Select Page

પાણી એ કુદરતી સ્ત્રોતથી મળતી અમૂલ્ય ભેટ જળ સંકટ ઓછુ કરવા જળ સંરક્ષણ અને જળ સંચય ખુબજ મહત્વનુ

પાણી એ કુદરતી સ્ત્રોતથી મળતી અમૂલ્ય ભેટ જળ સંકટ ઓછુ કરવા જળ સંરક્ષણ અને જળ સંચય ખુબજ મહત્વનુ

તંત્રી સ્થાનેથી…
ભારત એ ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, બ્રહ્મપુત્રા જેવી પવિત્ર નદીઓનો દેશ કહેવામાં આવેલ છે. જળ સમૃધ્ધ દેશ હોવાથીજ વિશ્વની સૌથી જુની સંસ્કૃતિનો વિકાસ થયો છે. જળની પર્યાપ્તતાના કારણેજ દેશ સોને કી ચીડીયા હતો. પાણીની સમૃધ્ધતા દેશને વધુ સુંદર બનાવી રહી છે. પરંતુ આ સુંદર અને સમૃધ્ધ દેશના ગામો તથા શહેરોના લોકો પાણીને વેડફી રહ્યા છે. જેના કારણે આવનાર સમયમાં દેશમાં પાણીની મહામારી સર્જાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોના એક રીપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતમાં પાણીની સમસ્યા વધુ ભયાનક બની શકે છે. એમા વધતી સમસ્યાને લઈને આશંકા વર્તાઈ રહી છેકે, જળ સંરક્ષણની ઘટ, પ્રદુષણ, અતિક્રમણ, શહેરીકરણ, અને ગ્લેશીયર પીગળવાના કારણે આવનાર સમયમાં ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ જેવી હિમાચલ આધારીત નદીઓનો પ્રવાહ ઓછો થઈ રહ્યો છે. યુનેસ્કોના રીપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૬ માં ધરતી પર ૯.૩૩ કરોડ લોકો પાણી ઓછુ મળવાના કારણે પરેશાન હતા. ત્યારબાદ જળ સંકટ એટલુ વધ્યુ છેકે એશિયાનો ૮૦ ટકા વિસ્તાર પાણીની અછતના કારણે ઝઝુમી રહ્યો છે. ત્રણ ચાર દિવસ અગાઉજ ઠંડી ગરમીની મીક્ષ મૌસમ બાદ અચાનક ૩૮ થી ૪૦ ડીગ્રી ગરમી શરૂ થતા આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીમાં પાણીની જરૂરીયાત વધશે. ત્યારે ઠંડક કરવા માટે ઘર આંગણુ સાફ કરવા અને છાંટવામાં પાણીનો એટલોજ વેડફાટ થશે. પાણી એ કુદરતી સ્ત્રોતથી મળતી અમૂલ્ય ભેટ હોવાથી તેની બચત કરવા “દાદા એ નદીમાં જોયુ, પિતાએ કુવામાં જોયુ, આપણે નળમાં જોયુ, છોકરાઓએ બોટલમાં જોયુ અને છોકરાના છોકરા ક્યા જોશે?” તેવા સુત્રો આપણે વાંચીએ છીએ અને સોશિયલ મીડિયામાં આગળ પણ મોકલીએ છીએ. પરંતુ પાણીની બચત કરવા કોઈ અમલ કરતુ નથી. આપણી ભાવી પેઢીને બચાવવા પાણીનો સમજદારીપૂર્વકનો ઉપયોગ ખુબજ જરૂરી છે, તેમ છતા પાણીનો કરકસરથી ઉપયોગ કરતા નથી. વિસનગરમાં હમણા થોડા સમય અગાઉજ દશેક દિવસ પાણીની અનિયમિતતાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પાણી વગર શુ હાલત થાય છે તેવુ જાણવા છતા છુટથી પાણી મળતુ થયુ એટલો એનો બગાડ પણ શરૂ થયો. કર્ણાટક રાજ્યનુ પાટનગર આઈ ટી ક્ષેત્રનુ હબ ગણાતા બેંગ્લોરમાં અત્યારે પાણીનુ ભીષણ સંકટ જોવા મળી રહ્યુ છે. આ શહેરમાં પાણી માટે લાંબી લાંબી લાઈનો લાગે છે. રાજકીય નેતાઓ ટેન્કર ઉપર પોતાના પોસ્ટર લગાવીને વિવિધ વિસ્તારોમાં પાણીનુ વિતરણ કરી રહ્યા છે. જેમ જેમ ગરમી વધશે તેમ તેમ બેંગ્લોરની માફક દેશમાં અન્ય શહેરો પણ પીવાના પાણીની તંગી અનુભવશે. આવી પરિસ્થિતિમાં દરેકના મનમાં અને મગજમાં પ્રશ્નો ઉભા થતા હશે કે ભુજળનુ સ્તર કેમ ઘટી રહ્યુ છે? આ સવાલનો જવાબ દરેક પાસે હશે. જળ સંકટને દૂર કરવા જળ સંચયની ઘણી ચર્ચાઓ થાય છે. જળ સંચય એક એવો મુદ્દો છેકે જેમાં ફક્ત ને ફક્ત કુદરત ઉપર આધાર રાખવો પડે છે. ચોમાસામાં વરસાદી પાણી ગટર, વોકરા, નેળીયા, નદી અને સમુદ્રમાં વહી જાય છે. આ વરસાદી પાણીનો સંચય થાય તો જીવ સૃષ્ટી માટે આશીર્વાદરૂપ બને તેમ છે. વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની દિર્ઘ દ્રષ્ટીથી કેમ્પસમાં બનાવેલ બે રીચાર્જ ટ્યુબવેલમાં વર્ષે પાંચ કરોડ લીટર વરસાદી પાણી ભુગર્ભમાં ઉતારવામાં આવે છે. આ જળ સંચયના કારણે કેમ્પસમાં અત્યારે બે ટ્યુબવેલમાંથી પર્યાપ્ત પાણી મળી રહે છે. જળ સંચયથી એક નાના કેમ્પસમાં ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો જોવા મળતો હોય તો વિચારો કે સરકાર સમાજના સહિયારા પ્રયત્નોથી જળ સંચય અભિયાન ચલાવે તો ભૂગર્ભ જળ સ્તરમાં કેટલો સુધારો થાય. મધ્યપ્રદેશના ઝાબુઆના લોકો એક સમયે પીવાના પાણીની ગંભીર સમસ્યાથી પીડાતા હતા. ત્યારે ઝાબુઆના સ્થાનિક લોકોએ પ્રાચિન પરંપરા “હલમા”ને પુનર્જિવિત કરીને તે વિસ્તારમાં ૧૦૮ તળાવનુ નિર્માણ કર્યુ અને એક વર્ષમાં ૧૫૦૦ કરોડ લીટર જળ સંચય કર્યુ. સ્થાનિકોના પ્રયત્નોથી આખો વિસ્તાર જળ સમૃધ્ધ બની ગયો. આપણે ચોમાસુ આવે ત્યારેજ ભૂગર્ભ જળ સંચય માટેનો વિચાર કરીએ છીએ. ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા જોઈ ચોમાસુ જળ સંચય માટે વિચાર કરતા નથી. ફક્ત વરસાદના પાણીનુ સંરક્ષણજ માણસને પીવાના જળ સંકટમાંથી બચાવી શકે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts