તમારે કે તમારા વિસ્તારને કોરોના સંક્રમણથી બચાવવો હોય તો શેહ શરમ વગર બહારગામથી આવનારની તંત્રને જાણ કરો વિસનગરમાં બહારથી આવનાર લોકો માટે લોકડાઉનનો કડક અમલ જરૂરી
તમારે કે તમારા વિસ્તારને કોરોના સંક્રમણથી બચાવવો હોય તો શેહ શરમ વગર બહારગામથી આવનારની તંત્રને જાણ કરો
વિસનગરમાં બહારથી આવનાર લોકો માટે લોકડાઉનનો કડક અમલ જરૂરી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકડાઉન હોવા છતાં અમદાવાદમાં કોરોનાના કેસ વધતા અમદાવાદથી વિસનગર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. બહારગામથી કોઈ આવ્યુ હોય તો આરોગ્ય વિભાગને જાણ કરો. આવા લોકોને કોરોન્ટાઈન કરી તેમની આરોગ્ય વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. આડોશ-પાડોશ કે સબંધીની શેહ શરમમાં બહારગામથી આવેલ વ્યક્તિની ટ્રાવેલ હીસ્ટ્રી છુપાવશે અને તે કોરોના ચેપગ્રસ્ત હશે તો આખા વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરવામાં આવશે અને બધાને કોરોન્ટાઈન કરવામાં આવશે. બહારગામથી આવેલા વ્યક્તિની ટ્રાવેલ હીસ્ટ્રી છુપાવવાથી તે વ્યક્તિનો પરિવાર અને આખા વિસ્તારને કોરોના સંક્રમણની શક્યતા રહેલી છે. પોલીસ નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તે પણ જરૂરી છે.
બહારગામથી આવનારની આરોગ્ય વિભાગને જાણ કરશો તો કોરોન્ટાઈન કરાશે, ચેપગ્રસ્ત હશે તો આખો વિસ્તાર હોટ સ્પોટ જાહેર કરાશે તો બધા ફસાઈ જશે
કોરોના વાયરસના સંક્રમણની સાંકળ તોડવા માટે લોકડાઉન કરવા છતાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મોટા શહેરોમાં કોરોના ચેપનો ભય સતાવતા આ શહેરોમાં રહેતા લોકો મોટી સંખ્યામાં વિસનગર શહેર અને તાલુકાના ગામડામાં આવી રહ્યા છે. વિસનગરમાં દિવસ દરમ્યાન દરેક પોઈંટ ઉપર આઠથી દસ પોલીસ કર્મચારીઓ હોય છે. ત્યારે દિવસે પોઈંટ ઉપર ઓછો સ્ટાફ રહે અને રાત્રે શહેરમાં આવતા દસ માર્ગો ઉપર ત્રણ થી ચાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાય તે અત્યારે ખુબજ જરૂરી છે. રાત્રે ૨-૦૦ વાગ્યાથી વહેલી સવાર સુધીમાં મોટી સંખ્યામાં વાહનો ઉપર મોટા શહેરમાંથી આવે છે. રાત્રે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને શહેરમાંથી આવતા લોકોને રોકવાની જરૂર નથી. પરંતુ તેમનુ નામ, વિસનગરમાં ક્યા જવાના છે તેનુ સરનામુ અને મોબાઈલ નંબર મેળવી તેની વિગતો આરોગ્ય વિભાગને આપે તે ખુબજ જરૂરી છે. કોરોના સંક્રમણનો ભોગ બનેલ વ્યક્તિને પોતાને ખબર નથી કે તે કોરોના ચેપગ્રસ્ત છે. વિસનગરમાં હજુ સુધી એક પણ કોરોના પોઝીટીવ કેસ નોધાયો નથી. પરંતુ બહારગામથી આવેલો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમીત હશે અને ૧૪ દિવસનુ કોરોન્ટાઈનનો અમલ કર્યા વગર મહોલ્લા, સોસાયટીમાં કે શહેરમાં ફરતો થઈ જશે તો મોટી સંખ્યામાં કોરોના પોઝીટીવ કેસ નોધાવાની પુરેપુરી શક્યતા છે.
કોરોના મહામારીથી બચવુ હોય તો પિતા હોય, પુત્ર હોય, માતા હોય, ભાઈ હોય, બહેન હોય, નજીકના સબંધી હોય કે પડોશી હોય બહારગામથી આવ્યા હોય તો આરોગ્ય તંત્રને અચુક જાણ કરજો. બહારગામથી આવનાર વિગતો છુપાવશો તો પરિવાર સાથે આસપાસના વિસ્તારના લોકો પણ કોરોના સંક્રમીત બની શકે છે. બહારગામથી આવ્યાની સામેથી જાણ કરશો તો આરોગ્ય વિભાગની ટીમ આવી આરોગ્યની તપાસ કરી મકાન આગળ કોરોન્ટાઈન કર્યાની નોટીસ લગાવશે. ૧૪ દિવસ સુધી કોરોન્ટાઈન રહેવુ પડશે. બહારગામથી આવ્યાની જાણ નહી કરો અને કોરોના સંક્રમીત હશે તો આખા પરિવારને કે વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરશે તો તમામને કોરોન્ટાઈનમાં રહેવુ પડશે.
અમદાવાદમાં તથા મોટા શહેરોમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે. ત્યારે વિસનગરમાં આવતા માર્ગો ઉપર રાત્રે પોલીસ બંદોબસ્ત સઘન બનાવાય અને બહારગામથી આવનારની તમામ વિગતોની નોધ કરાય તે જરૂરી છે. હાલની પરિસ્થિતિ મુજબ બહારગામથી આવવાની છુટ રહેશે. બહારગામની હીસ્ટ્રી છુપાવવામાં આવશે તો વિસનગરમાં કોરોનાનો પગપેસારો કોઈ રોકી શકશે નહી.