Select Page

વિસનગરમાં મોદી પરિવારની સભામાં ૧ લાખની લીડનુ લક્ષ્યાંક

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો પવનવેગી ચુંટણી પ્રવાસ

  • વિસનગરને ૨૨૨ સીસીટીવી કેમેરાથી સુરક્ષીત કરવામાં આવશે-કેબીનેટ મંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલો વિકાસ જોઈ તેમાં પણ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ થતા લોકસભાની આ વખતની ચુંટણીમાં વિધાનસભાની ચુંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા સીટ ઉપર ભાજપ દવારા ઉમેદવારની જાહેરાત બાદ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે વિસનગર વિધાનસભા સીટ મત વિસ્તારમાં પવનવેગી ચુંટણી પ્રચાર કરતા આખા તાલુકામાં ભગવાકરણનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે. ચુંટણી પ્રચારમાં મોદી પરિવારની મીટીંગો અને સભાઓમાં કેબીનેટ મંત્રીએ ૧ લાખની લીડનુ લક્ષ્યાંક આપતા ભાજપ સંગઠનના કાર્યકરો પણ વિસનગર સીટમાં આ લક્ષ્યાંક પાર પાડી મોદીને વડાપ્રધાન પદે ત્રીજી ટર્મ આવકારવા આતુર બન્યા છે. ચુંટણી પ્રચાર દરમ્યાન શહેર અને ગામડાઓમાં ઠેરઠેર સ્વાગત સન્માન થતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે પણ કેટલી લોકપ્રિયતા મેળવી છે તે જોવા મળ્યુ હતુ.
ભારતના ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચુંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો અને ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ સીટો માટે તા.૧૨-૪-૨૦૨૪ ના રોજ જાહેરનામુ પડે તે પહેલા ભાજપે તા.૨૪-૩ ના રોજ મહેસાણા સીટના ઉમેદવાર તરીકે હરિભાઈ પટેલનુ નામ જાહેર કર્યુ હતુ. મહેસાણા સીટના ઉમેદવાર જાહેર થતાની સાથેજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે વિસનગર વિધાનસભા સીટના મત વિસ્તારમાં ચુંટણી પ્રચાર તેજ કર્યો હતો. વિસનગરમાં તા.૯-૪ થી ૧૨-૪ સુધી મોદી પરિવારની મીટીંગો અને સભાઓનુ શહેર તથા ગામડામાં આયોજન થયુ હતુ. વિસનગરમાં એક ટાવરથી મોદી પરિવારની જંગી સભા સાથે ચુંટણી પ્રચારના શ્રીગણેશ થયા હતા. સભામાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૦ વર્ષના શાસનનો ચીતાર રજુ કરતા જણાવ્યુ હતું કે, દેશની ૧૪૦ કરોડની જનતા મોદી સાહેબનો પરિવાર છે. ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને કેવી રીતે વધુમાં વધુ સુખ સગવડો મળે સાધન સંપન્ન થાય તેની સતત ચીંતા કરે છે. ૨૧ મી સદીમાં ભારત વિશ્વ ગુરૂ બને તેવી સંકલ્પના કરી છે. કાશ્મિરમાંથી ૩૭૦ ની કલમ હટાવી દેશનો માઈગ્રેનનો રોગ મટાડવાનુ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહે કર્યુ છે. નરેન્દ્રભાઈ મોદીએ મતોની રાજનીતિથી ઉપર જઈ વિકાસની રાજનીતિ કરતા ૨૦૧૪ મા ૨૭૨ પ્લસના નારામાં ૨૭૩ તથા ૨૦૧૯ મા ૩૦૦ પ્લસના નારામાં ૩૦૩ સીટ દેશની જનતાએ આપી છે. સતત પરિશ્રમ અને સર્વાંગી વિકાસના કારણે ૧૦ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ સતત વધ્યો છે. પહેલા ભારતને વિકસીત દેશોનો ડર રહેતો હતો અત્યારે આ દેશોને વડાપ્રધાન મોદીનો ડર સતાવી રહ્યો છે. ૨૦૨૬ માં ભારત દેશ ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બનશે ત્યારે દેશના મોદી પરિવારના કોઈ તકલીફ પડશે નહી.
