Select Page

તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખથી દુર રહેવા ટકોર

તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખથી દુર રહેવા ટકોર

સોશિયલ મિડીયામાં વિસનગર તાલુકા કોંગ્રેસનુ રાજકારણ ગરમાયુ

  • કોંગ્રેસ અગ્રણી સુધીરભાઈ પટેલનું કાર્યકરોને આશ્વાસન – આ લોકોનો હવે લાબો સમય નથી. પાણી કિનારા સુધી આવી ગયુ છે અને બંધ તુટવાની તૈયારી છે

લોક સભાની ચુંટણીને લઈને રાજકારણમા ગરમી દેખાઈ રહી છે. સોશિયલ મિડિયામાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની ભરમાળ જોવા મળી રહી છે. વિસનગર તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ પશાભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી રાજકીય સુષુપ્ત અવસ્થામા હતા. ત્યારે સોશિયલ મિડિયામાં પુર્વ પ્રમુખ ભાજપ પ્રેરીત કામ કરતા કાર્યકરોને દુર રહેવાનું જણાવતા પશાભાઈ પટેલ રાજકારણની ચર્ચાના એરણે ચડ્યા છે.
વિસનગર તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ પશાભાઈ પટેલ એક સમયે કોંગ્રેસના સંનિષ્ઠ આગેવાનની મહત્વની ભુમિકામા હતા. વિસનગર તાલુકામા ભાજપ તરફી પવનમા પણ શેહ શરમમા આવ્યા વગર કોંગ્રેસને મજબુત બનાવવા પ્રયત્નશીલ હતા. છેલ્લે વિસનગર તાલુકા પંચાયતની ચુંટણીમા તાલુકા કોંગ્રેસના પ્રમુખની જવાબદારીના નાતે એવા મજબુત ઉમેદવારોની પસંદગી કરી હતી કે, જે ભાજપના ઉમેદવારોને ટક્કર આપી શકે તેમ હતા. પરંતુ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આપેલી યાદીના ઉમેદવારોને મેન્ડેટ નહી આપતા પંચાયતની ચુંટણીમા ભાજપના ઉમેદવારોનો વિજય આસાન બન્યો હતો. આવી મહત્વની ચુંટણીમા જીલ્લા કોંગ્રેસના આગેવાનો ભાજપનો હાથો બનતા પશાભાઈ પટેલ નિષ્ક્રિય બન્યા હતા. ત્યારબાદ તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાજકારણમા સુષુપ્ત અવસ્થામા હતા.
રાજકારણની પરિભાષા રહી છે કે, કોઈ કોઈનો કાયમ દોસ્ત કે દુશ્મન રહેતો નથી. છેલ્લા બે વર્ષથી રાજકારણમાં નિષ્ક્રિય રહેલા પશાભાઈ પટેલ થોડા સક્રીય થતા તાલુકાના રાજકારણમા ગરમા ગરમ ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા સોશિયલ મિડિયામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વિસનગર તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ પશાભાઈ પટેલ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેઓ કોંગ્રેસના કાર્યકરોને તેમની ઓફીસમા બોલાવી ભાજપ પ્રેરીત કામ કરી રહ્યાછે. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરીએ જણાવ્યુ છે કે, કોંગ્રેસના કોઈ કાર્યકરોએ તેમની ઓફીસે જવુ નહી. વિસનગર તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ હેમુભાઈ રબારી દ્વારા પણ કોંગ્રેસના કાર્યકરોને ઉલ્લેખી સોશિયલ મિડિયા થકી જણાવ્યુ છે કે, પક્ષ વિરોધી પ્રવૃત્તી કરતા કોઈ પણ નેતાનો ફોન આવે તો જવુ નહી. અંગત કામ છે તેવુ કહીને બોલાવે તો પણ જવુ નહી. જ્યારે કોંગ્રેસ અગ્રણી સુધીરભાઈ પટેલે કાર્યકરોને જણાવ્યુ છે કે, કોંગ્રેસ પાર્ટી આપણી મા છે. ભાજપનુ નામ લીધા સીવાય જણાવ્યુ છે કે, હવે લાંબો સમય આ લોકોનો નથી. પાણી છેક કિનારા સુધી આવી ગયુ છે. અને બંધ તુટવાની તૈયારી છે. આવનારો સમય આપણોજ છે માટે ક્યારેય પાર્ટી વિરૂધ્ધના કામમા જોડાશો નહી. પાર્ટી વફાદાર લોકોનેજ કંઈક આપે છે. પશાભાઈ પટેલ કોંગ્રેસથી નારાજ થઈને કોંગ્રેસમાથી રાજીનામુ આપવાના હોવાની પણ ચર્ચાઓ થઈ હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us