસાણા એ.સી.બી. શાખામા છેલ્લા એક વર્ષથી તપાસ ચાલી રહી છે

વિસનગર તાલુકાના વડુ ગામમાં પાંચ વર્ષ પહેલા સરકારની મનરેગા યોજનામા લાખ્ખો રૂપિયાના વિકાસકામો થયા હતા ત્યારે ગામના નાગરિકે વિકાસ કામમાં મોટી ગેરરીતી થયાની તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તથા મહેસાણા એ.સી.બી.શાખામા અરજી કરી હતી. જેમા જવાબદાર કર્મચારીઓ સામે કોઈ ત્વરીત પગલા લેવામા નહી આવતા વિસનગર તાલુકા પંચાયતના ભાજપના એક સદસ્યએ બે-ત્રણ વ્યક્તિઓને સાથે રાખી બચાવ કરવાના બહાને કર્મચારીઓ પાસેથી મોટી રકમનો તોડ કર્યો હોવાની ચર્ચા આધારે પ્રચારે અહેવાલ પ્રસિધ્ધ કરતા આ મુદ્દે સમગ્ર જીલ્લામા ભારે હોબાળો થયો છે.
ભાજપ સરકાર સરકારી કચેરીઓમા થતા ભ્રષ્ટાચારને અંકુશમાં લાવવાના જાહેરમા બણગા ફૂંકે છે પરંતુ સરકાર જ્યા સુધી ભ્રષ્ટ અધિકારી કે કર્મચારી સામે કડક પગલા નહી લે ત્યાં સુધી સરકારી કચેરીમાંથી ભ્રષ્ટાચાર અટકવાનો નથી. વિસનગર તાલુકાના વડુ ગામના એક નાગરિકે પાંચ વર્ષ અગાઉ સરકારની મનરેગા યોજનામાં ગામમાં થયેલા લાખ્ખો રૂપિયાના વિકાસકામોમા ગેરરીતી થઈ હોવાની તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને મહેસાણા એ.સી.બી. ખાતામાં લેખિત ફરીયાદ કરી હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા આજદીન સુધીમા ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતના જવાબદાર કર્મચારીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામા આવી નહોતી. માત્ર તપાસની વાતો કરવામા આવી હતી. જેનો ફાયદો ઉઠાવી વિસનગર તાલુકા પંચાયતના ભાજપના એક સદસ્યએ થોડા દિવસ પહેલા અન્ય બે-ત્રણ વ્યક્તિને સાથે રાખી જવાબદાર કર્મચારીઓની ગેરરીતીની તપાસમાં બચાવવાનુ કહી મોટી રકમનો તોડ કર્યા હોવાની ચર્ચાઓ થતી હતી. ચર્ચાના આધારે પ્રચારે અહેવાલ પ્રસિધ્ધ કરતા અત્યારે આ મુદ્દે સમગ્ર જીલ્લામા ભારે હોબાળો મચ્યો છે. જેમા તાલુકા અને જીલ્લાના રાજકીય આગેવાનો આ તોડબાજ ભાજપનો સદસ્ય કોણ છે અને આ તોડપાણીમા બીજા કયા વ્યક્તિઓ સંડોવાયેલા છે તેની જાણકારી મેળવી રહ્યા છે. જયારે કેટલાક હોદ્દેદારોએ આ બાબતે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ જાણ કરતા તેઓ ભાજપના આ સદસ્ય ઉપર લાલઘૂમ હોવાનુ પણ ચર્ચાય છે કેટલાક લોકો તો આ ફરીયાદમાં મહેસાણા એ.સી.બી. ખાતાના જે તે અધિકારીએ આજસુધીમાં શુ તપાસ કરી અને તપાસ દરમિયાન જવાબદારો સામે શુ કાર્યવાહી કરી તેનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે અગાઉ કડી તાલુકાના એક અરજદારે મહેસાણા જીલ્લા ગ્રામ એજન્સીના જળસ્ત્રાવ વોટર શેડ શાખામા કરાર ઉપર ફરજ બજાવતી એક મહિલા કર્મચારીએ પ્રોજેક્ટના કામોમા રૂા.૪.પ૦ લાખ કમિશનની માંગણી કરી હોવાનો આક્ષેપ કરી ગુજરાત સ્ટેટ વોટર શેડ મેનેજમેન્ટ એજન્સી ગાંધીનગર લેખિત ફરીયાદ કરી હતી. જેમા પુરાવારૂપે વાતચીતની ઓડીયો ક્લીપ રજુ કરી હતી. આ વાતચીતમા જે તે મહિલા કર્મચારી કમિશનના હિસાબ પેટે રૂા.૧ લાખ લીધા હોવાનુ સ્વિકારી બાકીના ૩.પ૦ લાખની માંગણી કરે છે. તેમા આ મહિલા કર્મચારી પોતાના ઉપરી અધિકારી (સાહેબ)ને કમિશનનો હિસાબ આપવાનુ સામેવાળી વ્યક્તિને કહે છે. આ ફરીયાદની તપાસ મહેસાણા એ.સી.બી. શાખામા ચાલી રહી છે. આ ઉપરાંત મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર.એલ.એમ.(મિશન મંગલમ) શાખામા કરાર ઉપર ફરજ બજાવતા વિવાદિત એક મહિલા કર્મચારીએ વિધાનસભાની ચુંટણી ટાણે પોતાના મોબાઈલ વોટ્‌સએપ ગ્રુપમાં ભાજપ સરકાર વિરોધી કોમેન્ટો પોસ્ટ કરી બીજી એક પાર્ટીને સમર્થન આપવા અન્ય કર્મચારીઓને આડકતરો ઈશારો કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. છતા આ મહિલા કર્મચારી સામે આજદીન સુધી કોઈ કડક પગલા લેવામા નહી આવતા પ્રાથમિક દ્દષ્ટિએ જેતે અધિકારી પણ ભાજપ સરકાર વિરોધી માનસિકતા ધરાવતા હશે તેવી ભાજપના કાર્યકરો શંકા સેવી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts