ઉમતામાં રી-યુઝ ગ્લોઝ વેચાણ કરતી ફેક્ટરીમાં ભીનુ સંકેલાયુ?
પ્રાન્ત ઓફીસરે દોઢ કલાક તપાસ કરી વિવિધ વિભાગમાં જાણ કરી હતી
ઉમતામાં રી-યુઝ ગ્લોઝ વેચાણ કરતી ફેક્ટરીમાં ભીનુ સંકેલાયુ?
સેલટેક્ષ વિભાગે રૂા.૨ લાખનો ટેક્ષ વસુલ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ઉમતા ગામની એક ફેક્ટરીમાં રબ્બરના રી-યુઝ ગ્લોઝનું શોર્ટીંગ કરી ગેરકાયદેસર વેચાણ થતુ હોવાની પ્રાન્ત ઓફીસરને માહિતી મળી હતી. પ્રાન્ત ઓફીસર દ્વારા જેની તપાસ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તોલમાપ અને સેલટેક્ષ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા ભીનુ સંકેલવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. ફેક્ટરીમાં લાલ અને કાળા ડાઘા વાળા ગ્લોઝ જોવા મળ્યા હતા. ગેરકાયદેસર વેચાણથી ગામમાં લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેમ હતું. ત્યારે આ મહામારીમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રયત્નો કરતા તંત્ર દ્વારા કેમ કોઈ પગલા ભરવામાં ન આવ્યા તેની ભારે ચકચાર જાગી છે.
ભારત દેશમાં કોરોના મહામારીના શરૂઆતના તબક્કે હેન્ડ ગ્લોઝ અને માસ્કની ભારે તંગી હતી. કોરોના સંક્રમણથી બચવા માટે હેન્ડ ગ્લોઝ અને માસ્ક પહેરવાની સલાહથી લોકોની આ વસ્તુઓની ખરીદી કરવા પડાપડી થઈ હતી. મેડીકલ સ્ટોર્સમાં શરૂઆતમાં ગ્લોઝ તથા માસ્ક મળતા નહોતા. આવા સમયે ઉમતા ગામની એક ફેક્ટરીમાં ખેચવા છતાં તુટે નહી તેવા સફેદ કલરના રબ્બરના ગ્લોઝનું શોર્ટીંગ કરી ધુમ વેચાણ કરવામાં આવતુ હતુ. ગ્લોઝ ઉપર લાલ અને કાળા કલરના ડાઘા જોવા મળતા હતા. આવા ગ્લોઝનું શોર્ટીંગ કરવા ઉમતા ગામના કેટલાક બાળકોને રોજના રૂા.૯૦ થી ૧૦૦ ની મજુરીએ કામ ઉપર રાખવામાં આવ્યા હતા. વપરાયેલા ગ્લોઝના શોર્ટીંગથી ગામના બાળકો રોગચાળાનો ભોગ બને અને બાળકોના કારણે ગામમાં રોગચાળો ફેલાય તેવી દહેશત ઉભી થતા ગામના કેટલાક જાગૃત લોકોએ આ ફેક્ટરીના ગેરકાયદેસર ધંધા સામે ચીંતા વ્યક્ત કરી હતી. આ બાબતની જાણ વિસનગર પ્રાન્ત ઓફીસર સી.સી. પટેલને થતા તેમણે રૂબરૂ જઈ તપાસ કરી હતી. ગ્લોઝ ક્યાંથી લાવવામાં આવે છે અને ક્યાં વેચાણ કરવામાં આવે છે તેની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાતા આ ફેક્ટરીની તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ, પોલ્યુશન વિભાગ, તોલમાપ વિભાગ, સેલ્સટેક્ષ ઓફીસ વિગેરે વિભાગોને જાણ કરવામાં આવી હતી. જેમાં વિસનગર સેલ્સ ટેક્ષ ઓફીસ દ્વારા તપાસ કરવામાં આવતા મલેશીયાથી ઈમ્પોર્ટ કરી કન્ટેનર દ્વારા આ ગ્લોઝ લાવવામાં આવતા હોવાનુ જણાયુ હતુ. જેમાં સેલટેક્ષ ઓફીસ દ્વારા બે લાખ રૂપિયાનો ટેક્ષ વસુલવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. સેલટેક્ષ ઓફીસ દ્વારા તેની ફરજ અદા કરવામાં આવી પરંતુ જે વિભાગ દ્વારા તપાસ કરી ફેક્ટરીના સંચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ તથા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ નથી.
ઉમતાની આ ફેક્ટરીમાં આવી મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગોરખધંધા સામે વધુ શંકા ઉપજતી બાબત તો એ છેકે પ્રાન્ત ઓફીસની રેડ બાદ રી-યુઝ ગ્લોઝનો વેપલો બંધ કરવામાં આવ્યો છે. ફેક્ટરીનો સંચાલક કાયદેસર વેપાર કરતો હતો તો રબ્બરના ગ્લોઝનું શોર્ટીંગ કરી વેચાણ કરવાનુ કેમ બંધ કરવામાં આવ્યુ. ગ્લોઝ ઉપરના લાલ તથા કાળા ડાઘા સેના હતા? મેડીકલ ઉપયોગમાં લેવાયા બાદ ફેકી દેવાયેલા ગ્લોઝ કન્ટેનર દ્વારા લાવી તેનો વેપાર કરવામાં આવતો હતો કે શું તેની તપાસ હજુ સુધી તંત્રના કોઈ વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હાલમાં આ ફેક્ટરીમાં એકપણ ગ્લોઝ જોવા મળતા નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગ્લોઝ વેચનાર ફેક્ટરી સંચાલક સામે તપાસ નહી કરી, કોઈ મોટો તોડ કરી ભીનુ સંકેલવામાં આવ્યુ હોવાની શંકા પ્રબળ બની છે.