ફાની દુનિયા છોડી પત્રકાર આલમમાંથી ચિર વિદાય લીધી લક્ષ્મીબેન પટેલનુ દેહદાન સાથે ૧ કરોડ જેટલી સંપત્તિનુ દાન
વિસનગરના પત્રકારિત્વ આલમ સાથે છેલ્લા ૪૫ વર્ષથી જોડાયેલા નિડર મહિલા પત્રકાર લક્ષ્મીબેન પટેલના આકસ્મીક અવસાનથી તળ સમાજ, વિવિધ સંસ્થાઓ, પત્રકારો તથા કેકારવ સાપ્તાહિકના બહોળા વાંચક વર્ગમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જેમની ઈચ્છા પ્રમાણે દેહદાન સાથે સંપત્તિ દાન કરતા કદાચ એવા પહેલા પત્રકાર હશે કે જેમની જીવન ભરની પુંજી સમાજ માટે ઉપયોગમાં આવશે. લક્ષ્મીબેન પટેલે તેમની સંપત્તિ અનેક સંસ્થાઓને દાન કરતા તેમની સેવાનુ આ ઉમદા કાર્ય લોકમાનસમાં આજીવન જીવંત રહેશે.
વિસનગરના પ્રથમ મહિલા પત્રકાર લક્ષ્મીબેન પટેલ દ્વારા બે સાપ્તાહિક પ્રસિધ્ધ થતા હતા. જેમાં જાણીતા કેકારવ સાપ્તાહિકના પોતે તંત્રી હતા. જ્યારે નારદ સાપ્તાહિક પણ તેમની માલિકીનુ હતુ. વર્ષોથી પત્રકારિત્વ ક્ષેત્રે સંકળાયેલા હોવાથી પત્રકાર આલમમા નામના ધરાવતા હતા. જેમનુ તા.૧૩-૪-૨૦૨૪ ની રાત્રે ૭૨ વર્ષની ઉંમરે આકસ્મિક અવસાન થતા ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. જેઓ પત્રકારની સાથે કવિ અને સાહિત્યકાર હતા. જેઓ શબનમના ઉપનામથી પણ પરિચિત હતા. ઉર્દુ શાયરીમાં રૂચિ ધરાવતા હોવાથી તેમના નાથીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિસનગરમાં ઘણા કવિ સંમેલનો થયા હતા. જેમાં ઉર્દુના જાણીતા સાહિત્યકારો ઉપસ્થિત રહીને પોતાની રચનાઓ રજુ કરતા હતા. લક્ષ્મીબેન પટેલે તેમના માતાના નામે બનાવેલ નાથીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા ઉત્થાન, સ્ત્રી સશક્તિકરણ, સામાજીક સેવાઓના અનેક કાર્યો કર્યા હતા. તેમની ઈચ્છા પ્રમાણે તેમના નશ્વર દેહનુ નૂતન મેડીકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યુ હતુ. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે લક્ષ્મીબેન પટેલને શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યુ હતું કે, તેઓ સમાજ માટે પ્રેરણારૂપ હતા. વિશ્વાસ, હિંમત અને શક્તિઓથી ભરપૂર હતા.
લક્ષ્મીબેન પટેલ એકલા રહેતા હતા. લગ્ન કર્યા હતા પરંતુ મનમેળ નહી આવતા દોઢેક વર્ષનાજ લગ્નજીવનનો અંત આણ્યો હતો. જેમણે કરકસરભર્યુ જીવન જીવીને ઘણી સંપત્તિ એકઠી કરી હતી. જેઓ દિર્ઘદ્રષ્ટા હતા અને જીવનના અંત પહેલાજ એકઠી કરેલી સંપત્તિ સદકાર્યમાં વપરાય તેવુ આયોજન કર્યુ હતુ. જેઓ છેલ્લી ઘડી સુધી બાબુભાઈ વાસણવાળાના સંપર્કમાં રહીને સંસ્થાઓમાં દાન માટે ચર્ચા કરી હતી. જેમણે પોતાની લગભગ એક કરોડ જેટલી સંપત્તિનુ વિવિધ સંસ્થાઓમાં દાન કર્યુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે નૂતન હોસ્પિટલને રૂા.૩૦ લાખ, વિસનગર વોલન્ટરી બ્લડ બેંકને રૂા.૧૨ લાખ, ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનને બે મકાન, જનરલ લાયબ્રેરીને રૂા.૨,૭૩,૦૦૦/-, ના.વિ.કન્યા વિદ્યાલયને રૂા.૬ લાખ, વ્યાયામ શાળાને રૂા.૪૪,૦૦૦/-, યોગ મહા વિદ્યાલય રોજડ જીલ્લો સાબરકાંઠા આર્ય સમાજ ગુરુકુળને રૂા.૮૪,૦૦૦/-, અમદાવાદ વંચીતો માટે, સોલા કેમ્પસમાં શૈક્ષણિક હેતુ માટે, તળ સમાજની દિકરીઓને સમૂહલગ્ન માટે, કડા દરવાજા પાટીદાર પંચને, કૂતરાઓને છાસ રોટલા માટે એમ અનેક જગ્યાએ દાન આપ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. લક્ષ્મીબેન પટેલના આ સેવા કાર્યોથી તેમની સ્મૃતિ લોકમાનસમાં ચિરકાલીન રહેશે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતી અર્પે તેવી પ્રચાર સાપ્તાહિક પરિવારની પ્રાર્થના.