Select Page

સરકારે ડાયાબીટીસ બાળકોની ફ્રી સારવાર માટે રૂા.૧૩.૮૮ કરોડ ફાળવ્યા

  • વિસનગરના ર્ડાક્ટર બહેનો અને તેમના ર્ડાક્ટર પુત્રોની પાંચ વર્ષની મહેનત રંગ લાવી
  • વિશ્વમાં યુ.કે. બાદ ગુજરાતની દેશમાં સૌપ્રથમ ટાઈપ-૧ ડાયાબીટીસમાં ફ્રી ઈન્સ્યુલીન આપવાની પહેલ

ટાઈપ-૧ ડાયાબીટીસ એટલે કે જન્મજાત ડાયાબીટીસ ધરાવતા બાળકોને રોજીંદા ઈન્સ્યુલીન લેવા પડતા હોવાથી મોટા ભાગના જરૂરીયાતમંદ પરિવારો સારવાર આપી શકતા નહોતા. નિયમિત સારવારના અભાવે મોટાભાગના બાળકોનુ નાની ઉંમરેજ મૃત્યુ થતુ હતુ. ટાઈપ-૧ ડાયાબીટીસ બાળકોની આવી વિષમ પરિસ્થિતિ જોઈ દ્રવિ ઉઠેલા વિસનગરના ર્ડા.સ્મીતાબેન કેતનભાઈ જોષી, ર્ડા.શુકલાબેન રાવલ, ર્ડા.રાજા કેતનભાઈ જોષી અને ર્ડા.મન પંચોલી છેલ્લા પાંચ વર્ષથી ભારત દેશ ઉપરાંત્ત વિશ્વમાં ટાઈપ-૧ ડાયાબીટીસ જનજાગૃતિ અભિયાન ચલાવી બાળકોની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આ બન્ને ર્ડાક્ટર બહેનો અને તેમના પુત્રોની નિઃસ્વાર્થી અથાક મહેનત છેવટે રંગ લાવી છે. આ અભિયાન આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલનો સહકાર મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ટાઈપ-૧ ડાયાબીટીસથી પીડીત બાળકોને વિનામુલ્યે નિદાન અને સારવાર માટે બજેટમાં રૂા.૧૩.૮૮ કરોડ ફાળવતા આ રોગથી પીડાતા બાળકોના પરિવારમાં નવી આશાનુ કિરણ જન્મ્યુ છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી હવે ગુજરાત ટાઈપ-૧ ડાયાબીટીસમાં સમગ્ર વિશ્વનુ રોલ મોડલ બનશે.
વિશ્વમાં ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા બાળકોની સંખ્યા અંદાજે ૧૨ લાખ છે. જેમાં સૌથી વધારે ભારતમાં ૮ લાખ બાળકો આ રોગથી પીડીત છે. ભારતમાં જનજાગૃતિના અભાવે આ ડાયાબીટીસ ધરાવતા બાળકોનુ આયુષ્ય ૨૦ વર્ષથી ઓછુ છે. જ્યારે યુરોપ કન્ટ્રીમાં ડાયાબીટીસ ધરાવતા બાળકોનુ આયુષ્ય ૬૦ થી ૭૦ વર્ષનુ છે. આ રોગમાં સારવાર આપવામાં ન આવે તો બાળકોને અંધાપો, કીડની ફેઈલ, હાર્ટની ઘાતક અસર, કોમા જેવી જીવલેણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આવા બાળકોને દિવસમાં ૩ થી ૪ વાર ઈન્સ્યુલીન લેવા પડતા હોવાથી આર્થિક સંકડામણ અનુભવતા મોટાભાગના પરિવારો તેમના બાળકોને આપી શકતા નથી. વર્ષ ૨૦૧૮ માં વિસનગરમાં શહેરના જાણીતા ફીઝીશીયન ર્ડા.કેતનભાઈ જોષીની સ્મીત હાર્ટ હોસ્પિટલમાં આ ડાયાબીટીસ ધરાવતી એક ચાર વર્ષની બાળકીને દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમ્યાન મા અને દિકરી વચ્ચેના હૃદય હચમચાવી મુકતા સંવાદોથી વ્યથીત બનેલા ર્ડા.કેતનભાઈ જોષી અને તેમના પત્ની ર્ડા.સ્મીતાબેન જોષીએ આ રોગની જન જાગૃતિ માટે નિર્ધાર કર્યો. જેમાં વિસનગરના પૂર્વ તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.શુકલાબેન રાવલ જોડાયા. ત્રણ પેઢીની તબીબી સેવાઓ જોઈ ચોથી પેઢીના તેમના પુત્રો ર્ડા.કેતનભાઈ અને સ્મીતાબેન જોષીના પુત્ર ર્ડા.રાજા જોષી અને ર્ડા.શુકલાબેન રાવલના પુત્ર ર્ડા.મન પંચોલી પણ આ મહાઅભિયાનમાં જોડાયા. કોઈપણની આર્થિક મદદ વગર સ્વખર્ચની નિઃસ્વાર્થ ભાવની પાંચ વર્ષની મહેનત છેવટે રંગ લાવી.
