Select Page

પાઈપ લાઈનના ઠરાવને બહાલી ગ્રાન્ટ વગર શું કામની?સદુથલા રોડ પાલિકા વિકાસનો ભેદભાવ કેમ?

પાઈપ લાઈનના ઠરાવને બહાલી ગ્રાન્ટ વગર શું કામની?સદુથલા રોડ પાલિકા વિકાસનો ભેદભાવ કેમ?

વિસનગર પાલિકાના વોર્ડ નં૭ મા આવતા સદુથલા રોડ પ્રત્યે રીતસરનો ભેદભાવ રાખવામા આવી રહ્યો છે. અદ્યતન તબીબી સાધનો ધરાવતી અને નિષ્ણાંત ડૉકટરોની સેવા આપતી ૩૦૦ બેડની નૂતન હોસ્પિટલમા દિવસ રાત દર્દીઓનો ઘસારો રહે છે. ત્યારે રોડ ઉપર સ્ટ્રીટ લાઈટની સગવડ નથી કે સ્વચ્છતા થતી નથી. કમાણા રોડની ગટરનુ દુર્ગંધ મારતુ પાણી ખુલ્લામાં વહે છે. તળાવ સુધી પાઈપ લાઈનના ઠરાવને બહાલી આપવામા આવી છે. પરંતુ ગ્રાન્ટ ફળવાતી ન હોય તો બહાલી શુ કામની ? શહેરના અન્ય વિસ્તારની જેમ આ રોડના લોકો પણ પાલિકાનો વિકાસ ઝંખી રહ્યા છે.
સત્યમ અને રૂદ્રાક્ષ સોસાયટીના રહીશોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ત્યારે પાઈપ લાઈન નંખાઈ
વિસનગરના નેતાઓ અને આગેવાનો ભલે એક મંચ ઉપર દેખાય પરંતુ નફરત અને ભેદભાવના રાજકારણ ભુલતા નથી. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલનો પંથકના લોકોને ઉત્તમ તબીબી સેવાઓ આપવાની ભાવના તેમજ સતત પ્રયત્નોથી નુતન હોસ્પિટલ અદ્યતન તબીબી સાધનોથી સજ્જ બની છે. નિષ્ણાંત અને અનુભવી ડૉકટરોની ટીમના કારણે જટીલમા જટીલ ઓપરેશન થાય છે. હવે તો માર્ગ અકસ્માતમા ઈમરજન્સી સારવારમા મોટાભાગના લોકો નુતન હોસ્પિટલ પસંદ કરે છે. હોસ્પિટલમા ર૪ કલાક સેવાઓ મળતી હોવાથી દિવસ રાત લોકોની અવર જવર રહે છે. ઉત્તર ગુજરાતમા નૂતન હોસ્પિટલ નામના પ્રાપ્ત છે. ત્યારે હોસ્પિટલ જે રોડ ઉપર આવેલી છે તે સદુથલા રોડ ઉપર વિકાસના નામે મીડું છે. આ રોડ ઉપર હોસ્પિટલ ઉપરાંત ગોમતીનગર, ગુરુદેવ, કૈલાસનગર, સત્યમ, રૂદ્રાક્ષ અને અક્ષરધામ રેસીડેન્સી સોસાયટીઓ આવેલી છે. છતા રોડ ઉપર સ્ટ્રીટ લાઈટની સગવડ નથી કે રોડ ઉપર સ્વચ્છતા થતી નથી. કયા કારણે આ રોડ ઉપર વિકાસ અટકી ગયો છે તેની ચર્ચાઓ થઈ રહી છે.
નૂતન હોસ્પિટલના ગેટથી લગભગ ૧૦૦ મીટર દૂર સીનેપલ્સની પાછળની સોસાયટીઓના ગટરના પાણીનો નિકાલ થાય છે. સત્યમ અને રૂદ્રાક્ષ સોસાયટીના રહીશોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ પાઈપ લાઈન નંખાઈ છે. પરંતુ ત્યારબાદ ગટરનુ પાણી ખુલ્લામા વહેતા ભારે દુર્ગંધ ફેલાય છે. છેલ્લા ઘણા સમયથી તળાવ સુધી પાઈપ લાઈન નાખવાની રજૂઆત તથા માંગણી છે પરંતુ કામ થતુ નથી. જાણવા મળ્યા પ્રમાણે વર્ષાબેન પટેલના પ્રમુખકાળમા તત્કાલીન દંડક અને વોર્ડનં ૭ના સભ્ય મેહુલભાઈ પટેલની ભલામણથી ગટરના પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાખવા પાલિકામા ઠરાવ કરવામા આવ્યો હતો. જેની બહાલી પણ મળી ગઈ છે. પરંતુ ગ્રાન્ટ નહી ફળવાતા પાઈપ લાઈન નંખાતી નથી. ગુરુવારે સદુથલા પગપાળા જતા ઉમેદપૂરી બાપુના ભક્તો તથા આ રોડ ઉપર અવર જવર કરતા ગ્રામજનોને દુર્ગંધમાંથી મુક્ત કરવા પાઈપ લાઈન નાખવાનો એસ્ટીમેટ રૂા. ૮થી ૧૦ લાખનો છે. પરંતુ ગ્રાન્ટ નહી ફળવાતા પાઈપ લાઈન નાખવામા આવતી નથી અને લોકો તિવ્ર દુર્ગંધનો સામનો કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us