વિસનગર પાલિકા દ્વારા ૮ થી ૧૫ ફેબ્રુઆરી સ્વદેશી મેળાનું આયોજન
સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા
- જાત બનાવટની વસ્તુના ઉત્પાદક વેપારીઓએ સ્ટોલ માટે તા.૬-૨ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે
લોકલ ફોર વોકલના અભિગમને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકારે સ્વદેશી મેળા શોપીંગ ફેસ્ટીવલ માટે સુચના આપી છે. જે અંતર્ગત વિસનગર પાલિકાએ સ્વદેશી મેળાનુ આયોજન કર્યુ છે. આ મેળામાં વેપારીઓએ સ્ટોલનું રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. જેમાં મંડપ, લાઈટીંગ, બેઠક માટે ખુરશી વિગેરે વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવશે. આ અંતર્ગત પાલિકાના સભાખંડમા પ્રમુખની અધ્યક્ષતામાં તથા ચીફ ઓફિસરની હાજરીમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નાના વેપારીઓએ હાજર રહી ઉત્સાહ દાખવ્યો હતો.
રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યુ છે. ત્યારે સ્થાનિક ઉત્પાદકોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે સ્થાનિક બજાર મળી રહે, સ્થાનિક ગ્રાહકો પણ પોતાના વિસ્તારના ઉત્પાદક વેપારીઓના ઉત્પાદનની વસ્તુઓથી પરિચિત થાય, લોકલ ફોર વોકલના અભિગમને પ્રાધાન્ય મળે તેવા અનેક હેતુથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પાલિકા કક્ષાએ સ્વદેશી મેળા- શોપીંગ ફેસ્ટીવલ માટે સુચના આપી છે. જે અંતર્ગત વિસનગર પાલિકા દ્વારા મહેસાણા રોડ આદર્શ વિદ્યાલય સામેના કંમ્પાઉન્ડમા તા.૮-૨ થી ૧૫-૨ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્વદેશી મેળાના આયોજનની સમજ તથા માર્ગદર્શન માટે વિસનગર પાલિકાના સભાખંડમા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તેમજ ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ એક મિટીંગનું આયોજન કર્યુ હતુ. જેમાં વિસનગર મિશન મંગલમ યોજનાના ટી.એલ.એમ. જયશ્રીબેન આર.રાવલ પણ હાજર રહ્યા હતા. મિટીંગમા ઉપસ્થિત નાના વેપારીઓ અને સખીમંડળની બહેનોને સ્વદેશી મેળા આયોજનની જાણકારી આપી હતી.
સ્વદેશી મેળાના આયોજન બાબતે ચિફ ઓફિસરે જણાવ્યુ છે કે તોરણ, સાબુ, અગરબત્તી, માટીના કોડીયા વિગેરે હસ્ત કલાની વસ્તુઓ બનાવનાર વેપારીઓ તથા ફાસ્ટ ફૂડના વેપારીઓને સ્ટોલ ફાળવવામાં આવશે. મહેસાણા રોડ આદર્શ હાઈસ્કુલ સામેના કંમ્પાઉન્ડમા સ્ટોલ માટે મંડપ, લાઈટીંગ, બેઠક માટે ખુરશી, સ્વચ્છતા વિગેરે વ્યવસ્થા કરવામાં આવશે. સ્વદેશી મેળા માટે વિનામુલ્યે સ્ટોલ ફાળવવામાં આવશે. ફાસ્ટ ફુડના વેપારીઓ, હસ્ત કલાની વસ્તુ બનાવતી સખી મંડળની બહેનો, સ્થાનિક ઉત્પાદકોએ સ્ટોલ માટે તા.૬-૨-૨૦૨૬ સુધીમા પાલિકામા રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સમૃધ્ધ વારસાને જાળવવા તેમજ અનુભવવા ભાર આપવામાં આવ્યો છે. આ દિશામાં સ્વદેશી વસ્તુઓની ખરીદી દ્વારા દેશના કારીગરો, કલા સર્જકો અને નાના ઉદ્યોગો તેમજ સાહસોના ઉત્પાદનોનો સ્થાનિક કક્ષાએ ઉપયોગ વધે તે માટેનુ મહત્વ આપ્યુ છે. આ સ્વદેશી મેળાથી કલાત્મક વસ્તુઓ ખરીદીના શોખીન તેમજ સ્વાદપ્રીય લોકોને એકજ સ્થળે તમામ વસ્તુઓ લાભ મળશે.