૨૬ બેઠકો ઉપર પાંચ લાખની લીડથી જીતવાના આશાવાદ વચ્ચે કાર્યકરોનો જ વિરોધ વધુ પડતા આત્મવિશ્વાસમાં ભાજપની એક સાધે ત્યા તેર તુટે જેવી હાલત
તંત્રી સ્થાનેથી…
નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી પદે રહી ગુજરાતને દેશનુ રોલ મોડલ બનાવ્યા બાદ જ્યારથી દેશના વડાપ્રધાન પદે સત્તા સંભાળી છે ત્યારથી વિવિધ ચુંટણીઓમાં ભાજપનો ગ્રાફ સતત ઉંચે જઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાયેલ લોકસભાની ચુંટણીમાં વર્ષ ૨૦૧૪ મા ભાજપને ૨૮૨ અને ૨૦૧૯ મા ૩૦૩ સીટ મળી છે. દેશમાં સર્વાંગી વિકાસ તેમજ અયોધ્યા શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના કારણે મતદારો આકર્ષાતા ૨૦૨૪ ની લોકસભાની ચુંટણીમાં એન.ડી.એ. ગઠબંધનને ૪૦૦ પારના અનુમાનનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાયેલ લોકસભાની ચુંટણીના બન્ને ટર્મમાં ગુજરાતના મતદારોએ ૨૬ બેઠકો ઉપર કમળ ખીલવ્યુ હતુ. આ વખતની લોકસભાની ચુંટણીમાં સમગ્ર દેશમાં ભાજપ તરફી પ્રવાહ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિ જોતા સત્તા લાલચુ કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ સાંસદો તથા અદના નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો. મતદારોનો મૂડ જોઈ કોંગ્રેસની અદની નેતાગીરીના ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમારે લોકસભાની ચુંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. કેસરીયો માહોલ જોઈને ભાજપે ગુજરાતમાં પાંચ લાખની લીડથી તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. નરેન્દ્રભાઈ મોદીનો પ્રથમથીજ એવો અભિગમ છેકે સત્તા એવી રીતે ચલાવવી કે, મતદારો પરિવારિક અને પરંપરાગત નેતાગીરીને જોયા વગર ભાજપને જોઈને મત આપે. આ અભિગમ પ્રમાણે ભાજપમાં ઘણા નવા ચહેરાઓને તક મળી અને નાના સમાજના કાર્યકરોને સત્તાનો મોકો મળ્યો, પરંતુ એકધારી સત્તાનો સ્વાદ ચાખી ગયેલ ભાજપ વધુ પડતા આત્મવિશ્વાસમાં કોંગ્રેસમાંથી આવેલા પક્ષ પલટુઓને લાલ જાજમ પાથરવામાં જુના કાર્યકરો ઉપર શુ અસર થશે તેનો વિચાર શુધ્ધા કર્યો નહી. હવે એવી દશા થઈ છેકે પાંચ લાખના માર્જીનથી જીતવાની જગ્યાએ ભાજપના કાર્યકરોનોજ વિરોધ સહન કરવાનો સમય આવ્યો છે. આ વખતે મજુરીયા કાર્યકરો અને નેતાઓને અવગણી ભાજપે લોકસભા તેમજ વિધાનસભાની પેટા ચુંટણીમાં ૧૧ મૂળ કોંગ્રેસીઓને ટીકીટ આપતા પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા કાર્યકરોમાં એવો રોષ જોવા મળી રહ્યો છેકે, ભાજપ માટે જાત ઘસનાર ચુંટણીમાં શેતરંજીઓ પાથરી, ભગવી ઝંડીઓ અને પોસ્ટર લગાવી પ્રચાર કરશે, જ્યારે ભાજપને ગાળો ભાંડનાર પક્ષપલટુઓ સાંસદ અને ધારાસભ્ય બનીને સત્તા ભોગવશે. ઉમેદવારોની પસંદગી લઈને હાઈકમાન્ડે કાચુ કાપતા ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થતો નથી. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના બફાટથી ક્ષત્રીયો લાલઘુમ થયા છે. મહેસાણામાં હરિભાઈ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરતા તેમના ગામ સુણોકમાજ વિરોધ ઉભો થયો છેકે, છેલ્લા ૧૫ વર્ષથી રોડ બન્યો તેનુ વળતર અપાવી શક્યા નથી તો લોકસભામાં જઈને શુ કરશે. જેમના ભાષણો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થાય છે તેવા વક્તા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક ઉપર પસંદગી કરવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં પ્રથમથીજ વિરોધનો શુર હતો. એવામાં ચુંટણી પ્રચાર દરમ્યાન ક્ષત્રીય સમાજની અસ્મિતા અને ચારિત્રને લાંછન લગાવતો બફાટ કરતા એવી પરિસ્થિતિ ઉભી થઈ છેકે ફક્ત રાજકોટ બેઠક ઉપરજ નહી પરંતુ તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોને મતના જોરે શબક શિખવવા ક્ષત્રીય સમાજે મૂડ બનાવી લીધો છે. હિન્દુ રાષ્ટ્રની અખંડીતતા માટે બલીદાન આપનારના વંશજોએજ પુરુષોત્તમ રૂપાલાના કારણે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને મહત્વ આપનાર ભાજપ સામે મોરચો માડ્યો છે. પોરબંદરમાં આયાતી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા વિરુધ્ધ ભાજપની સ્થાનિક નેતાગીરીએજ પોસ્ટર વૉર શરૂ કર્યુ છેકે, “આયાતી ઉમેદવાર ન ચાલે, પાંચ વર્ષમાં આપણુ કામ કોણ કરશે, આ ઉમેદવાર પાંચ વર્ષ સુધી મતદારો વચ્ચે રહેશે ખરા? પોરબંદરને આયાતી નહી પણ સ્થાનિક ઉમેદવારો આપો.” સાબરકાંઠામાં અટકના કારણે ભીખુજી ઠાકોરનો ભોગ લીધો. અન્ય સ્થાનિક કાર્યકરને ટીકીટ આપવાના બદલે પક્ષપલટુ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટીકીટ આપતા ભાજપમાંથી બે હજાર કાર્યકરોએ રાજીનામુ આપી દીધુ છે. એક વર્ષ પહેલાજ પાર્ટીમાં આવનારને સાંસદ કેમ બનાવી શકાય જમીની કાર્યકરના બદલે પક્ષપલટુને ટીકીટ કેમ અપાય તેવો ભાજપમાંજ વિરોધ થયો છે. ભાજપમાં વર્ષો જૂના અનેક કાર્યકરો આગેવાનો છે, પરંતુ કોંગ્રેસ મુક્ત કરવાની લ્હાયમાં અને વધારે પડતા આત્મવિશ્વાસમાં ઉમેદવારોની પસંદગી કરતા ‘એક સાંધે ને તેર તુટે’ જેવી ભાજપની હાલત થઈ છે.