Select Page

વિસનગરમાં ફાટક બહાર પ્રથમ વખત રામનવમીની શોભાયાત્રા

વિસનગરમાં ફાટક બહાર પ્રથમ વખત રામનવમીની શોભાયાત્રા

શોભાયાત્રાના સ્વાગત માટે તથા સેવા કેમ્પ માટે લોકોમાં ભારે ઉત્સાહ

  • લઘુમતિ સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓનુ હિન્દુ સંગઠનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરી ભાઈચારાનો સંદેશો આપવામાં આવશે

વિસનગરમાં ફાટક બહારના ભાગે ક્યારેય કોઈ શોભાયાત્રા નિકળતી નથી. ત્યારે ફાટક બહારના રહીસો પણ દર્શનનો લાભ લઈ શકે તે માટે આ વિસ્તારમાં પ્રથમ વખત રામનવમીની શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ભાઈચારાનો સંદેશો આપતી મહત્વની બાબત તો એ છેકે વિસનગરમાં પ્રથમ વખત હિન્દુ સંગઠનો દ્વારા શહેરના લઘુમતિ સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે. રામનવમીની શોભાયાત્રાના સ્વાગત તથા સેવા કેમ્પ માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાતાઓ દ્વારા દાનનો પણ પ્રવાહ વહેવડાવવામાં આવ્યો છે.
વિસનગરમાં જાહેર ધાર્મિક કાર્યક્રમોમાં અત્યાર સુધી વરઘોડીયા વોર્ડમા, નૂતન રોડ, સ્ટેશન રોડ કે એમ.એન.કોલેજ રોડ ઉપરજ શોભાયાત્રાઓ નિકળી છે. ફાટક બહારના વિસ્તારમાં પણ વિકાસ થયો છે. ત્યારે ફાટક બહારની સોસાયટીના લોકોને પણ ધાર્મિક કાર્યક્રમનો લાભ મળે તેવુ રામનવમીની શોભાયાત્રાનુ આયોજન કર્યુ છે. શહેરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તા.૧૭-૪-૨૦૨૪ ને બુધવારના રોજ રામનવમીના દિવસે ત્રીજા વર્ષે શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. અયોધ્યા શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ બાદ શ્રીરામજીનો મહિમા વધતા આ શોભાયાત્રા માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે ૯-૦૦ કલાકે માયા બજાર રામદ્વારા મંદિરથી શોભાયાત્રાનુ પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા એક ટાવર, લાલ દરવાજા, ઉમિયા માતાજીનુ મંદિર, નૂતન હાઈસ્કુલ, ફાટક બહાર ગંજ બજાર, ભગતસિંહ પ્રતિમા અભય શોપીંગ સેન્ટરથી વિવેકાનંદ સોસાયટી, સુરક્ષા સોસાયટી, એમ.એન.કોલેજથી બસ સ્ટેન્ડ થઈ જી.ડી.રેલ્વે સર્કલ, ત્રણ દરવાજા ટાવર, ગોવિંદચકલા ચાર રસ્તાથી ગુંદીખાડ, બાપુનો ચોરો, માયાબજાર થઈને રામદ્વારા મંદિરમાં પરત ફરશે.
ઉનાળાની ગરમી હોવાથી શોભાયાત્રામાં જોડાયેલા યાત્રીકોની સેવા માટે એક ટાવર વેપારી મંડળ, લાલ દરવાજા, ઉમિયા માતાજી મંદિર, નૂતન હાઈસ્કુલ, ગંજબજાર આગળ, ભારત વિકાસ પરિષદ, ભારતીય જનતા પાર્ટી સંગઠન, હિરા બજારના વેપારીઓ દ્વારા સેવા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. શોભાયાત્રા બાદ ગોવિંદચકલા પટેલવાડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ છે. રામનવમીની શોભાયાત્રા નિમિત્તે રૂા.૫૧,૦૦૦ શૈલેષભાઈ રાવલ દાદાજી ગૃપ, રૂા.૨૫,૦૦૦ પટેલ રાકેશભાઈ કે.સી., રૂા.૨૫,૦૦૦ પટેલ ભરતભાઈ બી.પટેલ ફાયનાન્સ લાછડી, રૂા.૨૧,૦૦૦ માર્કેટયાર્ડ વિસનગર, ૧૫૦૦૦ ઉત્તમ ભાઈ પટેલ પ્રમુખ નગરપાલિકા સર્વ કોર્પોરેટર, રૂા.૧૧,૦૦૦ પરેશભાઈ ચૌધરી સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રૂા.૧૧૦૦૦ કનુકાકા ગોવિંદ ચકલા, રૂા.૫૧૦૦ લાલાભાઈ મણીલાલ, રૂા.૫૧૦૦ રાકેશભાઈ પટેલ ગાયત્રી બીલ્ડર, રૂા.૫૧૦૦ ઉમેશભાઈ પટેલ સજાવટ, રૂા.૧૦,૦૦૦ યશવંતસિંહ માટેલ હોટલ, રૂા.૫૦૦૦ પ્રવિણભાઈ ચૌધરી આવકાર સીમેન્ટ, રૂા.૫૦૦૦ નિરવભાઈ પટેલ ભાજપ અગ્રણી, રૂા.૫૦૦૦ કનુભાઈ દ્વારા દાન આપવામાં આવ્યુ છે. ઉમિયા ડેરીના તિર્થભાઈ પટેલ દ્વારા છાસનુ તથા ગુજરાત મસાલા દ્વારા મસાલાનુ દાન આપવામાં આવ્યુ છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજીત આ વર્ષની રામનવમી ઐતિહાસિક એટલા માટે બનશે કે શોભાયાત્રા દરમ્યાન વિસનગર શહેરના પ્રતિષ્ઠીત અગ્રણી મુસ્લીમ બીરાદરોનુ આ હિન્દુ સંગઠનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે. ગંદી રાજનીતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ કોમી વૈમનસ્ય ફેલાવતુ હોવાનો માહોલ ઉભો કરી આ સંગઠનોને હંમેશા નફરતની ભાવનાથી જોવામાં આવતા હતા, ત્યારે રામનવમીના દિવસે મુસ્લીમ અગ્રણીઓનુ સન્માન કરી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભાઈચારાનો અનોખો સંદેશો આપવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના વિસનગર જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ છેકે, શોભાયાત્રા દરમ્યાન ગુલઝાર પાન હાઉસ આગળ શહેરના પ્રતિષ્ઠીત મુસ્લીમ અગ્રણીઓનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us