વિસનગરમાં વિકાસ કામનુ સુચિ બોર્ડ નહી લગાવવાનુ કારણ શું?
જ્યા મોટી રકમના વિકાસ કામ ચાલતા હોય ત્યા કામના સ્થળે ઈન્ફર્મેશન બોર્ડ – સુચિ બોર્ડ લગાવવાનો સરકારનો નિયમ છે. ત્યારે વિસનગરમાં નિયમોની ઐસી તૈસી કરીને કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. સુચિ બોર્ડમાં ટેન્ડરની વિગતો દર્શાવવાની હોય છે. ત્યારે આ નિયમોનુ પાલન નહી કરતા કોન્ટ્રાક્ટરોને સરકારી તંત્ર કેમ છાવરી રહ્યુ છે તેવા શંકા ઉપજાવતા પ્રશ્નો થઈ રહ્યા છે.
વિસનગર શહેર કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો મત વિસ્તાર છે. એટલે કોન્ટ્રાક્ટરો વિકાસ કામમાં ગેરરીતી કરતા ખચકાય તેવુ માનવાનુ કોઈ કારણ નથી. જીયુડીસી દ્વારા થતા ગટરલાઈનના કામમાં નીતિ નિયમો વિરુધ્ધ કામ થઈ રહ્યા હોવાના આક્ષેપ થયા છતા તેની કોઈ તપાસ થઈ નથી. જ્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા પાલડી ત્રણ રસ્તાથી જે સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે તે કેટલો ટકશે તેવી શંકાઓ થઈ રહી છે. સરકારનો એક ક્લૉઝ છેકે રૂા.૫૦ લાખ કે તેથી વધુ રકમનુ ટેન્ડર હોય તો જ્યા વિકાસ કામ ચાલતુ હોય ત્યા ઈન્ફર્મેશન – સુચિ બોર્ડ લગાવવુ, લોકો વાંચી શકે અને સમજી શકે તે માટે બોર્ડમાં કામનુ નામ, કામ કરતી એજન્સીનુ નામ, મંજુર થયેલ ગ્રાન્ટની રકમ, ટેન્ડરની રકમ, વર્ક ઓર્ડર આપ્યા તારીખ, ડેટ ઓફ કમ્પ્લીશન એટલે કે કામ પુરૂ કરવાની તારીખ, કયા વર્ષના બજેટમાં મંજુર કરવામાં આવ્યુ, જે વિભાગ હેઠળ કામ ચાલતુ હોય તે વિભાગનુ નામ વિગેરે વિગતો લખેલ બોર્ડ લગાવવાનુ હોય છે. રોડ હોય તો જ્યા શરૂ કરવાનો હોય ત્યા અથવા પુરો થતો હોય ત્યા બોર્ડ લગાવવાનુ હોય છે.
વિસનગરમાં અત્યારે રૂા.૭૦ કરોડના ખર્ચે જીયુડીસીની ગટરલાઈનનુ કામ અને રૂા.૩૫ કરોડના ખર્ચે પાલડી ત્રણ રસ્તાથી મહેસાણા ચાર રસ્તા સુધી સીસી રોડનુ કામ ચાલી રહ્યુ છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જગ્યાએ ઈન્ફર્મેશન બોર્ડ લગાવ્યુ હોય તેવુ જોવા મળતુ નથી. કોન્ટ્રાક્ટરો ઉપર જીયુડીસીની કે માર્ગ મકાન વિભાગની કોઈ દેખરેખ છે કે નહી? કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની પ્રમાણે કામ કરે છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે થતા વિકાસ કામ કંઈ રીતે અને કોના આશીર્વાદ નીચે ચાલે છે તે બાબતે અનેક શંકાઓ સેવાઈ રહી છે.
શહેરમાં ૧૫ વર્ષ પહેલા અંદાજે રૂા.૩૦ કરોડના ખર્ચે જીયુડીસી દ્વારા પ્રથમ ચરણમાં ગટરલાઈનનુ કામ થયુ હતુ. જીયુડીસીના અધિકારીઓએ મોટા પ્રમાણમાં ખાયકી કરતા કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનુ કામ કરતા આખી યોજના ફેલ થઈ હતી અને સરકારના કરોડો રૂપિયા ગટરલાઈનમાં ગરકાવ થઈ ગયા હતા. હાલમાં જે ગટરલાઈનનુ કામ ચાલી રહ્યુ છે તેમાં પણ ટેન્ડરના નીતિ નિયમો મુજબ કામ થતુ નહી હોવાનુ અને હલકી ગુણવત્તાનુ કામ થતુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. કામ નીતિ નિયમો મુજબ નહી થાય તો હાઈકોર્ટમાં રીટ કરવા સુધીની ચીમકી આપવામાં આવી છે. તેમ છતા તંત્રનુ કે કોન્ટ્રાક્ટરોના પેટનુ પાણી હાલતુ નથી. એનો મતલબ એ કે એવા તો કયા અદના નેતાના ચાર હાથ છે કે કોન્ટ્રાક્ટરો નિયમો નેવે મુકીને નિશ્ચિત બની કામ કરી રહ્યા છે. અત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ અને ભાજપના કાર્યકરો કરોડો રૂપિયાના શહેરમાં કામ ચાલતા હોવાનુ ગૌરવ લઈ રહ્યા છે. પરંતુ ૧૫ વર્ષ પહેલાની જેમ જીયુડીસીની યોજના નિષ્ફળ રહેશે કે સફળ રહેશે તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવતો સીસી રોડ તુટશે નહી તેની ગેરંટી આપવા કોઈ તૈયાર નથી.