Select Page

વીમો ચૂકવતી વખતે દરેક કંપનીના ઠાગાઠૈયા મેડી ક્લેઈમમાં વળતર ઓછુ આપી હેરાનગતી કરતી કંપનીઓને મોટા દંડ કરવા જોઈએ

વીમો ચૂકવતી વખતે દરેક કંપનીના ઠાગાઠૈયા મેડી ક્લેઈમમાં વળતર ઓછુ આપી હેરાનગતી કરતી કંપનીઓને મોટા દંડ કરવા જોઈએ

તંત્રી સ્થાનેથી…
પરિવારનુ ગુજરાન ચલાવવામાં શિક્ષણ અને આરોગ્ય બાબતે મોટાભાગના લોકો ચિંતિત હોય છે. જેમાં શિક્ષણ પાછળનો ખર્ચ એવો હોય છેકે જેની આગોતરી જાણ હોય છે અને તેનુ આયોજન કરવાનો સમય મળી રહે છે. મધ્યમ વર્ગ પરિવારના સંતાનને ઉચ્ચ અભ્યાસ માટે ખર્ચ કરવો હોય તો એજ્યુકેશન લોનની સુવિધા મળી રહે છે. શિક્ષણ મોઘુ થઈ રહ્યુ છે એટલે સંતાનોને પરિસ્થિતિ પ્રમાણે અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે પરિવારના આરોગ્યની બાબત એવી છેકે, આરોગ્ય ખર્ચની ક્યારે જરૂર પડે તેની આગવી જાણ હોતી નથી. પરિવારનું માંડ ગુજરાન ચલાવતા હોય તેવા સંજોગોમાં આરોગ્ય માટે અલગ બજેટ ફાળવી શકાતુ નથી કે અલગ બચત થઈ શકતી નથી. આરોગ્ય પાછળનો ખર્ચ અણધાર્યો હોય છે. આવા સંજોગોમાં મોટા ભાગના પરિવારના મોભી હેલ્થ ઈન્સ્યુરન્સ વધારે પસંદ કરે છે. પૈસાપાત્ર વર્ગના લોકોને આરોગ્ય પાછળ ખર્ચની કોઈ ચિંતા હોતી નથી. છતાં સારી કંપનીના મેડીક્લેઈમ લેતા હોય. જ્યારે મધ્યમ વર્ગના લોકો પોતાની આવકમાંથી આરોગ્ય સારવાર માટે અલગ બચત તો કરી શકતા નથી, પરંતુ આવકમાંથી થોડી ઘણી બચત કરી મેડીક્લેઈમ પોલીસી તો જરૂર લેતા હોય છે. ભારત દેશમાં મધ્યમ વર્ગ મોટા પ્રમાણમાં છે. કરોડોની સંખ્યા ધરાવતા આ વર્ગનો મેડીક્લેઈમ લેવા માટે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ બીલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. દેશમાં એવી ઈન્સ્યોરન્સ કંપનીઓ છેકે જે પ્રિમિયમ તો લે છે, પરંતુ પોલીસી ધારક કે તેમના પરિવારમાંથી કોઈ સારવાર લે તો વળતરનો ક્લેઈમ ચૂકવતી નથી. હેલ્થ ઈન્સ્યુરન્સમાં વર્ષે લાખ્ખો લોકો છેતરાતા હશે, ત્યારે આવી કંપનીઓના કાન આબળી શકે કે છેતરાયેલા પોલીસી ધારક ગ્રાહકને ન્યાય અપાવી શકે તેવી સરકારની કોઈ કડક પોલીસી નથી. હેલ્થ ઈન્સ્યોરન્સ લેતા ગ્રાહકોને હેરાનગતી ન થાય તે માટે વીમા કંપનીઓને નિયંત્રિત કરતા કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાં વીમા કંપનીઓને નક્કી કરેલ દિવસમાં વીમાનો ક્લેઈમ સેટલ કરવો, નક્કી કરેલ દિવસ કરતા વધારે દિવસમાં સેટલ કરે તો વધારાના દરેક દિવસ માટે પાંચ પાંચ હજારની વધારાની ચૂકવણી કરવી વિગેરે નિયમો બનાવવામાં આવ્યા છે. દેશમાં કરોડોની સંખ્યામાં હેલ્થ ઈન્યોરન્સ લેવામાં આવે છે અને વીમા કંપનીઓ દ્વારા લાખ્ખોની સંખ્યામાં ક્લેઈમ નામંજૂર કરવામાં આવે છે ત્યારે કંપનીઓની અન્યાયી નીતિઓનો ભોગ બનેલ પોલીસી ધારકોને ન્યાય અપાવવા માટે સરકાર પાસે એટલા પ્રમાણમાં સંસ્થાઓ પણ નથી. ગ્રાહકને જ્યારે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસી લેવા