Select Page

ભાન્ડુ બ્રીજના નિર્માણમાં ભ્રષ્ટાચારનો આપ પાર્ટીનો આક્ષેપ

ભાન્ડુ બ્રીજના નિર્માણમાં ભ્રષ્ટાચારનો આપ પાર્ટીનો આક્ષેપ

બે વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ

  • આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બ્રીજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી રોડ ઉપર વિરોધ પ્રદર્શન કરતા વિસનગર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે

વિસનગર તાલુકાના ભાન્ડુથી વિસનગરને જોડતા બ્રીજમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરી પ્રજાના ટેક્ષના રૂપિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કરી રોડ ઉપર ચક્કાજામ કર્યુ હતુ. ત્યારે પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર આપના કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી કરી હતી. જોકે આમ આદમી પાર્ટીના વિરોષ પ્રદર્શનથી વિસનગર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
વડોદરાના ગંભીરા બ્રીજની દુર્ઘટનામાં ૧૯ લોકોના મૃત્યુ થતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ ઘટનાથી વિકાસના બણગા ફૂંકતી ભાજપ સરકારની ઈમેજ ખરડાઈ છે. આ ગોજારી દુર્ઘટનામા વિરોધ પક્ષોએ ભાજપ સરકારને ભીંસમાં લેતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. તાજેતરમાં વિસનગર તાલુકાના ભાન્ડુથી વિસનગરને જોડતા બ્રીજ નિર્માણમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરી પ્રજાના ટેક્ષના રૂપિયામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કરી રોડ ઉપર ચક્કાજામ કર્યુ હતુ. આ બનાવની તાલુકા પોલીસને જાણ થતા પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી કરી હતી. આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા જણાવ્યુ હતુ કે ભાજપ સરકારમાં વિકાસના કામોમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. છતાં ભાજપના નેતાઓ ચુપ બેઠા છે. ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે. ભાન્ડુથી વિસનગરને જોડતા બ્રીજના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરતા બે વર્ષના ટુંકા ગાળામાં બ્રીજ બેસી ગયો છે. ત્યારે સરકારે આ બ્રીજ નિર્માણના કાર્યમાં બેદરકારી કે ભ્રષ્ટાચાર કરનાર જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેવા જોઈએ. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા વિસનગર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.