Select Page

ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યાઓનુ નિરાકરણ લાવવા કેબિનેટ મંત્રીના ૧૨ ગામના લોકસંપર્કમાં ગ્રામજનોનો આવકાર

ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યાઓનુ નિરાકરણ લાવવા કેબિનેટ મંત્રીના ૧૨ ગામના લોકસંપર્કમાં ગ્રામજનોનો આવકાર

આવનારી લોકસભાની ચુંટણીને ધ્યાને રાખી વિસનગર ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટમંત્રી ઋષિકેશભાઈ પટેલે તાલુકાના ગામેગામ લોકસંપર્ક શરૂ કર્યો છે. જેમા મંત્રીશ્રીએ ગુરુવાર અને શુક્રવારના રોજ ૧૨ ગામોમા લોકસંપર્ક કરી ગ્રામજનોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની ચર્ચા કરી તેનુ ઝડપી નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. આ લોક સંપર્ક દરમિયાન દરેક ગામના લોકોને મંત્રી ઋષિભાઈ પટેલનુ ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યા હતા.
વિસનગર ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે નાતજાતનો ભેદભાવ કે રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર શહેર અને તાલુકાના ગામડાનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. નાનામા નાના સમાજના લોકોની રજુઆતો સાંભળી સમસ્યાઓનો નિકાલ કર્યો છે. પોતાના મત વિસ્તારનો કોઈ નાગરિક સરકારી સહાયથી વંચિત રહી ન જાય તેની સતત ચિંતા કરી છે. મંત્રી ઋષિકેશભાઈ પટેલની ભેદભાવ વગરની કાર્યપધ્ધતિના લીધે આજે તાલુકામાં તેમની લોકચાહના વધી છે. જો કે અત્યારે મંત્રી ઋષિભાઈ પાસે ગુજરાત સરકારમાં ત્રણ મહત્વના ખાતાની જવાબદારી હોવાથી તેઓ વિસનગરમાં પુરતો સમય ફાળવી શકતા નથી. પરંતુ તેઓ જયારે પણ પ્રજાના પ્રશ્નોની વાચા આપવા માટે વિસનગર આવે ત્યારે ધારાસભ્ય કાર્યાલયમા કાર્યકરો અને રજૂઆતકર્તાઓની ભારે ભીડ જામે છે. જેમા આગામી વર્ષ- ર૦ર૪ મા યોજાનારી લોકસભાની ચુંટણીંમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીંના હાથ મજબૂત બનાવવા મંત્રી ઋષિભાઈ પટેલે તાલુકાની પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ જાણી તેનુ નિરાકરણ લાવવા ગામેગામ લોકસંપર્ક કરવાનુ આયોજન કર્યુ છે. જેમા મંત્રી ઋષિભાઈ પટેલે ગુંજા, કિયાદર, પાલડી, હસનપુર, રંગપુર, ઉમતા, તરભ વાળીનાથ અખાડા, છોગાળા, ખદલપુર, મહંમદપુર, થલોટા, કાજીઅલીયાસણા તથા દેણપ ગામમા લોકસંપર્ક કર્યો હતો. આ લોકસંપર્ક દરમિયાન તેમને ગ્રામજનોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆતો સાંભળી તેનુ ઝડપી નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. આ સાથે મંત્રીશ્રીએ સરકારની ગ્રાન્ટ અને યોજનામા થયેલા વિકાસ કામો તેમજ આગામી સમયમાં થનાર વિકાસ કામોની ચર્ચા કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુપોષણ અભિયાન અંતર્ગત ગામના કુપોષિત બાળકોને પોષણકીટનું વિતરણ કરી ગ્રામની સગર્ભા બહેનો અને કુપોષિત બાળકોના પોષણની કાળજી રાખવા ગ્રામજનોને આહૃવાન કર્યુ હતુ. વધુમા મંત્રી ઋષિભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં થયેલા હરણફાળ વિકાસની માહિતી આપી સરકારની દરેક યોજનાનો લાભ મેળવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ લોકસંપર્ક કાર્યક્રમમાં દરેક ગામના લોકોએ મંત્રી ઋષિભાઈ પટેલનુ ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યા હતા. છ ગામના આ લોકસંપર્કમા ઉમતા ગામમા સૌથી વધુ જન મેદની જોવા મળી હતી. આ લોકસંપર્ક કાર્યક્રમમા તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદજી ઠાકોર, જીલ્લા પંચાયત સદસ્ય એસ.પી. અરવિંદભાઈ પટેલ (ઘાઘરેટ), તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ (દેણપ), તાલુકા પંચાયત ઉપપ્રમુખ જનકબા ચાવડા (કડા), એ.પી.એમ.સી. ના ડીરેક્ટર અંકિતભાઈ પટેલ, તથા ભરતભાઈ પટેલ (ધામણવા), કમલેશભાઈ પટેલ(હસનપુર) સહીત ભાજપના કાર્યકરો જોડાયા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us