Select Page

કનેક્શનમાં મીટર પ્રથાજ પાણીના વપરાશમાં અંકુશ લાવી બગાડ થતો અટકાવી શકે

કનેક્શનમાં મીટર પ્રથાજ પાણીના વપરાશમાં અંકુશ લાવી બગાડ થતો અટકાવી શકે

ચાર્જ અને દંડ વગર અનુશાસન નહી…

તંત્રી સ્થાનેથી…

વિશ્વ જળ દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે વસતી વધી રહી છે અને પાણીના સ્ત્રોત ઘટી રહ્યા છે. સજીવ જીવના અસ્તિત્વ માટે હવા, પાણી અને ખોરાક ત્રણ મહત્વના છે. હવા એટલે ઓક્સીજનનુ મહત્વ કેટલુ છે એ હમણા બે વર્ષ પહેલાના કોરોના કાળમાં લોકોને સમજાયુ છે. તેમ છતા ઓક્સીજન આપતા વૃક્ષોનુ જતન કરવા ગંભીરતા દેખાતી નથી. સરકાર દ્વારા જેટલુ ઉદ્યોગોને મહત્વ આપવામાં આવે છે એટલુ પાણીની વ્યવસ્થા માટે મહત્વ આપવામાં આવતુ નથી. પાણી માટેના સર્વેક્ષણો એટલા ભયાનક છેકે આવતા ૨૦ વર્ષમાં પાણીની ગંભીર કટોકટી ઉભી થશે અને હવે પછીના યુધ્ધો જળ માટેના હશે. અત્યારે પાણી સામાન્ય વેરાના ચાર્જમાં મળતુ હોવાથી તેના વપરાશ પ્રત્યે કોઈ સાવચેતી અને ગંભીરતા જોવા મળતી નથી. બેફામ રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે. કોઈ નીતિ નિયમ ન હોવા છતા પાણીનુ મૂલ્ય સમજી જીવસૃષ્ટી માટે કેટલુ મહત્વ છે તે વિચારી તેનો ઉપયોગ કરવોજ સમજદારી છે, તેનુ પાણીની બચત માટે રાજકોટના ન્યુ એમ્પાયર બીલ્ડીંગના ફ્લેટ ધારકો તથા સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢના ગ્રામજનોએ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. રાજકોટ શહેરના ઈન્દીરાનગર સર્કલના કોર્નર ઉપર નવ માળનુ ન્યુ એમ્પાયર બીલ્ડીંગ આવેલુ છે. કોર્પોરેશન દ્વારા જેટલુ પાણી આપવામાં આવે છે તે પૂરતુ નહી હોવાથી ફ્લેટ ધારકોને શરૂઆતથીજ પાણી વેચાતુ લેવાની ફરજ પડતી હતી. પાણીનો વપરાશ અને ટેન્કરોનો ખર્ચ ઘટાડવા માટે શુ કરવું જોઈએ તે બાબતે ગહન વિચારણા બાદ બીલ્ડીંગમાં પાણી માટે મીટર સીસ્ટમ શરૂ કરવામાં આવી. મીટર પ્રથા બાદ પાણીનો વપરાશ અડધો થઈ ગયો. પહેલા પરિસ્થિતિ એવી હતી કે ઉનાળામાં ૬૦ થી ૭૦ ટેન્કર એક મહિનામાં મંગાવવા પડતા હતા. મીટરનો યુનીટનો ભાવ પૈસામાં રાખવામાં આવ્યો છે. સરેરાશ ચાર વ્યક્તિના પરિવારમાં રોજનુ સાત થી આઠ રૂપિયાનુ પાણી વપરાય છે. પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ પંચાયતે દેશભરના શહેરો અને ગામડાઓને પાણીની બચત કરવા અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. ગામમાં પાણીની સમસ્યાતો હતીજ સાથે સાથે પાણીનો વેડફાટ પણ ખુબ હતો. ગ્રામજનોએ આ સમસ્યાના નિવારણ માટે મીટર પ્રથા લાગુ કરી જેમાં ગ્રામ પંચાયતે ૨૪ કલાક પાણી આપવાનો વાયદો કર્યો હતો. ગ્રામજનોએ મીટરથી પાણી પુરવઠો સ્વિકારવાની શરૂઆત કરી અને ગામમાં પાણી બચત અભિયાનની શરૂઆત થઈ. તખતગઢમાં પાણી વેરાના બદલે નહી પરંતુ મીટરના આંકડા ફરે તે રીતે મળી રહ્યુ છે. પાણી કનેક્શનમાં મીટર પ્રથાથી ગ્રામજનો પાણીનો વેડફાટ બંધ કરવા લાગ્યા, પાણીના વધારે પડતા બગાડથી જે ગંદકી થતી હતી તે પણ અટકી ગઈ અને ગામના રસ્તાઓ ચોખ્ખા ચણક જેવા દેખાવા લાગ્યા. ગામના ખેડૂતો પણ જળ બચાવવા માટે પોતાની સિંચાઈ વ્યવસ્થામાં ફેરફાર કરવા લાગ્યા. તખતગઢ ગામ જળ બચાવ અભિયાન માટે એક આદર્શ ઉદાહરણ બન્યુ. પાણીની બચત માટેના સ્વૈચ્છીક અભિયાનમાં ગ્રામ પંચાયતના સરપંચને રાષ્ટ્રપતિએ દિલ્હીમાં એવોર્ડ આપ્યો. પાણીમાં બચત અને મીટર પ્રથામાં તખતગઢ ગામ રોલ મોડલ બનતા આસપાસના ગામડા અને શહેરના લોકો પણ અભ્યાસ કરવા લાગ્યા છે. વિજ કનેક્શન અને ગેસ કનેક્શનની જેમ મીટર પ્રથા અમલી બની ત્યારથી પાણીનો બીન જરૂરી વપરાશ બંધ થઈ ગયો. જોકે ચાર્જ અને દંડ લોકોને અનુશાસન શીખવે છે. વિદેશમાં ગંદકી કરનારને દંડ ફટકારવામાં આવતો હોવાથી લોકો જાહેરમાં કચરો નાખતા નથી કે થુંકતા પણ નથી. દંડના ભયથી અનુશાસનનુ પાલન કરનાર જ્યારે ભારત દેશમાં આવે છે ત્યારે દેશમાં સ્વચ્છતા જાળવવાના કોઈ નીતિ નિયમો નહી હોવાથી જાહેરમાં કચરો પણ ફેકે છે અને થુંકીને ગંદકી પણ કરે છે. લાઈટનુ મીટર હોવાથી વધારે વિજ બીલ ન આવે તે માટે એક રૂમમાંથી બીજા રૂમમાં જતા સ્વીચ બંધ કરીએ છીએ. મીટરમાં યુનીટ વધારે ન આવે તે માટે વિજળીનો બગાડ અને દુર ઉપયોગ થતો અટકાવીએ છીએ. આમ ચાર્જ અને દંડ હશે તોજ પાણી વપરાશમાં સભાનતા આવશે. નીતિ આયોગે કેન્દ્ર સરકારને પાણીનો દુર્વ્યય થતો અટકાવવા કનેક્શનમાં મીટર પ્રથાની બે થી ત્રણ વખત ભલામણ કરી છે. કનેક્શનમાં મીટર પ્રથા આવશે નહી ત્યા સુધી તેના બેફામ ઉપયોગ અને બગાડ ઘટવાનો નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us