સાઉન્ડ લિમિટર વિનાના સાઉન્ડ સીસ્ટમ પ્રતિબંધનો સરકારના સોગંદનામાનો અમલ કેટલો થશે?
રાત્રે સ્પીકર વગાડવાના સમયના કાયદાનો અમલ થતો નથી ત્યારે
તંત્રી સ્થાનેથી…
ગુજરાત એક તરફ આધુનિક વિકાસ તરફ કુચ કરી રહ્યુ છે. સરકારના વાયબ્રન્ટ પ્રયત્નોના કારણે વિશ્વની મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા આકર્ષાઈ છે. રાજ્યમાં વિદેશી મૂડી રોકાણ વધી રહ્યુ છે અને વિદેશી મહેમાનોની પણ અવરજવર વધી છે. વિદેશના મોટા શહેરો જેવા બાંધકામો થઈ રહ્યા છે. રાજ્યની વિદેશના વિકસીત સ્ટેટ સાથે સરખામણી થઈ રહી છે ત્યારે ધ્વનિ પ્રદૂષણમાં હજુ પણ ગુજરાત રાજ્યની હાલત અલ્પવિકસિત રાજ્ય જેવી છે. જાહેર કાર્યક્રમોમાં રાત્રે સ્પીકર વગાડવાનો સમય ૧૦-૩૦ કલાક સુધીનોજ છે અને આ કાયદાનો અમલ ઘણા સમયથી છે, પરંતુ ઉપયોગ કરવામાં આવતો નથી. મોડી રાત સુધી મોટા અવાજે સ્પીકર વાગતા હોવાથી તમામ લોકો ધ્વનિ પ્રદૂષણથી હેરાન થઈ રહ્યા છે. મોડી રાત સુધી અવાજનો ઘોઘાટ બંધ કરવાની જવાબદારી પોલીસની છે. પરંતુ શરમા શરમીમા કે રાજકીય પીઠબળ હોવાના કારણે પોલીસ મોડી રાતનો ઘોઘાટ બંધ કરાવી શકતી નથી. પરીક્ષાના સમયમાં પણ અભ્યાસમાં ખલેલ પહોચાડતા મોટા અવાજે વાગતા સ્પીકરો પોલીસ બંધ કરાવી શકતી નથી. ઘણી વખત એવુ બને છેકે જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા કન્ટ્રોલ, રેન્જ આઈ.જી. કે રાજ્ય કન્ટ્રોલમાં ફોન કર્યા બાદ સ્થાનિક પોલીસ સ્પીકર બંધ કરાવે છે. પરંતુ થોડીવાર બાદ ફરીથી સ્પીકરનો ઘોઘાટ શરૂ થઈ જાય છે. પોલીસ પાસે સાઉન્ડ સીસ્ટમ જપ્ત કરવાની કોઈ સત્તા નહી હોવાથી સ્પીકર વગાડવા રાત્રીના સમયના કાયદાનો કોઈને કોઈ ડર રહ્યો નથી. રાત્રે સ્પીકર વગાડવાના સમયનો કાયદો હોવા છતા પોલીસ તેનો અમલ કરાવી શકતી નથી. ત્યારે હાઈકોર્ટમા થયેલી એક પી.આઈ.એલ.માં રાજ્યના ગૃહ વિભાગે સાઉન્ડ લિમિટર વિનાના ધ્વનિ ઉપકરણોના વપરાશ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મૂકતુ જે સોગંદનામુ રજુ કર્યુ છે તેનો કેટલો અમલ થશે તે એક પ્રશ્ન છે. લોકોને પડતી મુશ્કેલી અનુરૂપ હાઈકોર્ટમાં વિવિધ પી.આઈ.એલ થાય છે. સરકાર પી.આઈ.એલ.ને લગતા સોગંદનામા પણ કરે છે, પરંતુ હાઈકોર્ટમા રજુ કરેલા કેટલાક સોગંદનામાનો સરકાર અમલ કરે છે તે જાણવુ પણ મહત્વનુ છે. હમણા થોડા સમય અગાઉ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે હાઈકોર્ટમાં એક પી.આઈ.એલ. થઈ હતી. ધ્વનિ પ્રદૂષણ રોકવુ ખુબજ જરૂરી છે. નવા સંશોધનોથી તૈયાર થનાર અત્યારની સાઉન્ડ સીસ્ટમ એટલી ખરાબ છેકે જે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. વરઘોડા કે શોભાયાત્રામાં ડીજેનો અવાજ એટલો મોટો હોય છેકે આસપાસની બીલ્ડીંગોમાં તેના વાયબ્રેશનની અસર જોવા મળે છે. ત્યારે નજીકના વ્યક્તિ ઉપર કે તેના સ્વાસ્થ્ય ઉપર કેટલી અસર થતી હશે તે વિચાર માગી લે છે. ધ્વનિ પ્રદૂષણ અંતર્ગત થયેલી પી.આઈ.એલ.માં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી હાઈકોર્ટમાં સોગંદનામુ રજુ કરાયુ છેકે, રાજયના તમામ પોલીસ સત્તાવાળાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને તા.૩-૧૨-૨૦૧૯ ની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન અને જાહેરનામાનો કડકડાઈથી અલમ કરવા નિર્દેશો આપવામાં આવ્યા છે. સાઉન્ડ લિમિટર ન હોય તેવા કોઈપણ લાઉડ સ્પીકર, સાઉન્ડ સિસ્ટમના વેચાણ ઉપયોગ કે તેના ઈન્સ્ટોલેશન પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સાઉન્ડ સિસ્ટમ, લાઉડ સ્પીકર, મ્યુઝિક સિસ્ટમ, ડીજે ટ્રક ઉત્પાદકો, ડીલર્સ કે દુકાનદારો સાઉન્ડ લિમિટર વિનાના ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ, વેચાણ કે ઈન્સ્ટોલ કરી શકશે નહી. હાલની પ્રવર્તમાન સાઉન્ડ સીસ્ટમમાં પણ સાઉન્ડ લિમિટર લગાવવુ ફરજીયાત કરવામાં આવ્યુ છે. એટલુજ નહી પરંતુ આવી માઈક્રોફોન સીસ્ટમ કે ડી.જે. સીસ્ટમ તેના માલિકો, ઓપરેટરો ઈવેન્ટ મેનેજર દ્વારા રાજકીય, સામાજીક, ધાર્મિક કે રેલીના હેતુસર જાહેર સ્થળો, પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યાઓ કે રહેણાંક વિસ્તાર નજીક ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં પણ સીસ્ટમો ભાડે નહી આપવા નિર્દેશ જારી કરાયા છે. સાઉન્ડ લિમિટ ડિવાઈસ વગરની સીસ્ટમ માટે જગ્યા ભાડે આપનાર વિરુધ્ધ પણ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. સાઉન્ડ સીસ્ટમ જો સાઉન્ડ લિમિટર વગરના હશે તો આવા વાહનો અને સાઉન્ડ જપ્ત કરવાના આદેશ અપાયા છે. ધ્વનિ પ્રદુષણ અટકાવવા ગુજરાત સરકાર દ્વારા બહુ મોટો ઐતિહાસિક નિર્ણય તો કરવામાં આવ્યો છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કેટલો અમલ થાય છે તે પણ એક પ્રશ્ન છે.