વિસનગર શહેરના વિકાસ બાબતે કેબીનેટ મંત્રીએ જણાવ્યુ હતું કે, મોકો મળ્યો છે ત્યારે સમર્પણ અને સેવા ભાવથી વિકાસ થઈ રહ્યો છે. ૫૦૦ કરોડના વિકાસ કામ વિધાનસભાની છેલ્લી ચુંટણી બાદ થયા છે. દરબાર સંપ ચાલુ થશે ત્યારે વોર્ડ નં.૩, ૭ અને ૮ ની પાણીની સમસ્યાનો કાયમી નિકાલ થશે. ૮૫ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર બનશે. સિવિલ હોસ્પિટલનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. ૧૦૦ કરોડના ખર્ચે એમ.એન.કોલેજનો વિકાસ થશે. વડાપ્રધાન મોદીની ગરીબ કલ્યાણની નીતિઓથી દેશની ૨૫ કરોડ જનતા ગરીબી રેખામાંથી બહાર આવી છે. લોકસભાની ચુંટણીમાં ૪૦૦ પાર કરવાની જવાબદારી આપણી છે. આ સભામાં વિસનગર સીટમાં ૧ લાખ મતની લીડનુ લક્ષ્યાંક હોવાનુ જણાવી વધુમાં વધુ મતદાન થાય તે માટે સંગઠનના કાર્યકરોને મહેનત કરવાનુ જણાવી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને મત આપવા અપીલ કરી હતી.
મોદી પરિવારની સભામાં ઉપસ્થિત ચુંટણી પ્રચારમાં ભાજપે જેમને વિસનગર સીટમાં વક્તા તરીકેની જવાબદારી સોપી છે તેવા જશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ કોઈ એક વ્યક્તિનો નહી પરંતુ દેશની જનતાનો વિચાર કર્યો છે. જેમની નજરમાં ૧૪૦ કરોડની જનતા તેમનો પરિવાર છે. ૨૦૧૪ અને ૨૦૧૯ માં સરકાર બનાવવાની ચિંતામાં લડતા હતા. આ વખતે ૪૦૦ પારનો સંકલ્પ છે ત્યારે ગુજરાતની તમામ સીટોમાં ભાજપના ઉમેદવારોને પાંચ લાખની લીડથી જીતાડીને ન મોકલીએ તો આપણે નગુણા કહેવાઈએ. વડાપ્રધાને જાત પાત સીવાય મુસ્લીમ સમાજના પણ કામ કર્યા છે. મુસ્લીમ બહેનો જે કાયદાથી રીબાતી હતી તે ત્રીપલ તલાક કાયદો રદ કર્યો છે. ૨૦૧૪ પહેલા દેશ વિશ્વમાં ૧૧ ક્રમે હતો. જ્યારે ૧૦ વર્ષના શાસનમાં પાંચમાં ક્રમે આવ્યો છે. અને ૨૦૨૪ પછી ત્રીજા ક્રમે લઈ જવાની મોદીની ગેરંટી છે. ત્યારે જીલ્લા સીટના ઉમેદવાર હરિભાઈ પટેલને પાંચ લાખ મતોથી જીતાડવાની આપણે ગેરંટી આપવાની છે. ત્યારેજ મોદીની કામગીરીને સાચા અર્થમાં બીરદાવાઈ કહેવાશે. ગામડામાં વડાપ્રધાનના શાસનમાં વિજળી, પાણી, શૌચાલય, ગેસ કનેક્શન, ગરીબોને મફત અનાજ, આવાસ યોજના વિગેરે યોજનાઓને જશુભાઈ પટેલે યાદ કરી ઋષિભાઈ પટેલ ૪૪૦૦૦ મતની લીડથી જીત્યા છે ત્યારે ૧ લાખ મતથી હરિભાઈ પટેલને લીડ આપી પાંચ લાખ મતથી જીતાડવા હાંકલ કરી હતી.
શહેરની આ સભામાં સાંકળચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, વિસનગર વિધાનસભા સીટના બીજા વક્તા રાજુભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, મહામંત્રી રણછોડભાઈ દેસાઈ, ખુશાલભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ મોતસિંહ પુરોહિત, પાલિકા સભ્યો તથા ત્રણ બોર્ડના મતદારો હાજર રહ્યા હતા. પ્રકાશભાઈ પટેલ યુનિવર્સિટીના ચેરમેન ઉપરાંત્ત તળ કડવા પાટીદાર સમાજના પણ પ્રમુખ છે. તેમને સભામાં બોલવાનો મોકો ન આપતા તેનો ગણગણાટ જોવા મળ્યો હતો. એક ટાવર વિસ્તારના કાર્યકરો દ્વારા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને પૂર્ણ કદનો હાર પહેરાવી સન્માન કર્યુ હતુ. જ્યારે અન્ય આગેવાનો તથા કાર્યકરો દ્વારા શાલ ઓઢાડી કેબીનેટ મંત્રીનુ સન્માન કર્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts