Select Page

ઋષિભાઈ આ ચુંટણી તમારે નહી અમારે લડવાની છે

ઉંઝા સીટ ઉપર દાવેદારી કરતા ટેકેદારોએ મોટી સંખ્યામાં ઉમટી લાગણી વ્યક્ત કરી

  • તમામ સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત ટેકેદાર આગેવાનોએ ૩૦,૦૦૦ થી વધુ લીડથી જીતાડવા બાહેધરી આપી

ગુજરાત સરકારમાં સવા વર્ષ સુધી કેબીનેટ મંત્રીની જવાબદારી સંભાળી ઋષિભાઈ પટેલે હકારાત્મક વલણ અપનાવી વિસનગરનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. ઋષિભાઈ પટેલ ફરીથી રીપીટ થશે અને નવી સરકારમાં મોટી જવાબદારી સંભાળશે તેવો તાલુકાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. ત્યારે ઉંઝા સીટ ઉપર દાવેદારી કરતાજ અચંબામાં મુકાયેલા ટેકેદારો મોટી સંખ્યામાં ઋષિભાઈ પટેલના નિવાસ્થાને ઉમટ્યા હતા. ટેકેદારો તથા કાર્યકરોએ લાગણી વ્યક્ત કરી હતી કે ઋષિભાઈ આ ચુંટણી તમારે નહી પરંતુ અમારે લડવાની છે. ટેકેદારોએ ૩૦,૦૦૦ થી વધુ મતોની લીડથી વિજયી થશો તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટેકેદારોનો આ વિશ્વાસ અને પ્રેમ જોઈ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પણ ગદ્‌ગદીત થયા હતા. ત્યારબાદ ટીકીટ જાહેર થતાજ ફરીથી ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પેંડા ખવડાવી ઋષિભાઈ પટેલનુ મોં મીઠુ કરાવ્યુ હતુ.
પ્રમોશન મળ્યા બાદ મોટાભાગના નેતાઓ હવામાં ઉડતા હોય છે. ભાષામાં તોછડાઈ આવી જતી હોય છે. વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ વિનમ્ર બની લોકોની રજુઆત સાંભળતા હતા અને વિરોધીઓના પણ કામ કરતા હતા. ફરીથી આવી તક ન પણ મળે તેવા આશયથી તમામના કામ કર્યા છે. કેબીનેટ મંત્રી બન્યા બાદ કોઈપણ ભેદભાવ વગર વિકાસ કામ કરતા ભારે લોકચાહના મેળવી છે. ઋષિભાઈ પટેલ રીપીટ થાય તેવી મોટાભાગના લોકોની ઈચ્છા અને આશા હતી. ત્યારે ઉંઝા બેઠક ઉપર દાવેદારી માટે બાયોડેટા રજુ કરતા વિસનગર તાલુકાના લોકોએ આંચકો અનુભવ્યો હતો. એવી તો શુ ભૂલ થઈ કે ઋષિભાઈ પટેલ વિસનગરથી અળગા થઈ રહ્યા છે તેવી લોકોમાં લાગણી હતી. ઋષિભાઈ પટેલ વિસનગર આવતાજ તા.૯-૧૧ ને બુધવારના રોજ રાત્રે પટેલ, ચૌધરી, ઠાકોર, રાજપૂત, રબારી સહીત તમામ સમાજના લોકો તેમના નિવાસ્થાને ઉમટ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ટેકેદારોએ ઋષિભાઈ પટેલ સમક્ષ લાગણી દર્શાવી હતી કે, ભાજપ ભલે ઉંઝા બેઠક ઉપર ટીકીટ આપે પરંતુ અમે જવા દેવાના નથી. દઢિયાળના પૂર્વ સરપંચ દિલીપભાઈ ચૌધરીએ તો એટલે સુધી પ્રતિક્રિયા આપી હતી કે તમે ઉંઝા જશો તો અમે તરભ રોડ ઉપર આડા પડીને તમારી ગાડી રોકીશુ.
ટેકેદારોએ લાગણી વ્યક્ત કરી હતી કે વિસનગર શહેર અને તાલુકામાં કરોડોનો વિકાસ કર્યો છે. તાલુકાના દરેક ગામના આગેવાન, કાર્યકર તથા નાનામાં નાના વ્યક્તિ સાથે સબંધ ધરાયો છે. કેબીનેટ મંત્રી બન્યા બાદ કોઈને જાકારો કે તુકારો કર્યો નથી અને વિરોધ કરનારના પણ કામ કર્યા છે તો વિસનગર સીટ ઉપર ૩૦,૦૦૦ થી વધુ મતની લીડથી વિજયી થશે તેવો ટેકેદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમટેલા ટેકેદારોમાં ચૌધરી સમાજના આગેવાન મહેન્દ્રભાઈ ચૌધરી ગુંજાળા, દિલીપભાઈ ચૌધરી દઢિયાળ પૂર્વ સરપંચ, કાન્તીભાઈ ચૌધરી ખંડોસણ પૂર્વ સરપંચ, સહીત પાલડી, ગુંજા, રંગાકુઈ, મગરોડા, બાસણા વિગેરે ચૌધરી સમાજના ગામોના આગેવાનોએ પણ પોતાના ગામમાંથી ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરાવી વિજયી બનાવવા ખાત્રી આપી હતી. જ્યારે કાંસાના તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, માર્કેટયાર્ડના ડીરેક્ટર ર્ડા.જયંતિભાઈ પટેલ, કે.સી.પટેલ, કાંસા પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલ ગામી, દિલીપભાઈ જી.પટેલ, તાલુકાના બાવીસી કડવા પાટીદાર સમાજના આગેવાનો સમર્થન આપી વિજયી બનાવવા ખાત્રી આપી હતી. આ સમયે ઋષિભાઈ પટેલના નિવાસ્થાને યોજાયેલ નાની સભામાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો તથા કાર્યકરોએ ઋષિભાઈ પટેલને જંગી લીડ અપાવી વિજયી બનાવવા હાંકલ કરી હતી.
વિસનગર શહેર અને તાલુકામાં ભેદભાવ વગર કરેલ સેવા તેમજ વિકાસ કામના કારણે લોકોનો આવો પ્રેમ જોતા ગદ્‌ગદીત થયેલ ઋષિભાઈ પટેલે વિસનગરથીજ ચુંટણી લડીશુ તેવુ જણાવતાજ હાજર તમામ લોકોએ તાળીઓ પાડી નિર્ણયને વધાવ્યો હતો. શહેર પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા પ્રમુખ સતીષભાઈ પટેલ, કમલેશભાઈ જીવાભાઈ પટેલ, એલ.કે.પટેલ, સરોજબેન પ્રજાપતિ, નાગજીભાઈ રબારી, સુરેશભાઈ રબારી, જીલ્લા ડેલીગેટ અરવિંદભાઈ પટેલ ઘાઘરેટ વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts