Select Page

જી.ડી.રોડનો બીસ્માર માર્ગ પાલિકા નવો બનાવી શકતી નથી

જી.ડી.રોડનો બીસ્માર માર્ગ પાલિકા નવો બનાવી શકતી નથી

કરોડોના વિકાસની વાતો વચ્ચે ડામર રોડ બનતો નથી

વિસનગર પાલિકા તંત્ર અત્યારે મતલક્ષી વિકાસ કામ કરી રહ્યુ છે. જ્યા મત લેવાના છે તે રહેણાંક વિસ્તારમાં વિકાસ કામ થઈ રહ્યા છે. પરંતુ દિવસ દરમ્યાન હજ્જારો લોકોની અવરજવર છે તે કોમર્શિયલ વિસ્તારમાં ડામર રોડ બનતો નથી. જી.ડી.રોડ ઉપરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બીસ્માર હાલતમાં છે. વાહન ચાલકો પછડાઈ રહ્યા છે. પરંતુ કરોડોના વિકાસની વાતો કરતા પાલિકા તંત્રમાં ૫૦૦ મીટર જેટલા બીસ્માર રોડ ઉપર ડામરનુ સરફેસ કામ થતુ નથી તે પણ એક નક્કર હકીકત છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની દેખરેખ તાલુકામાં નેળીયાના માર્ગે પણ ખરાબ રોડનુ રીપેરીંગ થઈ રહ્યુ છે. ત્યારે ભાજપ શાસીત પાલિકા દ્વારા શહેરના રોડ રીપેરીંગ કરવામાં આવતા નથી.
પાલિકાના સ્વભંડોળમાંથી લાઈટ, પાણી, સ્વચ્છતા, ગટર અને પગારના ખર્ચ પડતા હોવાથી વિકાસ કામ કરી શકતા નથી. સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ ઉપરજ શહેરના વિકાસ કામનો મદાર રહેલો છે. કાંસા એન.એ.વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે પ્રયત્નો કર્યા હોત તો માતબર રકમની ગ્રાન્ટ ફળવાય તેમ હતી. ત્યારે સરકાર દ્વારા શહેરના વિકાસ કામ માટે પાલિકામાં ફાળવેલી રૂા.૪ કરોડની ગ્રાન્ટ વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલમાં ફાળવતા શહેરની સમસ્યાનો નિકાલ કરતા વિકાસ કામ ખોરંભાયા છે. હાલમાં જે કામ ચાલી રહ્યા છે તે અગાઉના વર્ષની ગ્રાન્ટમાંથી ફળવાયેલ કામ છે. રૂા.૪ કરોડની માતબર રકમ એકજ કામમાં ફળવાતા વર્ષ ૨૦૨૩-૨૪ મા નાના બજેટના વિકાસ કામ થઈ શક્યા નથી. કેબીનેટ મંત્રીએ ઉત્તમભાઈ પટેલને પાલિકા પ્રમુખ તો બનાવ્યા પણ ગ્રાન્ટની રકમ વગરનુ પ્રમુખ પદ એળે જઈ રહ્યુ છે.
વિસનગરનો જી.ડી. રોડ શહેરના મુખ્ય રોડ પૈકીનો છે. આ રોડ ઉપરથી દિવસમાં અનેક વાહન ચાલકો પસાર થાય છે. પ્રમુખ આ રોડના બન્ને છેડે પાલિકા કર્મચારીઓને ઉભા રાખીને પસાર થતા વાહનોની ગણના કરે તો હજ્જારોમાં થાય તેમ છે એવો આ મહત્વનો રોડ છેલ્લા ઘણા સમયથી બીસ્માર હાલતમાં છે. રોડ ઉપર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. રોડનો ઉપયોગ મોટાભાગે શહેરના લોકોજ કરે છે. ત્યારે પાલિકાની નિષ્કાળજીથી શહેરીજન વાહન ચાલકો પછડાઈ રહ્યા છે. કરોડોના વિકાસની વાતો કરતા પાલિકા તંત્રમાં ૫૦૦ થી ૬૦૦ મીટરનો નવો રોડ બનતો નથી. ભાજપના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ગામડામાં એટલા વિકાસ કામ કર્યા છેકે ખેતરોમાંથી પસાર થતા નેળીયામાં પણ બીસ્માર કે કાચો માર્ગ જોવા મળતો નથી. ત્યારે કેબીનેટ મંત્રીના શહેરના જી.ડી.રોડ ઉપર શહેરીજનો પછડાતા હોવાનુ જાણવા છતા પાલિકા દ્વારા નવો રોડ બનાવવામાં આવતો નથી. દર વર્ષે ચોમાસા બાદ સરકાર દ્વારા ડામર રોડ મરમ્મતથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ત્યારે આ વર્ષે ચોમાસા પછી શહેરમાં ડામર મટેરીયલની એક પણ ટ્રક જોવા મળી નથી. સરકાર ગ્રાન્ટ ફાળવે છે તો વપરાય છે ક્યા તે એક પ્રશ્ન છે. વિસનગર પાલિકાનો ખોરંભાયેલો વિકાસ ક્યારે ધમધમતો થશે તેની શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us