Select Page

પ્રકાશભાઈ પટેલની વિધાનસભા બાદ લોકસભામાં દાવેદારી

પ્રકાશભાઈ પટેલની વિધાનસભા બાદ લોકસભામાં દાવેદારી

વિસનગરને વિદ્યાનુ ધામ બનાવનાર અને નૂતન હોસ્પિટલ થકી આધુનિક તબીબી સેવાઓનુ પ્રદાન કરનાર

  • રાજકીય મહત્વકાંક્ષાથી ફાયદો થશે કે નુકશાન તેની ચર્ચાઓ શરૂ

રાજકીય પ્રતિસ્પર્ધાના કારણે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે ઘણા ઉતાર ચડાવ જોયા છે. તેમ છતા આગળ વધવાની મહત્વકાંક્ષામાં વિધાનસભાની ટીકીટની દાવેદારીની ચર્ચા બાદ લોકસભાની ટીકીટ માટે સમર્થકો દ્વારા ભલામણ કરવામાં આવતા શહેરના રાજકારણમાં નવો રંગ જોવા મળી રહ્યો છે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા લોકસભાના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવામાં આવી હતી. જેમાં સમર્થકોએ પ્રકાશભાઈ પટેલની ભલામણ કરતા રાજકીય હલચલ જોવા મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઈ શાહના મનમાં શું ચાલી રહ્યુ છે તે કોઈ કહી શક્યુ નથી. હમણા થોડા સમય પહેલાજ પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદે નવા ચહેરા મુકી ચોકાવી દીધા હતા. આવુજ લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં ઉમેદવારોની પસંદગીમાં જોવા મળે તેવી પુરેપુરી શક્યતા છે. મહેસાણા ભાજપ લોકસભા કાર્યાલયમાં મહેસાણા સીટના ઉમેદવારની પસંદગી માટે ઉમેદવારોની નહી પરંતુ સમર્થકોની સેન્સ લેવામાં આવી હતી. સેન્સ મેળવવા પ્રદેશના ત્રણ નિરિક્ષકોમાં મંત્રી કુવરજી બાવળીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાપડીયા અને પ્રદેશ મંત્રી જાહનવીબેન વ્યાસે લોકસભાની ટીકીટ વાચ્છુઓના સમર્થકોને સાંભળ્યા હતા. જેમાં વિસનગરના સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની મહેસાણા બેઠક માટે ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવે તેવી સમર્થકો દ્વારા ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત્ત મહેસાણા બેઠક માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ, ઉંઝા માર્કેટયાર્ડના ચેરમેન દિનેશભાઈ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર, પૂર્વ સાંસદ ર્ડા.એ.કે.પટેલના પુત્ર ર્ડા.ધનેશ પટેલ, વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ એમ.એસ.પટેલ માટે સમર્થકો દ્વારા ભલામણ કરવામાં આવી હતી.
રાજકીય ક્ષેત્રે આગળ વધવાની મહત્વકાંક્ષામાં પ્રકાશભાઈ પટેલને અનેક ઉતાર ચડાવ અનુભવ્યા છે. યુનિવર્સિટીમાં ભોળાભાઈ પટેલને ચેરમેન પદેથી હટાવવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો સહકાર મેળવ્યો. ચેરમેન બન્યા બાદ મેડિકલ કોલેજની મંજુરી મેળવી નૂતન હોસ્પિટલ થકી આધુનિક તબીબી સેવાઓનુ પ્રદાન કરતા પંથકના લોકોને ઘર આંગણે અદ્યતન તબીબી સેવાઓનો લાભ મળતો થયો. યુનિવર્સિટીમાં અનેક કોલેજો શરૂ કરી વિદ્યાનગર વિદ્યાધામનુ બીરૂદ અપાવ્યુ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને સાંસદ શારદાબેનનો સહકાર મળતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલની અવગણના કરતા સબંધો વણસ્યા હતા. જેમાં વિધાનસભાની ચુંટણીમાં દાવેદારી કરી હોવાની ચર્ચાથી વણસેલા સબંધોમાં આગમા ઘી હોમવાનુ જેવા સંજોગો બન્યા હતા. ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતા સંસ્થાના હિતમા સમજદારીથી પ્રકાશભાઈ પટેલે ફરીથી નિકટતા કેળવી. પહેલા પરિસ્થિતિ એવી હતી કે ઋષિભાઈ પટેલને કોઈ કાર્યક્રમમા ગણવામા આવતા નહોતા. અત્યારે સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવતા કેબીનેટ મંત્રી વગર સંસ્થામાં કોઈ કાર્યક્રમ થતા નથી. લોકસભાની ટીકીટ માટે સમર્થકોએ ભલામણ કરતા પ્રકાશભાઈ પટેલને રાજકીય ફાયદો થશે કે નુકશાન તેની વિસનગરના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us