Select Page

જ્ઞાતિવાદનું રાજકારણ રમતા લોકોને પ્રેરણા આપતો કિસ્સો આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની માનવતાથી રાજપૂત દિકરીને જીવતદાન

લોકસભાની યોજાનાર ચુંટણીમાં ગુજરાતની ર૬ માંથી ર૬ બેઠકો પાંચ લાખ મતોની લીડથી જીતવાના લક્ષ્ય સાથે ભાજપના ઉમેદવારો અને નેતાઓ પોતાના મત વિસ્તારના મતદારોને રિઝવવા ઠેર-ઠેર સભાઓ ગજવી રહ્યા છે. જયારે બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીથી ક્ષત્રિય રાજપૂત સમાજમાં ભારે આક્રોશ છે. ચુંટણીના આવા માહોલ વચ્ચે વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે કોઈપણ પ્રકારની રાજકીય કિન્નાખોરી કે નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રાજપૂત પરિવારની ૧૩ વર્ષિય માસુમ દિકરીની બન્ને કિડની ફેલ થતા તેને અમદાવાદ કિડની હોસ્પિટલમા તાત્કાલિક સારવાર અપાવી જ્ઞાતિવાદનું રાજકારણ રમતા લોકોને બોઘપાઠ આપી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે.
રાજકારણમાં ઉચ્ચપદ મેળવ્યા પછી નેતાઓ સુખી સંપન્ન તથા મોટી વગ ધરાવતા લોકોના જ કામો કરે છે. ગરીબ અને સામાન્ય પરિવારના લોકોના કોઈ કામ કરતુ નથી. ગરીબોનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ થાય છે તેવુ લોકો વિચારે છે પરંતુ આજે એવા પણ રાજનેતાઓ છે જેઓ રાજનિતીને સેવાનુ માધ્યમ સમજી ગરીબ અને સામાન્ય પરિવારના લોકોની સતત સેવા કરી રહ્યા છે. જેમા વિસનગર ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે આજસુધીમાં નાત- જાતનો ભેદભાવ કે રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર પ્રજાના કામો કર્યા છે. જેના કારણે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના વિસનગર અને ગાંધીનગરના કાર્યાલયમા રજુઆતકર્તાઓની સતત ભીડ જોવા મળે છે. અત્યારે લોકસભાની ચુંટણીને લઈને તમામ રાજકીય નેતાઓ અને આગેવાનો પોતાના મત વિસ્તારના મતદારોને રિઝવવા ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જયારે બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીથી ક્ષત્રિય રાજપૂત સમાજમાં ઠેર ઠેર ભારે આક્રોશ છે. આ દરમિયાન સાબરકાંઠાના ઈડર તાલુકાના વતની અને અમદાવાદના ઝુડાલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા વિજયસિંહ પ્રતાપસિંહ પરમાર (રાજપૂત)ની ત્રણ દિકરીઓમાં સૌથી નાની ૧૩ વર્ષીય દિકરી ચિ.નિધિની બન્ને કિડની ફેલ થતા તેઓ પોતાની વ્હાલસોયી દિકરીની ઝડપી સારવાર કરાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા દોડધામ કરતા હતા. આ રાજપૂત પરિવારની બાજુમાં કાંસા એન.એ.ગ્રામ પંચાયતના ભાજપ સમર્પિત સભ્ય શિલ્પાબેન આશિષભાઈ પંડયાના મોટાભાઈ રહે છે. જેથી શિલ્પાબેન પંડયાએ આ જરૂરીયાતમંદ રાજપૂત પરિવારની માસુમ દિકરીને કિડનીની ઝડપી સારવાર મળે તે માટે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલને રજુઆત કરી હતી ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલેે રાત્રીના આશરે ૯-૩૦ વાગ્યા હોવા છતા એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર રાજપૂત પરિવારની આ માસુમ દિકરીને સરકારી યોજનામાં સંપૂર્ણ ઝડપી સારવાર મળે તે માટેની તમામ વ્યવસ્થા કરવા તેમના સરકારી પી.એ.ને સુચના આપી હતી. ત્યારે આરોગ્ય મંત્રીના પી.એ.ની ભલામણથી અમદાવાદ કિડની વિભાગના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલબેન મોદીએ રાજપૂત પરિવારની દિકરી ચિ.નિધિની સરકારી યોજનામાં કિડનીની સારવારની તમામ પ્રક્રિયા ઝડપી કરી હતી. આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે લોકસભાની ચુંટણીની વ્યસ્તતામાં પણ મતોના રાજકારણને બાજુમાં રાખી અમદાવાદના રાજપૂત પરિવારની ૧૩ વર્ષિય માસુમ દિકરીને તાત્કાલિક સારવાર અપાવી માનવતાનુ ઉમદા કાર્ય કર્યુ હતુ. જે બદલ દિકરીના પિતા વિજયસિંહ રાજપૂત તથા તેમના પરિવારજનોએ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ તથા કાંસા એન.એ. પંચાયત સભ્ય શિલ્પાબેન પંડયાનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્યારે આ દિકરીને તેની બિમાર માતાની કીડની મેચ થતી નથી અને તેના પિતા કિડની આપે તેવી પરિસ્થિતિ નથી. જેના કારણે અઠવાડીયામાં ત્રણ દિવસ આ દિકરીને ડાયાલીસીસ માટે હોસ્પિટલમા લઈ જવામાં આવે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us