વિસનગરમાં પશ્ચિમ બંગાળના ૫૦ નાગરિકોનુ વેરીફીકેશન કરાયુ
બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ માટે
- આધારકાર્ડ સાથે, રેશનીંગ કાર્ડ, એલ.સી. જેવા ડૉક્યુમેન્ટની પણ તપાસ કરાઈ
પાકિસ્તાન સામેની કાર્યવાહી પહેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો તથા પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવાની કેન્દ્ર સરકારની કડક સૂચના બાદ વિસનગરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં પશ્ચિમ બંગાળના ૫૦ નાગરિકોનુ ક્રોશ વેરીફીકેશન કરાયુ હતુ. બાંગ્લાદેશી ફક્ત આધારકાર્ડ સાથે નાગરિત્વ બતાવતા હોવાથી પોલીસે અન્ય ડૉક્યુમેન્ટનુ પણ વેરીફીકેશન કર્યુ હતુ. જેમાં તમામ લોકો ૨૦ વર્ષ ઉપરાંત્તના સમયથી રહેતા હોવાનુ બહાર આવ્યુ હતુ. શહેરમાં બે પાકિસ્તાની મહિલા પણ છે જે ૩૦ વર્ષ પહેલા લગ્ન કરીને આવ્યા હોવાનુ જણાયુ હતુ.
બાંગ્લાદેશમાંથી બોર્ડર ક્રોશ કરીને આવેલા ઘૂસણખોરો ભારત દેશમાં પનાહ લઈને અસમાજીક પ્રવૃત્તિઓ કરતા હોવાથી આવા તત્વો સમાજ માટે ઘાતક છે. કાશ્મીર પહેલગામમા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને શબક શીખવવાની કાર્યવાહી પહેલા દેશમાં ઘૂસણખોરી કરી ગદ્દારી કરતા લોકોને શોધી તેમને જે તે દેશમાં પરત મોકલવાની કેન્દ્રના ગૃહ વિભાગની કડક સૂચના બાદ સમગ્ર દેશમાં અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. ગુજરાતના અમદાવાદ ચંડોળા તળાવ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ પકડાતા અત્યારે સમગ્ર રાજ્યમાં તપાસ ચાલી રહી છે.
બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવાની સૂચના બાદ વિસનગર પોલીસ દ્વારા શહેરમાં તા.૨૭-૪-૨૦૨૫ ના રોજ સર્ચ ઓપરેશન કરી પશ્ચિમ બંગાળના નાગરિકોની પુછપરછ કરવામાં આવતા શહેરમાંથી બાંગ્લાદેશીઓ પકડાયા હોવાનો ભારે હોબાળો થયો હતો. વિસનગરમાં પશ્ચિમ બંગાળના રહેતા મોટે ભાગે મુસ્લીમ સમાજના છે. ત્યારે નવાવાસ અને કાજીવાડા વિસ્તારમાંથી પશ્ચિમ બંગાળના નાગરિકોની પુછપરછ કરવા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. ૨૭ પુરૂષ તેમજ ૨૩ મહિલા તથા બાળકો સાથે કુલ ૫૦ લોકોનુ વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ. જેમના આધારકાર્ડ, રેશનીંગ કાર્ડ, એલ.સી., ચુંટણી કાર્ડ તેમજ પશ્ચિમ બંગાળમાં જમીન ધરાવતા હોય તો તે બાબતના ડૉક્યુમેન્ટ વિગેરે બાબતોનુ વેરીફીકેશન કરાયુ હતુ. આ ઉપરાંત્ત મસ્તાનનગરમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કોઈ બાંગ્લાદેશી નાગરીક નથી. શહેરમાં બે પાકિસ્તાની મુસ્લીમ મહિલાઓ પણ છે. જે ૧૯૯૩ માં લગ્ન કરીને પાકિસ્તાનથી આવ્યા હતા. જે લોંગ ટર્મ વિઝા ધરાવે છે.
પશ્ચિમ બંગાળ ભારત દેશનુજ રાજ્ય છે ત્યારે રાજ્યના નાગરિકોની કેમ તપાસ કરવામાં આવી તેવો પ્રશ્ન સૌને થતો હશે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની બોર્ડર અડીને આવેલી છે. આ બોર્ડર ક્રોશ કરીને આસાનીથી બાંગ્લાદેશી પ્રથમ પશ્ચિમ બંગાળમાં આવે છે ત્યારબાદ ભારતના અન્ય રાજ્યોમાં પહોચે છે. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશીઓને આધારકાર્ડ જેવા ખોટા ડૉક્યુમેન્ટ બનાવી આપવામાં આવે છે. ભારતમાં ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓ પોતે પશ્ચિમ બંગાળના નાગરિક હોવાની ઓળખ આપે છે. જેના કારણે પશ્ચિમ બંગાળના નાગરિકોની પુછપરછ કરવામાં આવી હતી. જેમના આધારકાર્ડ ઉપરાંત્ત અન્ય ડૉક્યુમેન્ટનુ પણ ક્રોશ વેરીફીકેશન કરાયુ હતુ. વિસનગરમાં રહેતા પશ્ચિમ બંગાળના પુરુષો સોની કામના કારીગર છે. જેઓ છેલ્લા ૨૦ વર્ષ કરતા વધુ સમયથી વિસનગરમાં રહે છે.