માર્ચના અંત સુધીમાં તમામ પ્રક્રિયા પુર્ણ થાય તેવી શક્યતા બાયપાસ જમીન સંપાદનમાં વૃક્ષો તથા બાંધકામનુ મૂલ્યાંકન થશે
વિસનગરના હાઈવે ઉપર લોકો અકસ્માતમાં મોતને ભેટતા હવે બાયપાસની કાર્યવાહી બને તેવી એક લોક લાગણી જન્મી છે. ત્યારે ખાસ જમીન સંપાદન અધિકારી મહેસાણાએ માર્ગ મકાન વિભાગ મહેસાણા કાર્યપાલક ઈજનેરને પત્ર લખી સંપાદિત થતી જમીનમાં આવેલ વૃક્ષો તથા અન્ય બાંધકામોનુ ઝડપી મૂલ્યાંકન કરવા સૂચના આપી છે. આધારભૂત સુત્રો પાસેથી મળેલા અહેવાલ મુજબ કદાચ માર્ચ માસના અંત સુધીમાં જમીન સંપાદનની તમામ પ્રક્રિયા પુર્ણ થશે.
વિસનગર શહેર રાજકીય કિન્નાખોરી અને દ્વેષભાવનો ભોગ બન્યુ ન હોત તો આજ બાયપાસ હાઈવે ધમધમતો થઈ ગયો હોત. પરંતુ કાર્યક્રમોમાં આવી વિસનગરના લોકો પોતાના હોવાની વાતો કરનાર નેતાઓએ પાછલા બારણે શહેરના વિકાસની ઘોર ખોદતા ૧૦ વર્ષે પણ બાયપાસ હાઈવે બન્યો નથી. વર્ષ ૨૦૧૪ માં માર્ગ મકાન વિભાગના પૂર્વ મંત્રી આનંદીબેન પટેલે વિસનગર બાયપાસ રોડ મંજુર કર્યો હતો. પરંતુ સરકારમાં તખ્તો પલટાતા બાયપાસની ફાઈલ અભરાઈએ ચડી ગઈ હતી. ધારાસભ્ય પદે ઋષિભાઈ પટેલના ઘણા પ્રયત્નો બાદ પણ રાજકીય કિન્નાખોરીમાં બાયપાસની ફાઈલ આગળ વધતી નહોતી.
ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ પોતાની રાજકીય વગથી અને ઈચ્છાશક્તિથી બાયપાસની ફાઈલ હવે આગળ વધી છે. બાયપાસ માટે ૧૦ વર્ષનો જે રીતે અન્યાય થયો છે તે રીતે ઝડપી કામગીરી થવી જોઈએ તેવી લોકોની લાગણી છે. બાયપાસ માટે જમીન સંપાદનના જાહેરનામા પાડી તેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હવે સંપાદિત થયેલ જમીનમાં વૃક્ષો અને બાંધકામના મૂલ્યાંકન માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંપાદન કરવાના કામે જમીન સંપાદન પુનઃ સ્થાપન અને પુર્નવસવાટ અધિનિયમમાં વ્યાજબી વળતર માટેની સુનાવણી રાખવામાં આવેલ હતી. સુનાવણી દરમ્યાન હિતકર્તાઓ દ્વારા માલિકીની જમીનમાં આવેલ વૃક્ષો અને બાંધકામ બાબતે વળતરની રજુઆત કરી હતી. જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ મહેસાણા ખાસ જમીન સંપાદન અધિકારીએ માર્ગ મકાન વિભાગ મહેસાણા કાર્યપાલક ઈજનેરને પત્ર લખી સંપાદિત જમીનમાં આવેલ વૃક્ષો અને અન્ય બાંધકામો બાબતેની ખરાઈ કરી સ્પષ્ટ અભિપ્રાય સાથેનો અહેવાલ મોકલી આપવા સુચન કર્યુ છે. સંપાદિત જમીનમાં વૃક્ષો અને બાંધકામોનુ મૂલ્યાંકન કરવા મહેસુલ વિભાગના પરિપત્રથી નાયબ વન સંરક્ષકશ્રી ક્ષેત્રીય, નાયબ નિયામકશ્રી બાગાયત, કૃષિ વૈજ્ઞાનિકશ્રી તથા સબંધીત મામલતદારની એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ જમીન માલિકોની રજુઆત સંદર્ભે નિર્ણય કરશે. સમિતિના અહેવાલ બાદ વળતર માટેની કાર્યવાહી આગળ વધશે.
વિસનગરમાંથી પસાર થતા હાઈવે ઉપર ભારે વાહનોના ટ્રાફીકના કારણે વર્ષે ઘણા અકસ્માત થાય છે. વાહનોની ટક્કરના કારણે વર્ષે ત્રણ થી ચાર શહેરીજનો જીવ ગુમાવે છે. હમણા ૨૬ મી જાન્યુઆરીના રોજ ટ્રકની અડફેટે આવતા એક સાત વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો હતો. હાઈવે ઉપર અકસ્માતના કારણે ઘણા લોકો ઈજા પામે છે. અકસ્માતના બનાવો ઓછા થાય તે માટે હવે જમીન સંપાદનની કાર્યવાહી ઝડપી પૂર્ણ થાય અને યુધ્ધના ધોરણે બાયપાસ બને તે શહેરીજનો માટે હિતાવહ છે.