ડાયાબીટીસ-૧ બાળકો માટેની જનજાગૃતિના આ મહાયજ્ઞમાં કેબીનેટ કક્ષાના આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ પણ જોડાયા. આ રોગથી પીડાતા બાળકો પ્રત્યેેની સહાનુભૂતિ અને મદદની ભાવનાથી ગુજરાત સરકારમાં રજુઆત કરી ધ્યાન દોરતા આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ટાઈપ-૧ ડાયાબીટીસનુ નિદાન અને સારવાર માટે રૂા.૧૩.૮૮ કરોડની ફાળવણી કરી છે. આ બજેટમાંથી ગુજરાતના તમામ ડાયાબીટીસ-૧ ધરાવતા બાળકોને ફ્રી ઈન્સ્યુલીન આપવામાં આવશે. આ રોગના બાળકો માટે જરૂર પડશે તો વધારે બજેટની પણ ફાળવણી કરવાનુ મુખ્યમંત્રીએ ર્ડાક્ટર બહેનોને આશ્વાસન આપ્યુ છે. આ બન્ને બહેનો ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ અભિયાનમાં સતત મદદ કરનાર આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલને મળીને ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા બાળકોનુ આશાનુ કિરણ બનવા બદલ આભાર માન્યો હતો.
ડાયાબીટીસ ધરાવતા બાળકોની જનજાગૃતિનુ અભિયાન ક્યાંથી શરૂ કર્યુ અને કંઈ રીતે સફળતા મળી તે બાબતે ર્ડા.સ્મીતાબેન જોષીનો સંપર્ક કરતા જણાવ્યુ હતું કે, અમારી સ્મીત હાર્ટ હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૮ માં એક ચાર વર્ષની બાળકી સારવાર લેવા માટે આવી તેની આપવીતી અને પરિસ્થિતિ જોઈ રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ લોકોને જાગૃત કરવા મક્કમ નિર્ધાર કર્યો હતો. જેમાં પ્રથમ મહેસાણા જીલ્લામાંથી આ રોગના ૧૫૦ બાળકોને શોધી ડીસેમ્બર-૨૦૧૮ માં વિસનગર ગોવિંદચકલા પટેલવાડીમાં ફંક્શન કરી ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે તમામ બાળકોને ગ્લુકોમિટર અને સ્ટ્રીપની કીટ આપવામાં આવી હતી. મે(સ્મીતાબેન), ર્ડા.શુકલાબેન રાવલ, ર્ડા.રાજા અને ર્ડા.મન કાશ્મિરથી કન્યાકુમારી સુધી ૩૫૦૦ કિ.મી. સેલ્ફ ડ્રાઈવીંગ કરી રસ્તામાં આવતા મોટા શહેર અને નાના ટાઉનમાં અવરનેશ કેમ્પ કર્યા હતા. અમેરિકામાં ૪ મહિના ન્યુજર્સીમાં મકાન ભાડે રાખી સાનફાન્સીસ્કોથી એટલાન્ટા સેલ્ફ ડ્રાઈવીંગ કરી તેમજ બસ, પ્લેન અને ટ્રેન દ્વારા મુસાફરી કરી ૨૦ રાજ્યોના ભારતીય મુળના ૧ લાખ ર્ડાક્ટરોનો સંપર્ક કર્યો હતો. ર્ડાક્ટરોને કન્વીન્સ કરતા યુ.એસ.એ.ના ગીવીંગ ડે ૨૮ નવેમ્બરને વર્લ્ડ લેવલે ટાઈપ-૧ ડાયાબીટીસ ડે જાહેર કરાયો. ર્ડા.સ્મીતાબેન જોષીએ એ પણ જણાવ્યુ હતું કે અમેરિકામાં ટાઈપ-૧ ડાયાબીટીસ જનજાગૃતિની નોધ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ લીધી. ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ મળ્યુ હતુ. જેમાં ૧૯૩ દેશના હેલ્થ ઓફીસરોએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત હેલ્થ મિનિસ્ટરો અને બ્યુરોકેટસે ટાઈપ-૧ ડાયાબીટીસની સારવાર માટે કેવી રીતે પોલીસી બનાવી તે જાણવા આતુરતા દર્શાવી હતી.
