Select Page

વિસનગરના ૮ ગામમાં મતદાર યાદી સુધારણાના નામે લોકશાહીનું ચીરહરણ

વિસનગરના ૮ ગામમાં મતદાર યાદી સુધારણાના નામે લોકશાહીનું ચીરહરણ

વિસનગર વિધાનસભા વિસ્તારમાં હાલમાં ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત મતદારયાદી સુધારણાની પ્રક્રિયા કરવામાં આવી હતી.જેમાં તાલુકાના ૮ ગામના ચોક્કસ વર્ગના ૨૭૦૦ જેટલા મતદારોના નામ પ્રાથમિક ડ્રાફ્ટમાંથી કમી કરવા માટે કોઈપણ પુરાવા વગર વાંધા અરજીઓ (ફોર્મ.૭ ) કરવાની પ્રક્રિયા કરવામાં આવતા વહીવટી તંત્રની કામગીરી અને પડદા પાછળ રમાઈ રહેલા રાજકીય ખેલ સામે અનેક સવાલો ઉભા થયા છે.
મતદારયાદી સુધારણાની કામગીરીમાં તાલુકાના પાલડી, સવાલા, ભાલક, વાલમ, ગુંજા, રાલીસણા, ઉમતા અને ભાન્ડુ ગામમાં ‘ભારતીય હોવાના પુરાવા આપવા મતદારો મજબૂર બન્યા
ચૂંટણી પંચના આદેશથી સમગ્ર ગુજરાતમાં મતદારયાદી ખાસ સુધારણાની કામગીરી ચાલી રહી છે.જેમાં વિસનગર તાલુકાના પાલડી,ભાલક, સવાલા,વાલમ બાદ ગુંજા, રાલીસણા, ઉમતા,અને ભાન્ડુ ગામમાં ખોટી વાંધા અરજીઓના વિવાદમાં જંગલની આગની જેમાં લોકોમાં રોષ ભભૂક્યો છે.આ તમામ ગામોના હજારો નાગરિકો, જેમાં મહિલાઓ, વયોવૃદ્ધો અને સરપંચો તેમજ જન્મથી બે ત્રણ પેઢીથી રહેતા અને વર્ષોથી મતદાન કરતા મતદારો પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે તાલુકા પંચાયત અને પ્રાન્ત કચેરીમાં સવારથી લાંબી લાઇનોમાં જોવા મળી રહ્યા છે.જેમાં ગુંજા ગામના લઘુમતી સમાજના મતદારોએ કહ્યું હતું કે “અમે ભારતમાં જન્મ્યા છીએ અને અહીં જ મરીશું”.અહીં લોકશાહી પ્રક્રિયાના નામે લઘુમતી સમાજમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. અહીં અમારા ગામના ૪૦૦ મુસ્લિમ મતદારોમાંથી ૨૯૨ જેટલા મતદારોના નામ કમી કરવા માટે ખોટી વાંધા અરજીઓ આપવામાં આવી છે.જોકે વર્ષ-૨૦૦૨ના રમખાણોમાં પણ અમારા ગામમાં ભાઈચારાનું વાતાવરણ હતું.પરંતુ આ અરજીઓએ અમારા ગામની એકતા તોડવાનો પ્રયાસ કર્યો છે.પરંતુ અમે ભારતના છીએ, ભારતમાં જન્મ્યા છીએ અને ભારતમાં જ મરીશું. કોઈ અમને દેશની બહાર કાઢી શકે નહીં.” અમે ન્યાય મેળવવા ગાંધી ચીંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરીશું.જ્યારે પાલડી ગામના સરપંચ જીતેન્દ્રકુમાર હિંમતસિંહ ચૌધરી, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો સહિત ૬૩ લોકોના નામ કમી કરવા વાંધા અરજીઓ આપતા પાલડીના સરપંચે આક્ષેપ કર્યો છે કે, બીએલઓ (BLO) દ્વારા ડોર-ટુ-ડોર સર્વે અને કામગીરી પૂર્ણ થયા બાદ તૈયાર થયેલા ડ્રાફ્ટમાં અચાનક ખોટી રીતે નામ કમી કરવાની અરજીઓ કરવી એ પૂર્વ આયોજિત રાજકીય કિન્નાખોરી છે.જ્યારે રાલીસણાના મહિલા સરપંચના પતિ ઇમરાન પઠાણ સહિત ૧૨૪ મતદારો સામેની વાંધા અરજીઓ કરી સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જ્યારે જન્મથી રહેતા અને દરેક ચૂંટણીમાં મતદાન કરતા વાલમ ગામના ૬૧અને ભાન્ડુ ગામના ૫૭ જેટલા મતદારોના નામ કમી કરવા કોઈ પણ પુરાવા વગર વાંધા અરજીઓ આપવામાં આવી છે.આ સાથે ભાજપનો ગઢ ગણાતા ઉમતા ગામના ૧૫૦ જેટલા મતદારો પણ આ જ ષડયંત્રનો ભોગ બન્યા છે.આ તમામ ગામના મતદારોનો આક્ષેપ છે કે કેટલાક તત્વો રાજકીય ઈશારે ખોટી વાંધા અરજીઓ કરીને વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે.જોકે આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટી તંત્રની ભૂમિકા સામે પણ લોકો શંકા સેવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે એક તરફ સરકાર ૧૦૦ ટકા મતદાન માટે જનજાગૃતિ અભિયાન ચલાવે છે અને બીજી તરફ ખોટી વાંધા અરજીઓ કરી હજારો સાચા મતદારોનો મતાધિકાર છીનવવાનું ષડયંત્ર કરી રહી છે.જેના કારણે અત્યારે વિસનગર તાલુકાના પાલડી, સવાલા, ભાલક, વાલમ તેમજ ગુંજા, રાલીસણા, ઉમતા, અને ભાન્ડુ ગામના મતદારો કોઈપણ જાતના પુરાવા વગર માત્ર રાજકીય દ્રેષથી કરવામાં આવેલી તમામ વાંધા અરજીઓ (ફોર્મ નં. ૭) તાત્કાલિક અસરથી રદ કરાવવા તાલુકા પંચાયત અને પ્રાન્ત કચેરીમાં કલાકો સુધી લાંબી લાઈનોમાં જોવા મળ્યા હતા.આ મતદારોએ ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.જો તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત અને ન્યાયી કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને ઉપવાસ કરવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અત્યારે તો તાલુકાના ૮ ગામના ૨૭૦૦ જેટલા મતદારો પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા અને મતાધિકાર બચાવવા સરકારી કચેરીઓમાં દોડધામ કરી રહ્યા છે.ત્યારે વહીવટી તંત્ર આ મતદારોને ન્યાય આપે છે કે પછી લોકશાહીનું મૌન ચીરહરણ થાય છે? તે જોવાનું રહ્યું.