રૂા.૩૭ કરોડના ખર્ચે બનતા સીસી રોડની મજબુતાઈ કેટલી?
બુટ કે ચંપલ પહેરી પગ ઘસતા સીમેન્ટ કપચી ઉખડી જાય છે
વિસનગરના હાઈવે ઉપર બનતા સીસી રોડનુ કામ ચાલી રહ્યુ છે તેની મજબુતાઈ ઉપર શંકા સેવાઈ રહી છે. સીસી રોડના પ્રથમ લેયરના કામમાં બુટ કે ચંપલ પહેરીને પગ ઘસતાજ સીમેન્ટ અને કપચી ઉખડી જાય છે. યોગ્ય ગુણવત્તાનુ કામ કરવામાં નહી આવે તો રોડ તુટી જશે અને સીસી રોડના ખાડા પુરવામાં ઘણી મુશ્કેલી ઉભી થશે. અગાઉ કાંસા ચાર રસ્તાથી રામાપીર મંદિર સુધી સીસી રોડનુ કામ હલકી ગુણવત્તાનુ થતા રોડ બનાવ્યો તેના થોડાજ સમયમાં તુટી ગયો હતો. જેના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને સેટીંગ કરી સમાધાન થયુ હતુ.
વિસનગરમાં કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના હાઈવેનો ડામર રોડ ધોવાઈ જતા અનેક જગ્યાએ ખાડા પડ્યા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા હલકી ગુણવત્તાનુ ડામર કામ કરવામાં આવતા ખાડામાં રોડ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કડા ત્રણ રસ્તાથી મહેસાણા ચાર રસ્તા સુધી ડામરનો નવો રોડ બની જતા આ રોડ ઉપર અવર જવર કરતા લોકો ખાડાના ત્રાસમાંથી મુક્ત થયા છે.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી મહેસાણા ચાર રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધી રૂા.૩૭ કરોડના ખર્ચે સીસી રોડનુ કામ હવે શરૂ થયુ છે. જીયુડીસીએ પાલડી ત્રણ રસ્તા તરફથી કાંસા ચાર રસ્તા સુધી ગટર લાઈન નાખવાનુ કામ પૂર્ણ કરતા હવે માર્ગ મકાન વિભાગ દ્વારા સીસી રોડ બનાવવાનુ કામ શરૂ કર્યુ છે. જીયુડીસીએ પાઈપલાઈન નાખતા પહેલા નીચે પીસીસી નહી કરતા તેમજ માટી પુરાણ કર્યા બાદ પોલાણ રહે નહી તે માટે પાણી નહી ભરતા ઉપર બનતા સીસી રોડની મજબુતી કેટલી રહેશે તેવા અત્યારથીજ પ્રશ્નો થઈ રહ્યા છે. જીયુડીસીએ ગટરલાઈનના કામમાં ગેરરીતી તો કરીજ છે. હવે માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવતા સીસી રોડની કામગીરી ઉપર પણ શંકાઓ સેવાઈ રહી છે. સીસી રોડનુ કામ બે લેયરમાં કરવામાં આવી રહ્યુ છે. જેમાં પાલડી ત્રણ રસ્તાથી દેણપ ત્રણ રસ્તા સુધી કરવામાં આવેલ કામ હલકી ગુણવત્તાનુ કામ થતુ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. સીમેન્ટ યોગ્ય માત્રામાં વપરાતો નહી હોવાથી પ્રથમ લેયરના કામમાં બુટ કે ચંપલ પહેરીને પગ ઘસવાથીજ કપચી ઉખડી જતી હોવાની ફરિયાદો ઉઠી છે. ઉપર બીજા લેયરનુ કદચ ટકાઉ કામ કરવામાં આવશે. પરંતુ પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનુ કામ થતા ભારે વાહનોની અવર જવરથી રોડ કેટલો ટકશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે શહેરમાં વિવિધ વિભાગના વિકાસ કામ ચાલતા હોવાથી અધિકારીઓને ઘી કેળા થઈ ગયા છે. ટેન્ડરની શરતો પ્રમાણે યોગ્ય માત્રામાં કામ કરવામાં નહી આવે તો શહેરના હાઈવે ઉપર ફરીથી ખાડારાજ સર્જાવાની પુરેપુરી શક્યતા છે.