ભારત સરકાર ન્યુ દિલ્હી નીતિ આયોગ દ્વારા આ મહાઅભિયાનમાં જોડાયેલા ર્ડા.રાજા જોષી અને ર્ડા.મન પંચોલીને નેશનલ હેલ્થ પોલીસી પ્રપોઝલ માટે આમંત્રણ મળતા, નાના વિસનગર જેવા ટાઉનના આ બે યુવાન ર્ડાક્ટર ભારતના ડાયાબીટીસ ધરાવતા ૮ લાખ બાળકો માટે આશાનુ કિરણ બન્યા. ૧૭ જાન્યુઆરીએ નીતિ આયોગના હેડ ર્ડા.વી.કે.પટેલે સીધોજ સંપર્ક કરી પ્રપોઝલ માટે ઈન્વાઈટ કરતા રામલલ્લા અયોધ્યા મંદિરમાં જે દિવસે બીરાજ્યા તેજ દિવસે ૨૨ જાન્યુઆરીએ દેશના ૮ લાખ રામલલ્લા માટે યુવાન ર્ડાક્ટરોએ પ્રપોઝલ સુપરત કરી હતી.
પાંચ વર્ષની મહેનત બાદ દેશમાં કેવી જાગૃતિ આવી છે તે બાબતે ર્ડા.સ્મીતાબેન જોષીએ જણાવ્યુ છેકે, આસામના હેલ્થ મિનિસ્ટર કેશવ મહંતો દ્વારા નોર્થ ઈસ્ટના ૩૦૦૦ ગામડા કવર કરી ૧૦૦૦ આરોગ્ય મિત્ર તૈયાર કરી આ રોગ ધરાવતા ૧૦,૦૦૦ બાળકોને સાંકળવા પ્રયત્નો શરૂ કર્યા છે. આ અભિયાનનુ અમલીકરણ કરતા ગાંધીનગરના મેયર દિનેશભાઈ મકવાણાએ આ રોગથી પીડાતા બાળકોને મહિને રૂા.૧૫૦૦/- સહાય કરવાની જાહેરાત કરી છે. આ રીતે ધીમે ધીમે પણ મક્કમ ગતિથી જાગૃતિ આવી છે. ર્ડા.સ્મીતાબેન જોષીએ એ પણ જણાવ્યુ હતુ કે, આખા વિશ્વમાં યુ.કે. સીવાય કોઈપણ દેશમાં ડાયાબીટીસ ધરાવતા બાળકોને ફ્રી ઈન્સ્યુલીન આપવામાં આવતુ નથી. વિશ્વની મહાસત્તા અમેરિકામાં પણ 3 ML ઈન્સ્યુલીનનો ૧૦૦ ડૉલર ચાર્જ થાય છે. ગુજરાત સરકારે ફ્રી ઈન્સ્યુલન્સની જાહેરાત કરતા રાજ્યમાંથી હાલમાં ૭ હજાર બાળકોનુ રજીસ્ટ્રેશન થયુ છે. આ રજીસ્ટ્રેશન ૨૦ હજાર સુધી પહોચે તેવી શક્યતા છે.
નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં મા યોજના શરૂ કરી હતી. તેવીજ રીતે ગુજરાત સરકારે દેશમાં સૌપ્રથમ ડાયાબીટીસ ધરાવતા બાળકોને ફ્રી ઈન્સ્યુલીન આપવાની જાહેરાત કરી છે. ટાઈપ-૧ ડાયાબીટીસની સારવારમાં ગુજરાત વિશ્વનુ રોલ મોડલ બન્યુ છે. નીતિ આયોગે પ્રપોઝલ સ્વિકારી છે ત્યારે ભારત સરકાર પણ ટુંક સમયમાં ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા બાળકો માટે ફ્રી સારવારની જાહેરાત કરે તેવી પુરેપુરી આશા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts