Select Page

બાળકને નજર સમક્ષ રાખવાની લ્હાયમા સોશિયલ મીડિયા તરફ ન ધકેલો વેકેશનમાં બાળકોને જુની રમતો તરફ વાળી સાચુ બાળપણ આપો

બાળકને નજર સમક્ષ રાખવાની લ્હાયમા સોશિયલ મીડિયા તરફ ન ધકેલો વેકેશનમાં બાળકોને જુની રમતો તરફ વાળી સાચુ બાળપણ આપો

તંત્રી સ્થાનેથી…
સી.બી.એસ.સી. અને બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. સ્પર્ધાત્મક સમયમાં કારકિર્દિ પ્રાપ્ત કરવા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અત્યારે ઈંગ્લીશ સ્પીકીંગ, આઈ.એલ.ટી.એસ. કે અન્ય પરીક્ષાના કોચીંગ ક્લાસમાં વ્યસ્ત બની ગયા હશે. બાલ મંદિરથી ધો.૯ સુધીની પરીક્ષાઓ બાદ હવે ટુંક સમયમાં વેકેશન શરૂ થશે. પહેલા એવો સમય હતો કે વેકેશન પડતાજ મામાનુ ઘર યાદ આવી જતુ હતુ અને મામા, માસી કે ફોઈના ઘરેજ વેકેશન માણવામાં આવતુ હતુ. અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. માતા પિતા પાસે તેમના બાળકો પર ૨૪ કલાક દેખરેખ રાખવા માટે પૂરતો સમય નથી. તેમની માન્યતા છે કે મોબાઈલથી કમસે કમ બાળક તેમની નજીક રહે છે. બાળકનુ મગજ કોરી સ્લેટ જેવુ હોય છે. બાહ્ય સ્ત્રોતમાંથી જે પ્રકારનુ જ્ઞાન મળે છે તે પ્રમાણે તેનુ વલણ ઘડાય છે. ઈન્ટરનેટના અને સોશિયલ મીડિયાના સમયમાં મોબાઈલ એવુ નિરંકુશ સાધન બની ગયુ છે કે જેમાં કોણ શુ પીરસે છે અને તેની બાળકો ઉપર શુ અસર થશે તે કોઈ કહી શકે તેમ નથી. સોશિયલ મીડિયામા સતત સમય પસાર કરતા બાળકોના માનસ ઉપર કેટલી ખરાબ અસરો પડે છે તેના અનેક દાખલા સમાજમાં જોવા મળી રહ્યા છે. આધુનિક યુગમાં રમાતી રમતો પબજી, લુડો, તીનપત્તી, ટેમ્પલ રન, કોઈન માસ્ટર, ટીકટોક, ફ્રી ફાયર જેવી અનેક રમતો છેકે જેમાંથી બાળક બહાર નિકળી શકતા નથી. કોરોના કાળની ઓનલાઈન અભ્યાસક્રમ પધ્ધતિ બાદ ઓફ લાઈન અભ્યાસ શરૂ થયાના ત્રણ વર્ષ પછી પણ બાળકોમાં વધેલુ સોશિયલ મીડિયાના વળગણથી મોબાઈલનો સાથ છોડી શકતા નથી. વ્હોટ્‌સએપ અને ઈન્સ્ટાગ્રામના ઉપયોગથી અજાણ્યા લોકોના સંપર્કમાં આવવાના કારણે તેમજ મિત્રતાના સબંધો બંધાતા સગીર અવસ્થામા અઘટીત પગલુ ભરતા ખચકાતા નથી. માતા ઘરકામમાં વ્યસ્ત, ટીવી સીરીયલોમા વ્યસ્ત અને પોતે સોશિયલ મીડિયામા વ્યસ્ત હોવાથી તેમજ પિતા ધંધા રોજગારમાં આખો દિવસ બહારથી ઘરે આવી તે પણ સોશિયલ મીડિયામા વ્યસ્ત રહેતા પોતાનુ બાળક શું કરે છે તે જોવાનો સમય નથી. સ્કુલના સમયે અભ્યાસ અને ટ્યુશનના કારણે બાળકો પાસે મોબાઈલ જોવાનો સમય ઓછો રહે છે. પરંતુ વેકેશનમાં અભ્યાસ અંતર્ગત કંઈ કામ નહી હોવાથી આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત બની જાય છે. નવી પેઢીના બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દુર રાખવા મેદાની રમતો તરફ વાળવા ખુબજ જરૂરી છે. વેકેશનમાં બાળકો લાબો સમય ડિજિટલ ઉપકરણો સાથે સમય વિતાવતા સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ બગડે છે. મોબાઈલ વળગણથી નાની ઉંમરે ઘણા બાળકોને ચશ્માના નંબર આવી જાય છે. વેકેશનમાં બાળકોને આ પરિસ્થિતિમાંથી છોડાવવા આપણી ભારતીય સંસ્કૃતિની જુની પરંપરાગત રમતો તરફ વાળવા પ્રયાસ કરવા જોઈએ. સંતાકુકડી, ચોર પોલીસ, નદી કે પર્વત, ગોળ ગોળ ટામેટુ, સાતોલીયુ, આઈસ પાઈસ, લખોટી, ભમરડા, છાપો, ઈંડુ, પત્તા, કેરમ, ચેસ, સાપસીડી, નવો વેપાર, સંગીત ખુરશી, દોરડા કુદ, ખોખો, સાંકળ દાવ, કબડ્ડી, લોઢુ કે લાકડુ, લંગડી, આંધળી ખીસકોલી, ગીલ્લી દંડા, છુટી દડી, કોથળા દોડ, લીંબુ ચમચી, હુતુતુ, રસ્સા ખેંચ જેવી અનેક રમતો છેકે જે બાળ રમતો ઉપરજ વેકેશન પસાર થતુ હતુ. આ બાળ રમતો ઉપરજ ધ્યાન કેન્દ્રીત રહેતુ અને આ રમતો ઘણી રસપ્રદ રહેતી હતી. આ રમતો ટીમ વર્ક સાથે તાકાતનો પરચો બતાવતી, મિત્રો બનાવતા શિખવતી, શારીરીક સ્વાસ્થ્યની કસોટી કરતી, જુની રમતો બાળકને સતર્ક રહેતા શિખવતી, સાહસિકતાના ગુણ શિખવતી, જીવનમાં ધિરજના બોધપાઠ શિખવતી, બાળકનુ શરીર મજબૂત બનતુ અને સ્ફૂર્તિવાન બનતા હતા. પહેલાનો સમય પણ એવો હતો કે રાત્રે માતા પિતા અને વડીલો ઘરની બહાર એકઠા થઈ વાતો કરતા બાળકો ઘર આગળ જુની રમતો રમતા. સોશિયલ મીડિયાના સમયમાં અત્યારે ઘરકામ પતાવીને માતા તથા કામ ધંધાથી ઘરે આવીને પિતાજ સોશિયલ મીડિયામાં એટલા વ્યસ્ત બની જાય છે કે તેમના બાળકોને ઘરની બહાર રમવાનુ તો ક્યાંથી કહે ! પરંતુ હવે માતા પિતાને બાળકો માટે બદલાવાનુ છે. જુની રમતો આજના માતા પિતાએ તેમના બાળપણમાં જરૂર રમી હશે, પરંતુ આ માતા પિતા તેમના બાળકોને મોબાઈલ ઉપર આધુનિક રમતો રમતા જોતા હશે. માતા પિતાએ હવે નક્કી કરવાનુ છે કે તેમના બાળકોને આધુનિકરણના આદી બનાવવાના છે કે જુની રમતો તરફ વાળી સ્વસ્થ રાખવાના છે. બાળકને તેમનુ સાચુ બાળપણ આપો, બાળકના વિકાસમાં અને તેના બાળપણની હત્યા ન કરો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us