Select Page

૨૨ મી જાન્યુઆરીએ શ્રીરામમય બનેલા વડાપ્રધાન મોદી ૨૨ મી ફેબ્રુઆરીએ શિવમય બનશે તરભમાં સોમનાથ પછી ગુજરાતના સૌથી મોટા શિવધામની પ્રતિષ્ઠા

સંતો મહંતોની ભૂમિ એવા વિસનગર તાલુકાની ધન્યધરા પર તરભ ગામમાં વાળીનાથ ધામમાં એક ઐતિહાસિક ધાર્મિક મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. સોમનાથ પછી ગુજરાતનું સૌથી મોટુ શિવધામ વાળીનાથ ધામમાં બને તેવુ બ્રહ્મલીન પ.પૂ.બળદેવગીરી બાપુનુ સ્વપ્ન હતુ. જેમના ઉત્તરાધિકારી પૂજ્ય જયરામગીરી આ સ્વપ્ન પૂરુ કરવા જઈ રહ્યા છે. શિવધામ મંદિરના સુવર્ણ શિખરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨ મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થશે. સાત દિવસના આ મહોત્સવ દરમ્યાન શંકરાચાર્યો, દેશના નામી સંતો, અદના નેતાઓ પધારશે. પ્રતિષ્ઠા મહોત્સવના દર્શનનો લાભ લેવો તે એક સંભારણુ બની રહેશે.
વિસનગર તાલુકાની જનતા ખરેખર એટલી નસીબદાર છેકે, તરભ વાળીનાથ ધામમાં પૂજ્ય જયરામગીરી બાપુની નિશ્રામાં અગાઉ ક્યારેય ન જોયો હોય તેવા શિવધામ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શનનો લાભ મળશે. તરભ ગામે શ્રી વાળીનાથ નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર મહા શિવલિંગ તેમજ સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૬ ફેબ્રુઆરીથી તા.૨૨ ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે. આ મહોત્સવમાં તા.૨૨ મી ફેબ્રુઆરીએ ગુરૂપુષ્ય અમૃતસિધ્ધ યોગ ૧૨-૩૯ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ૨૨ મી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રીરામ મય બન્યા હતા જ્યારે ૨૨ મી ફેબ્રુઆરીએ શિવધામ મય બનશે.
શિવધામ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા અને તૈયારીઓ બાબતે પૂજ્ય જયરામગીરી બાપુએ જણાવ્યુ છેકે, ૯૦૦ વર્ષ પુરાણા તરભ વાળીનાથ ધામ આખા ગુજરાતમાં આસ્થાનુ કેન્દ્ર છે. પૂજ્ય બળદેવગીરી બાપુનુ સ્વપ્ન શિવધામનુ ભવ્ય મંદિર ૧૦ વર્ષની અથાક મહેનત બાદ પરિપૂર્ણ થઈ રહ્યુ છે. તા.૧૬ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આખા ભારત વર્ષના ધર્મગુરૂઓ, ચારેય દિશાના શંકરાચાર્યો, આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકર મહારાજ, મહામંડલેશ્વરો આ મહોત્સવ દરમ્યાન ઉપસ્થિત રહીને આશિર્વચન આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ મહોત્સવ દરમ્યાન દૈનિક બે થી ત્રણ લાખ અને છેલ્લા દિવસે પાંચ થી છ લાખ દર્શનાર્થીઓ ઉપસ્થિત રહે તેવી તૈયારીઓ કરવામાં આવી છે.
પ્રતિષ્ઠા મહોત્સવમાં પંથકમાં પ્રથમ વખત વિશાળ યજ્ઞશાળામાં ૧૧૦૦ કુંડી અતિ મહારુદ્ર યજ્ઞ થશે. જે માટે ૧૨ વિઘા જેટલી વિશાળ જગ્યામાં વાંસમાંથી બનાવેલ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. આટલી મોટી જગ્યામાં દેશમાં પ્રથમવાર યજ્ઞશાળા બનાવાય છે. ૧૫૦૦૦ યજમાનો યજ્ઞમાં આહૂતિ આપી પૂજા કરશે. યજ્ઞશાળામાં પરિક્રમા પથ પણ બનાવાયો છે. યજ્ઞમાં રૂા.૧ કરોડની કિંમતનું ૧૨૦૦૦ કિલો ઘીનો હોમ હવનમાં ઉપયોગ થશે. પૂજા માટે ૧૮૦૦ કિલો જેટલુ અબીલ ગુલાલ અને કંકુનો વપરાશ થશે. નવનિર્મિત મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં શિવલિંગ એટલે કે ભગવાન વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે. બીજા શિખરમાં દત્ત મહારાજ દત્તાત્રેય ભગવાનની અને ત્રીજા શિખરમાં સન્યાસીઓની કુળદેવી બાવન શક્તિપીઠમાની એક હિંગળાજ માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રતિષ્ઠા મહોત્સવમાં પરામ્બા શ્રી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની હોવાથી હિંગળાજ માતાજીના મુખ્ય સ્થાપક પાકિસ્તાનથી અખંડ જ્યોત આવશે. મહોત્સવ દરમ્યાન ૧૬ થી ૨૨ ફેબ્રુઆરી સુધી રોજ સવારે ૯-૦૦ થી ૧-૦૦ સુધી શિવ મહાપુરાણ કથાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતના સુપ્રસિધ્ધ શિવ કથાકાર પ.પૂ.ગિરિબાપુના શ્રી મુખેથી કથાનુ રસપાન કરાવશે. રોજ રાત્રે ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તિદાન ગઢવી, ગમન સાંથલ, ગીતા રબારી જેવા નામી કલાકારો, લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમો કરશે. વાળીનાથ અખાડાના ગાદીપતિ પૂજ્ય બળદેવગીરી બાપુ કે જેમના થકી આ ભવ્ય મંદિર બન્યુ છે. એમના જીવન ઉપર બનેલી ફિલ્મ રોજ હજ્જારો લોકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પૂજ્ય બળદેવગીરી બાપુનુ જીવન કેટલુ પવિત્ર હતુ. એમના જીવનના શું ઉદ્દેશ્ય હતા, સમાજ અને શિક્ષણ માટે શુ કર્યુ વિગેરે બાબતો આ ફિલ્મમાં જોવા મળશે.
પ્રતિષ્ઠા મહોત્સવના સાત દિવસના વિવિધ કાર્યક્રમોનો અતિરૂદ્ર મહાયજ્ઞનો, શિવ મહાપુરાણ કથાનો તથા દર્શનનો લાભ લેવા વાળીનાથ ધામના ગાદીપતિ પૂજ્ય જયરામગીરી બાપુ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts