Select Page

સતલાસણા ભાજપના સંમેલનમાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના વક્તવ્યનો વિવાદ

સતલાસણા ભાજપના સંમેલનમાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના વક્તવ્યનો વિવાદ
  • ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના પ્રશ્નો સામે પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારનો જવાબ

સતલાસણા તાલુકાના ભાજપ કાર્યકર્તા સ્નેહમિલન સમારોહ આશાપુરા માતાજીના મંદિરે તા.૨૮-૧૦-૨૦૨૫ ને મંગળવારે યોજાયો હતો. સ્નેહમિલન સાથે આત્મનિર્ભર સંકલ્પ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ભાજપની નીતિ રીતી વિશે ચર્ચા કરતા ભારે હોબાળો થયો છે. ખેરાલુ-સતલાસણા તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા રૂા.૩૧૭ કરોડની તળાવો ભરવાની યોજનાનો શ્રેય લેનાર ધારાસભ્યને જયરાજસિંહ પરમારે આઈનો બતાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે સરકારને શિખામણ આપતા તેનો શ્રેષ્ઠ જવાબ આપી આત્મનિર્ભર ભારત શું છે તે સમજાવ્યુ હતુ. અને જો સ્નેહમિલન પ્રસંગે જયરાજસિંહ પરમાર ન હોત તો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો ફિયાસ્કો થયો હોત.
સ્વાગત પ્રવચન એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ ઠાકોરે કર્યુ હતુ. પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે વિકાસની વાતો તાલુકામાં થયેલા કાર્યો અને પાણી સમસ્યા હલ કરવા વિશે સમજ આપી હતી. તેમણે સરકારને સલાહ આપતા જણાવ્યુ હતુ કે સ્વદેશી વસ્તુઓ વાપરવી જોઈએ પણ આપણા મંત્રીઓ વિદેશી ગાડીઓ વાપરે છે. તેમ કહેવાનો અર્થ હતો કે ભાજપ સરકારે પહેલા સ્વદેશીનો આગ્રહ રાખી પછી લોકોને અપીલ કરવી તેવી સલાહ આપી હતી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ સ્નેહમિલનના સંબોધનમાં પોતાની હૈયા વરાળ ઠાલવી હતી કે ધારાસભ્યની ચુંટણી વખતે વર્તમાન સંસદ સભ્ય ભરતસિંહ ડાભી તેમના અપક્ષ ચુંટણી લડતા ભાઈ રામસિંહને મદદ કરી હતી. જેના કારણે ભાજપની ૨૦ હજારની લીડ ઓછી કરી હતી. ધારાસભ્યની ચુંટણીમાં ભરતસિંહના ટેકેદાર ગામોમાંથી પણ લીડ મેળવી હતી. છતા જ્યારે ૨૦૨૪ ની લોકસભામાં ભરતસિંહ ડાભીને ભાજપે ટીકીટ આપી ત્યારે ભાજપને જીતાડવા તનતોડ મહેનત કરી લીડ અપાવી હતી.
ખેરાલુ-સતલાસણામાં પાણીની સમસ્યા હલ કરવામાં સંસદ સભ્ય, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિત તમામ નાના મોટા ભાજપના હોદ્દેદારોનો પ્રયત્ન હતો છતા પાણી લાવવામાં પોતે વાઘ માર્યો હોય તેવી હોડ જામી છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, દેશી હોય કે વિદેશી કંપની હોય પણ જો ભારતની ધરતી પર બનતી અને ભારતીયોના પરસેવા વાળી તમામ ચિજ વસ્તુઓ સ્વદેશી ગણાય તેમ તમામ લોકોને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન, હર ઘર સ્વદેશી, ઘરઘર સ્વદેશીના સરકારના મંત્ર વિશે વિસ્તૃત સમજ આપી હતી. ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય તથા આગેવાનો વચ્ચે પાણી પોતે લાવ્યાની જે જાહેરાતો મેળાવડાઓમાં થાય છે. તેના વિશે જયરાજસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, પાણીનું આંદોલન થયુ ત્યારે સિંચાઈ મંત્રી ઋષિકેશભાઈ પટેલ હતા. તેમણે તમામ આંદોલન કરનારા આગેવાનો સાથે મિટીંગ કરી ત્યારબાદ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવી જેના કારણે પાઈપલાઈનથી તળાવો ભરવા સૈધ્ધાંતિક મંજુરી મળી છે. જેમાં હું(જયરાજસિંહ પરમાર) પણ હાજર હતો. પાણીનો શ્રેય આપવો હોય તો ઋષિકેશભાઈ પટેલને આપવો જોઈએ તેમ કહી પાણી માટે જસ લેનારા આગેવાનોની બોલતી બંધ કરી દીધી હતી. આમ સતલાસણા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ જસ લેવાનો રાજકીય અખાડો બનતા જયરાજસિંહ પરમારે અટકાવ્યો હતો. તેમજ જિલ્લા/તાલુકા પંચાયતની તમામ સીટો જીતવા કાર્યકરોને આહ્‌વાન કર્યુ હતુ. પવિત્ર સ્થાને ભાજપના નેતાઓના વિવાદીત બયાનોથી કાર્યકરોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. સતલાસણા તાલુકામાં ભાજપ સંગઠન મજબુત છે પરંતુ ઉપરની નેતાગીરીએ પોતાના રોટલા શેકવાની જગ્યાએ લોકઉપયોગી કાર્યો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા સુધરવાની જરૂર છે તેવુ ચર્ચાતુ હતુ.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ(૧૦૮), એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ કે. બાપુ, કોઠાસણા, ખેરાલુ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, નરસિંહભાઈ ચૌધરી, જયંતિભાઈ પટેલ(વકીલ), ભાજપ અગ્રણી મોંઘીબેન ચૌધરી, હસમુખભાઈ મેવાડા, કિશોરસિંહ ચૌહાણ(ભાલુસણા), ભગીરથસિંહ ચૌહાણ(ઉંમરી), નાનજીભાઈ ચૌધરી(ઉમરેચા), દશરથસિંહ પરમાર(નવા સુદાસણા), મુકેશભાઈ મહેતા(ઉપપ્રમુખ) સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો તાલુકા ડેલીગેટો સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.