માટે સંમત કરવાના હોય ત્યારે કંપનીઓ દ્વારા લોભામણી લાલચો આપવામાં આવે છે. ઈલાજના સમયે કંપની જાણે તમારા વાલી થઈને ઉભી રહેવાની હોય તેવી વાતો કરવામાં આવે છે. ઈન્સ્યોરન્સના ફોર્મમાં ઈંગ્લિશમાં નાના અક્ષરે ઘણી શરતો લખેલી હોય છે. જે શરતો શું કહેવા માગે છે તે બાબતે એજન્ટો જાણ કરતા નથી. જ્યારે ક્લેઈમ ચૂકવવાની વાત આવે ત્યારે ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેટલી કંપનીની નિમણૂંક કરાયેલ કમિટિ દ્વારા તપાસ કરવમાં આવે છે. સ્વાસ્થ્ય સબંધિત ઓચિંતી આવી પડતી સમસ્યાઓ દરમ્યાન મુશ્કેલીના સમયમાં ઈલાજ માટે આર્થિક ભીંસ અડચણ બને નહી તે માટે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવામાં આવે છે. હેલ્થ સબંધીત અચાનક આવી પડેલ ખર્ચના સમયે જ્યારે વીમા ક્લેઈમની ખુબજ જરૂર હોય, સારવાર માટે ઉછીના નાણાં લાવી પરત કરવા વીમા ક્લેઈમની ખુબ જરૂર હોય તેવા સંજોગોમાં વીમા કંપની દ્વારા નિયમો બતાવી થયેલ ખર્ચ કરતા ઓછી રકમ ચુકવવામાં આવે છે અથવા ક્લેઈમ નામંજુર કરવામાં આવે છે. આવી પરિસ્થિતિ વર્ષોથી જે ગ્રાહક પ્રિમિયમ ભરતા હોય તેમની પણ થતી હોય છે. જરૂર પડશે ત્યારે વીમા કંપનીની મદદ મળી રહેશે તેવી આશા વચ્ચે જ્યારે ક્લેઈમ નામંજુર થાય ત્યારે પોલીસી લેનારના ગ્રાહકના માથે આભ તૂટી પડે છે. કેશલૅશ પોલીસી એટલા માટે લેવામાં આવે છેકે, મુશ્કેલીના સમયે પૈસા માટે દોડધામ કરવી પડે નહી. પરિવારનો સભ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય ત્યારે વીમા કંપનીની જ્યારે પ્રીઓથોરાઈઝેશન ન આવે તેવા સંજોગોમાં હાલત ખરાબ થઈ થાય છે. વીમા કંપનીઓ દ્વારા હેલ્થ, જીવન વીમા, વાહન, મિલ્કત વિગેરે પોલીસી લેવામાં આવે છે. જેમાં વીમા કંપની દ્વારા થતા અન્યાયમાં આરોગ્ય વીમા અંગેની ફરિયાદો વીમા લોકપાલમાં અને ગ્રાહક સુરક્ષા મંડળમાં વધુને વધુ થતી હોય છે. અન્યાયનો ભોગ બનેલ ગ્રાહકોમાં અન્ય કામગીરીની ઝંઝટના કારણે મોટાભાગના ગ્રાહકો ફરિયાદ કરવાનુ ટાળે છે. હેલ્થ ઈન્સ્યુરન્સની અન્યાયી નીતિઓને પડકારનાર ગ્રાહકો ખુબજ ઓછા છે. તબીબી સારવાર પાછળ થયેલ ખર્ચ કરતા ઓછુ વળતર મળે કે ક્લેઈમ નામંજુર થાય ત્યારે જે ગ્રાહકો ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરે છે તેમને જરૂર ન્યાય મળે છે. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ક્લેઈમની નામંજુર કરેલ રકમ અરજી કર્યા તારીખથી કંપની વળતર ન ચૂકવે ત્યા સુધી ૯ ટકા સાદા વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત્ત માનસિક ત્રાસના રૂા.૫૦૦૦ અને અરજી ખર્ચ પેટે રૂા.૨૦૦૦ ચુકવવા હુકમ કરે છે. જ્યારે વકીલ ખર્ચ સામાન્ય કેસમાં રૂા.૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ થતો હોય છે. આવા કેસોમાં અરજી ખર્ચ કે વકીલ ફી અથવા દંડની મોટી રકમ ચૂકવવાના હુકમ કરવામાં આવે તોજ હેલ્થ ઈન્સ્યોરન્સ આપતી કંપનીઓનો ગ્રાહકોને થતો અન્યાય ઓછો થાય તેમ છે.