ઉદલપુર CHCના તબીબ અને મહિલા નર્સ સામે રંગરેલીયાનો આક્ષેપ
એક ફૂલ દો માલી ફિલ્મ જેવો કિસ્સો હોવાથી આરોગ્યતંત્રમા ચર્ચા
- વિસનગર તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.આર.ડી. પટેલની પ્રાથમિક તપાસના આધારે જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મહિલા કર્મચારીની તાત્કાલીક કડી તાલુકામાં બદલી કરવામા આવી
વિસનગર તાલુકાના ઉદલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના એક તબીબ અને કરાર આધારીત અપરણિત સ્ટાફ નર્સ ફરજ દરમિયાન રંગરેલીયા મનાવતા ઝડપાયા હોવાના આક્ષેપથી સમગ્ર જીલ્લાના આરોગ્ય વિભાગમા ભારે ખળભળાટ મચી ગયો છે. આ બનાવની તાલુકા હેલ્થ ઓફિસરને જાણ થતા તેમને તાત્કાલીક તપાસ કરી જીલ્લા આરોગ્ય અધિકારીને રીપોર્ટ મોકલી આપ્યો હતો. જેમા સ્ટાફ નર્સની કડી તાલુકાના આરોગ્ય કેન્દ્રમા બદલી કરવામા આવી છે. જ્યારે તબીબ સામે પગલા લેવાની તજવીજ ચાલી રહી છે. જો કે આ સમગ્ર પ્રકરણમાં ‘એક ફુલ દો માલી’ ફિલ્મ લવસ્ટોરી હોવાનુ આરોગ્યતંત્રના કર્મચારીઓમા ચર્ચાય છે.
મહેસાણા જીલ્લા આરોગ્ય વિભાગમાં પનોતી બેઠી હોય તેમ છેલ્લા બે મહિનામાં એક બાદ એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. જેમા પોલીયો કાંડ, ખ્યાતિકાંડ, નસબંધી કાંડ બાદ હવે ચાલુ નોકરી લંપટલીલાનો વિપુલ આક્ષેપ થતા સમગ્ર જીલ્લાનુ આરોગ્યતંત્ર હચમચી ગયુ છે. જેમા વિસનગર તાલુકાના ઉદલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ના એક તબીબ અને કરાર આધારીત અપરણીત મહિલા કર્મચારી (સ્ટાફનર્સ) બન્ને ફરજ દરમિયાન એકાંતનો લાભ લઈ રંગરેલીયા મનાવતા હોવાનો સોશિયલ મિડીયામા આક્ષેપ થતા જીલ્લાના આરોગ્યતંત્રમા ભારે ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરીએ લંપટ તબીબ અને મહિલા કર્મચારી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતા તાલુકા અને જીલ્લાના આરોગ્ય તંત્રના અધિકારીયો દોડતા થયા હતા. જીલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.આર.ડી.પટેલ સહીતની ટીમે આ મુદ્દે તાત્કાલીક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોગ્ય અધિકારી ડૉ.આર.ડી. પટેલે ઉદલપુર સામુહિક આરોગ્ય કર્મચારીઓના નિવેદન લીધા હતા. સાથે સાથે આરોગ્ય કેન્દ્રના સી.સી.ટીવી ફુટેજ પણ કબજે લીધા હતા. આ સીસીટીવી ફૂટેજને ચકાસણી માટે એફ.એસ.એલ.માં મોકલવામા આવ્યા છે. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગ દ્વારા મહિલા અધિકારીઓની એક તપાસ કમિટી બનાવવામા આવી છે. જો કે તાલુકા આરોગ્ય અધિકારીની પ્રાથમિક તપાસના રિપોર્ટ આધાર જીલ્લા કક્ષાએથી ઉદલપુર આરોગ્ય કેન્દ્રની મહિલા કર્મચારીની કડી તાલુકા ખાતે તાત્કાલિક બદલી કરવામા આવી છે. જ્યારે જેના ઉપર લંપટલીલાનો વિપુલ આક્ષેપ થયો છે તે તબીબ સામે કડક પગલા લેવાની તજવીજ ચાલી રહી હોવાનુ આરોગ્યતંત્રના કર્મચારીઓમા ચર્ચાય છે. આરોગ્ય કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે આ સમગ્ર પ્રકરણમા ‘એક ફુલ દો માલી’ ફિલ્મની લવસ્ટોરી જેવી હકીકત છે. જેના કારણે આ પ્રકરણ ફોટાઓ સાથે સોશિયલ મિડીયામા બહાર આવ્યુ છે. જો આ પ્રેમ પ્રકરણની ઉડી તટસ્થ તપાસ થશે તો વિપુલ પ્રમાણમાં ચોકાવનારા રહસ્યો બહાર આવશે. હવે આ પ્રકરણમા સત્ય શુ હકીકત છે તે તો આરોગ્ય વિભાગ સાચી દિશામા તપાસ કરશે તો જ બહાર આવશે.