Select Page

ગામમા લોકફાળાથી બનાવેલ મંદિરના શેડમાં સરકારી ગ્રાન્ટ મેળવી હતી બોકરવાડામાં ભાજપના ડેલીગેટ સાથે રૂા.૧.૧૦ લાખની ગેરરીતીનો આક્ષેપ

ગામમા લોકફાળાથી બનાવેલ મંદિરના શેડમાં સરકારી ગ્રાન્ટ મેળવી હતી બોકરવાડામાં ભાજપના ડેલીગેટ સાથે રૂા.૧.૧૦ લાખની ગેરરીતીનો આક્ષેપ

વિસનગર તાલુકાના બોકરવાડા ગામના ભાજપના તાલુકા ડેલીગેટે પોતાની સત્તાનો દુરઉપયોગ કરી ગામમાં લોકફાળામાં બનાવેલ મેલડી માતાના મંદિરના પતરાના શેડમાં સરકારી ગ્રાન્ટ લઈ રૂા.૧,૧૦,૦૦૦/-ની ગેરરીતી કરતા ભારે હોબાળો થયો છે. આ મામલો ગામના એક જાગૃત રહીશે વિસનગર તાલુકા પંચાયતથી લઈને ગાંધીનગર વિકાસ કમિશ્નર સુધી લેખિત રજુઆત કરી ભાજપના તાલુકા ડેલીગેટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરતા આ મુદ્દે તાલુકામાં ભારે ચકચાર જાગી છે.
રાજકારણમાં કેટલાય આગેવાનો એવા છે કે જેઓ પ્રજાની સેવા કરતા હોવાનો ખોટો ડોળ કરી રૂપિયા ભેગા કરવા લોકોને છેતરી રહ્યા છે. ત્યારે આવા લેભાગુ આગેવાનોની રાજકીય મંજીલ લાંબો સમય ટકતી નથી. પોતાની સત્તાનો દુરઉપયોગ કરી લોકોને હેરાન અને ભ્રષ્ટાચાર કરનાર આગેવાનોના કારણે સરકાર બદનામ થાય છે. વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં બે વર્ષ પહેલા મેલડી માતાના મંદિર પાસે લોકફાળામાંથી પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો. જેની ગામના ભાજપના તાલુકા ડેલીગેટ બિપીનભાઈ ચેલાભાઈ પટેલને જાણ હોવા છતાં તેમને પોતાની સત્તાનો દુરઉપયોગ કરી આ શેડના નામે સરકારની એ.ટી.વી.ટી.ની
રૂા.૧,૧૦,૦૦૦/- ગ્રાન્ટ મંજુર કરાવી હતી. બિપીનભાઈએ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના કર્મચારીઓને હાથ ઉપર લઈ આ શેડ બનાવવા તા.૧૭-૧૧-૨૦૨૩ના રોજ વર્ક ઓર્ડર લઈ આજ દિવસે તાત્કાલિક શેડ બનાવવાનું કામ શરૂ કર્યુ હતુ. ત્યારબાદ બિપીનભાઈએ કાગળ ઉપર શેડનું કામ પુર્ણ બતાવી પોતાના મળતીયા કોન્ટ્રાક્ટર દ્વારા તા.૧૪-૩-૨૦૨૪ના રોજ તાલુકા પંચાયતમાંતી રૂા.૧,૧૦,૦૦૦/-નો ચેક લીધો હતો. જેની ગ્રામજનોને જાણ થતા ગામમાં ભારે હોબાળો થયો હતો. જેમાં ગામના રહીશ વિષ્ણુપ્રસાદ કે.આચાર્યએ શુક્રવારના રોજ વિસનગર તાલુકા પંચાયત, ધારાસભ્ય કાર્યાલય તથા ગાંધીનગર ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાં અરજી કરી ભાજપના આ ડેલીગેટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, અગાઉ ભાજપના આ તાલુકા ડેલીગેટે મનરેગા કૌભાંડની તપાસમાં ભીનુ સંકેલવાના નામે કર્મચારીઓ પાસેથી રૂા.૩ લાખ લીધા હોવાનો હોબાળો થયો હતો. જેમાં કર્મચારીઓને રૂપિયા પરત આપતા મામલો થાળે પડ્યો હતો. જોકે પહેલા તાલુકા પંચાયતના કર્મચારીઓ બદલી થવાના ડરે આ ડેલીગેટનું તમામ કામ તાત્કાલિક કરતા હતા. પરંતુ આ ડેલીગેટ ઉપર ગેરરીતીનો આક્ષેપ થતા હવે કર્મચારીઓને તેમનો કોઈ ડરી રહ્યો નથી.