
મગરોડા પ્રા.શાળાના કથળેલા શિક્ષણ માટે જવાબદાર કોણ?
શાળામાં ગંદકી- સ્વચ્છતાની ગ્રાન્ટના નાણાં ક્યા વપરાય છે?
- સરકારની જવાહર નવોદય અને N.M.M.S.ની પરિક્ષામાં આ શાળાનો એકપણ વિદ્યાર્થી પાસ નહી થતા ગામના યુવાનોએ શિક્ષકો ઉપર સોશિયલ મિડીયામાં ભારે રોષ ઠાલવ્યો છે
વિસનગર તાલુકાની મગરોડા પ્રાથમિક શાળામાં H.TAT મહિલા આચાર્યની બેદરકારીના લીધે શાળા કંમ્પાઉન્ડમાં ઘાસ તથા ગંદકી જોવા મળી રહી છે. ગામના દાતાઓના સહયોગથી શાળામાં નાખવામાં આવેલા સી.સી.ટી.વી.કેમેરા ઘણા સમયથી બંધ હાલતમાં છે. શાળામાં કેમેરા બંધ હોવાથી શિક્ષિકાઓ મોબાઈલ ઉપર વ્યસ્ત રહે છે. જેથી શાળામાં બાળકોનું શિક્ષણકાર્ય દિનપ્રતિદિન કથળી રહ્યુ છે. ત્યારે જીલ્લા પ્રાથમિક શિક્ષકાધિકારી ગૌરાંગભાઈ વ્યાસ આ શાળાની ઓચિંતી મુલાકાત લઈ બાળકોના શિક્ષણ, સ્વચ્છતા અને સુવિધાની તપાસ કરે તો શાળાના આચાર્ય અને શિક્ષિકાઓના શિક્ષણકાર્યનો પર્દાફાશ થાય તેવુ ગ્રામજનોમાં ચર્ચાય છે.
તાજેતરમાં રાજ્યના આઈ.એ.એસ. અધિકારી ધવલ પટેલે છોટા ઉદેપુરના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ સાત સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. જ્યાં આઈ.એ.એસ.ધવલ પટેલે દરેક શાળાના બાળકોના શિક્ષણકાર્યને લગતા સામાન્ય પ્રશ્નો પુછતા બાળકો તેનો જવાબ આપી શક્યા ન હોતા. ત્યારે ધવલ પટેલે શિક્ષણ વિભાગના સચિવને પત્ર લખીને જણાવ્યુ હતુ કે, પ્રાથમિક શાળાઓમાં બાળકોને નિમ્ન કક્ષાનું શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. જેમાં સુધારો લાવવો ખુબજ જરૂરી છે. આઈ.એ.એસ. ધવલ પટેલના પત્રથી સમગ્ર ગુજરાતના શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે વિરોધપક્ષના નેતાઓએ ભાજપ સરકારને આડેહાથ લેતા રાજકારણ ગરમાયુ છે. જેમાં વિસનગર તાલુકાના મગરોડા પ્રાથમિક શાળાની વાત કરીએ તો આ શાળામાં H.TAT આચાર્ય અને તમામ શિક્ષકો મહિલાઓ છે. આચાર્ય ચૈતાલીબેન મોદીની અપીલથી ગામના દાતાઓ શાળાના વિકાસ માટે યથાશક્તિ દાન આપે છે. ગામના દાતાઓના દાનથી અગાઉ શાળામાં સી.સી.ટી.વી. કેમેરા નાખવામાં આવ્યા હતા. પરંતુ ઘણા સમયથી સી.સી.ટી.વી. કેમેરા બંધ હાલતમાં છે. જેના કારણે શાળામાં શિક્ષિકાઓ શૈક્ષણિકકાર્ય કરતા વધુ સમય મોબાઈલ ઉપર વ્યસ્ત રહેતા હોવાનું ગામમાં ચર્ચાય છે. મગરોડા ગ્રામજનોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, વાલીઓ શિક્ષકો ઉપર આંધળો વિશ્વાસ રાખી પોતાના બાળકને શિક્ષણ આપવા માટે સરકારી શાળામાં મોકલે છે. પરંતુ શિક્ષકો તગડો પગાર લઈને પણ નિષ્ઠાપુર્વક બાળકોને શિક્ષણ આપતા નથી. થોડા સમય પહેલા મગરોડા શાળાના બાળકોએ જવાહર નવોદય વિદ્યાલય અને N.M.M.S. ની પરિક્ષા આપી હતી. જેમાં એકપણ વિદ્યાર્થી પાસ નહી થતા ગામના યુવાનોએ શાળાના શિક્ષકો સાથે સોશિયલ મિડીયામાં ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોનું કહેવુ છે કે, સરકાર દરેક પ્રાથમિક શાળામાં સ્વચ્છતા જાળવવા તથા અન્ય વિકાસ કરવા વર્ષે આશરે રૂા.૭૫,૦૦૦/- થી વધુ ગ્રાન્ટ ફાળવે છે. છતાં અત્યારે શાળાના કંમ્પાઉન્ડમાં લીલા ઘાસની ચાદર પથરાઈ ગઈ છ.ે શાળામાં ગંદકી જોવા મળે છે. લીલા ઘાસમાં ભરાયેલુ ઝેરી જીવજંતુ બાળકને ડંખ મારશે અને કોઈના ઘરનો ચિરાગ બુઝાઈ જશે તો જવાબદારી કોની? આ શાળામાં ઘણા સમયથી S.M.C સભ્યોની મિટીંગ પણ થતી નથી. આચાર્ય S.M.Cના સભ્યોના ઘરે જઈને ચોપડામાં સહી કરાવી મિટીંગ બતાવે છે. જોકે મિટીંગમાં આવતા S.M.C ના સભ્યોને ચા-નાસ્તો કરાવવાનો ખર્ચ સરકાર આપે છે. જો મહેસાણા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગભાઈ વ્યાસ આ શાળામાં ઓચિંતી મુલાકાત લઈ શાળાનું શિક્ષણકાર્ય, સ્વચ્છતા તથા વિકાસકામમાં વપરાતી સરકારી ગ્રાન્ટ અને દાતાઓના ફાળાની તપાસ કરે તો સત્ય હકીકત બહાર આવે.