વિસનગર તાલુકાના ૪ તલાટી ફરજ ઉપર ગુલ્લી મારતા ઝડપાયા
ટી.ડી.ઓ સુચીબેન પટેલની ઓચિંતી મુલાકાતમાં
- ટી.ડી.ઓ. સુચીબેન પટેલે દઢિયાળ ગામની મુલાકાતમાં તલાટીનો ટેલીફોનિક સંપર્ક કરી ફરજ ઉપર ગેરહાજર કેમ છો તેવી પુછપરછ કરતા તલાટી સુધિરભાઈ ચૌધરીએ ઉધ્ધત જવાબ આપ્યો હોવાની ચર્ચા
વિસનગર ટી.ડી.ઓ.ની ઓચિંતી મુલાકાતમાં તાલુકાના ત્રણ ગામના ચાર તલાટી ફરજ ઉપર ગુલ્લી મારતા ઝડપાયા હતા. જેમાં દઢિયાળ ગામના વિવાદીત તલાટી સુધિરભાઈ ચૌધરીએ ફોન ઉપર ટી.ડી.ઓ.ને ઉધ્ધત જવાબ આપ્યો હતો. ટી.ડી.ઓ.સુચીબેન પટેલે ચાર ગુલ્લીબાજ તલાટીને નોટીસ આપી દિન-૧માં ખુલાસો કરવા તાકીદ કરી છે.
વિસનગર તાલુકાના ૫૪ ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકે તલાટીનુ શાસન છે. જેમાં ગુલ્લીબાજ તલાટીઓથી ગ્રામજનો ત્રાસી ગયા છે. પરંતુ ગામના આંતરિક રાજકારણમાં તલાટીની બદલી કે અન્ય કાર્યવાહી નહી થતા ગ્રામજનો ગુલ્લીબાજ તલાટીઓનો ત્રાસ સહન કરી રહ્યા છે. અગાઉ દઢિયાળ ગામના વિવાદીત તલાટી સુધિરભાઈ એન.ચૌધરી ગામની સીમમાં ઉછરેલા લીલા વૃક્ષોનુ છેદન કરાવી લાકડાનું બારોબારીયુ કરતા ઝડપાતા સમગ્ર મામલો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારે ગામના પુર્વ સરપંચ દિલીપભાઈ ચૌધરી સહિત ત્રણ આગેવાનોએ તાત્કાલિક પોલીસ સ્ટેશને દોડી આવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જોકે આ તલાટી વાણી વિલાસ અને અઘણડ વહીવટથી ગ્રામજનો ત્રાસી ગયા છે. પરંતુ સામાજીક કારણોસર ગામના આગેવાનો આ વિવાદીત તલાટી વિરૂધ્ધ ક્યાંય ફરિયાદ કરતા નથી. વિસનગર ટી.ડી.ઓ. સુચીબેન પટેલે મંગળવારના રોજ બપોરે તાલુકાના પાંચ-છ ગામોની ગ્રામ પંચાયતમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં દઢિયાળ ગ્રામ પંચાયતની મુલાકાતમાં તલાટી સુધિરભાઈ એન.ચૌધરી બપોરે ૩-૩૦ કલાકે ફરજ ઉપર ન હોતા. ટી.ડી.ઓ.એ આ તલાટીનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમને ઉધ્ધત જવાબ આપ્યો હતો. આ અંગે ટી.ડી.ઓ. સુચીબેન પટેલે ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપિલ) નિયમો-૧૯૯૭ નિયમ-૬ મુજબ શિસ્ત વિષયક કાર્યવાહી કેમ ન કરવી? તેમજ બિન પગારી રજા કેમ ન ગણાવી તે બાબતનો ખુલાશો દિન-૧માં કરવા તલાટીને કડક સુચના આપી હતી. ત્યારબાદ બપોરે ૪-૦૦ કલાકે ટી.ડી.ઓ.એ કમાણા ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લેતા ગામના તલાટી બી.એ.દેસાઈ તથા જીગર ચાવડા બંન્ને તંત્રની મંજુરી વગર ફરજ ઉપર ગેરહાજર જોવા મળ્યા હતા. ત્યારબાદ બપોરે ૪-૧૫ કલાકે ટી.ડી.ઓ. સુચીબેન પટેલે મગરોડા ગ્રામ પંચાયતની મુલાકાત લેતા તલાટી વૈભવ કે. રબારી ફરજ ઉપર ગુલ્લી મારતા ઝડપાયા હતા. ત્યારે ટી.ડી.ઓ. સુચીબેન પટેલે કમાણા અને મગરોડા ગામના તલાટીઓને ફરજ ઉપર બેદરકારી દાખવવા બદલ બિનપગારી રજા કેમ ન ગણાવી? તે બાબતે નોટીસ પાઠવી દિન-૧માં ખુલાસો કરવા સુચના આપી હતી. ટી.ડી.ઓ.ની ઓચિંતી મુલાકાતથી તાલુકાના ગામોના ગુલ્લીબાજ તલાટીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ બાબતે ટી.ડી.ઓ.નો ટેલીફોનિક સંપર્ક કરતા તેમને ફોન રિસીવ કર્યો નહોતો.