ગ્રાહક લક્ષી નિર્ણય કરનાર વેપારીને હંમેશા ફાયદો થાય છેરૂા.૧૦ નો સિક્કો સ્વિકારતા મા પાર્લર-માર્ટનો ધંધો વધ્યો
ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી ગ્રાહકલક્ષી નિર્ણય કરનાર વેપારીના વ્યવસાયમાં હંમેશા પ્રગતિ થતી હોય છે. રૂા.૧૦ ના સિક્કા કોઈ સ્વિકારતુ નથી. ત્યારે મા પાર્લર અને મા માર્ટના સંચાલકોએ ગ્રાહકો પાસેથી સિક્કાનો સ્વિકાર કરતા ધંધો વધ્યો છે. શહેરના અન્ય એક ગ્રાહકે પણ સિક્કા સ્વિકારાતા હોવાનુ બોર્ડ લગાવ્યુ છે. વિસનગરમાં રૂા.૧૦ અને રૂા.૨૦ ના સિક્કાનુ ચલણ શરૂ થાય તે માટે કોપરસીટી મરચન્ટ એસો. દ્વારા સરાહનીય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા જ્યારથી રૂા.૨૦૦૦ ની નોટ બંધ કરવાનો આદેશ કર્યો ત્યારથી રૂા.૧૦૦ થી નીચેની ચલણી નોટો બજારમાંથી જાણે અદ્રશ્ય થઈ ગઈ છે. બજારમાં રૂા.૧૦ અને ૨૦ ની સાવ રદ્દી નોટો જોવા મળે છે. કાગળની નોટો ખરાબ ન થાય તે માટે મેટલના સિક્કાનુ ચલણ વધે તે માટે રીઝર્વ બેન્ક દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં રૂા.૧૦ અને ૨૦ ના સિક્કાનુ કેટલાક શહેરોમાં ચલણ છે. પરંતુ વિસનગર શહેરના બજારોમાં આ સિક્કા વેપારીઓ સ્વિકારતા નથી. ત્યારે થલોટા ચાર રસ્તા પાસે આવેલ મા પાર્લર અને મા માર્ટના સંચાલકો જગદીશભાઈ કે.પટેલ, સુરેશભાઈ કે.પટેલ તથા દિનેશભાઈ કે.પટેલે ગ્રાહકો પાસેથી રૂા.૧૦ નો સિક્કો સ્વિકારતા એવી પરિસ્થિતિ થઈ છેકે ગ્રાહક લક્ષી નિર્ણયના કારણે ધંધો વધ્યો છે. મા પાર્લર અને માર્ટના સંચાલક વેપારીઓએ જણાવ્યુ છેકે, શહેરમાં વેપારીઓ રૂા.૧૦ નો સિક્કો સ્વિકારતા નથી. ત્યારે અમે આ ચલણ સ્વિકારતા હોવાનુ ગ્રાહકોને ખબર પડતા ગ્રાહકો વિવિધ વસ્તુની ખરીદી કરવા આવી રહ્યા છે. ગ્રાહક પાસેથી રૂા.૧૦ નો સિક્કો લઈએ પણ છીએ અને જરૂર પડે તો ગ્રાહકને રૂા.૧૦ સિક્કો આપીએ પણ છીએ. વચ્ચે તો એવી પરિસ્થિતિ ઉભી થઈ કે પાર્લર અને માર્ટમાં સિક્કાની શોર્ટેજ થતા અર્બન બેન્કમાંથી રૂા.૪૦ હજારના ૧૦ ના સિક્કા લીધા હતા. ખરાબ થઈ ગયેલી ચલણી નોટો પણ સ્વિકારવાના કારણે ગ્રાહક ખરાબ નોટ આપવાના બહાને આવે છે અને વધારે કિંમતની વસ્તુઓ ખરીદીને જાય છે. સંચાલકોએ જણાવ્યુ છેકે રૂા.૧૦ ના સિક્કા સ્વિકારવામાં આવતા હોવાનુ બોર્ડ ઘણા સમયથી માર્યુ છે. મા પાર્લર અને મા માર્ટના નિર્ણયને આવકારી વિસનગર કોપરસીટી મરચન્ટ એસો. દ્વારા સોશિયલ મીડિયામાં જાહેરાત કરતા જે જોઈને રેલ્વે સર્કલ પાસે આવેલ નવજીવન મેડિકલ અને પ્રોવિઝન સ્ટોર્સના માલિકે પણ રૂા.૧૦ ના સિક્કા સ્વિકારતા હોવાનુ બોર્ડ લગાવ્યુ હતુ. રૂા.૧૦ ના સિક્કા સ્વિકારતા આ વેપારીનો પણ ધંધો વધ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ચલણી નોટોની તંગી વર્તાતા મેટલના રૂા.૧૦ અને ૨૦ ના સિક્કાનુ ચલણ અપનાવવા વિસનગર કોપરસીટી મરચન્ટ એસો. દ્વારા વેપારીઓને અપીલ કરી છે.