Select Page

પાયાના કાર્યકરોને અવગણી આયાતીઓને લાલ જાજમ ૩૭૦ ની છાતી ઠોકવામાં આવે છે તો કયા ડરથી કોંગ્રેસ નેતાઓને આવકારવા ભાજપ મજબૂર

પાયાના કાર્યકરોને અવગણી આયાતીઓને લાલ જાજમ ૩૭૦ ની છાતી ઠોકવામાં આવે છે તો કયા ડરથી કોંગ્રેસ નેતાઓને આવકારવા ભાજપ મજબૂર

તંત્રી સ્થાનેથી…
ભારતમાં એક એવો સમય હતો કે ભારતીય જનતા પાર્ટીનુ કોઈ અસ્તિત્વ નહોતુ. હિન્દુ વિચારધારાના કારણે અનેક કાર્યકરોની મહેનતથી આજ ભાજપ વિશ્વમાં સૌથી વધુ કાર્યકરો ધરાવતી પાર્ટી બની છે. ભાજપની મજબૂત ઈમારત બનાવવામાં પાયામાં કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની મહેનત જવાબદાર છે. એક નહી પરંતુ એવા તો અનેક કાર્યકરો છે જેમણે કોઈ હોદ્દા કે લાભનો મોહ રાખ્યા સીવાય પાર્ટીને ઉભી કરવામાં મહેનત કરી છે. પાયાના કાર્યકરોએ પાર્ટીના લાભની લાલચ વગર કોંગ્રેસના નેતાઓનો સામનો કર્યો છે. કોંગ્રેસના તપતા સુર્યના સમયે જાન માલનો વિચાર કર્યા વગર કાર્યકરોએ ભાજપના કાર્યક્રમોમાં ભાગ લીધો છે. મતદારો અને લોકો સુધી પહોંચેલા કાર્યકરોની મહેનતથી વર્ષ ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં ભાજપને ૩૦૨ બેઠકો સાથે નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (NDA) ગઠબંધને ૩૩૦ બેઠકો પ્રાપ્ત કરી હતી. વડાપ્રધાન મોદીના શાસનમાં દેશનો સર્વાંગી વિકાસ અને છેલ્લે અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના કારણે ભાજપ પ્રત્યે મતદારો આકર્ષાતા ૨૦૨૪ ની લોકસભામાં ૩૭૦ બેઠકોની ભાજપ છાતી ઠોકી રહ્યુ છે. એન.ડી.એ. ગઠબંધનને ૪૦૦ ઉપરાંત્ત સીટો મળવાનુ અનુમાન કરાય છે. વર્ષ ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ૧૮૨ સીટમાંથી ૧૫૬ સીટ ઉપર ભાજપના ઉમેદવારો જીત્યા હતા. ૨૦૧૯ ની લોકસભામાં ગુજરાતના તમામ ૨૬ સીટ ઉપર ભાજપના ઉમેદવાર વિજયી થયા હતા. આમ દેશના મતદારોનો મૂડ ભાજપ તરફે છે. લોકસભામાં ભાજપની જીત નિશ્ચિત જોવા મળી રહી છે. તેમ છતા ભાજપને એવો તે કયો ડર સતાવી રહ્યો છેકે, કોંગ્રેસના નેતાઓનો ભરતી મેળો શરૂ કર્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાંજ ગુજરાતમાં કોંગ્રેસમાંથી ૬૦ જેટલા નેતાએ ભાજપનો કેસરીયો ધારણ કરી ધારાસભ્યથી કેબીનેટ સુધીનુ સ્થાન મેળવ્યુ. લીલાધર વાઘેલા, પરબતભાઈ પટેલ, પૂનમ માડમ, દેવુસિંહ ચૌહાણ, રામસિંહ પરમાર, કુવરજી બાવળીયા, વિઠ્ઠલ રાદડીયા, જવાહર ચાવડા, બળવંતસિંહ રાજપૂત, નારાયણ રાઠવા જેવા ઘણા કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો ભાજપમાં સામેલ થયા. છેલ્લે કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.જે.ચાવડા, અર્જુન મોઢવાડીયા, ખંભાળીયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મુળુભાઈ કંડોરીયાએ કેસરીયો ધારણ કર્યો. આ નેતાઓ જ્યારે કોંગ્રેસમા હતા ત્યારે ભાજપને ભાંડવામા કંઈ બાકી રાખ્યુ નથી. અર્જુન મોઢવાડીયાનીજ વાત કરીએ તો હમણા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સમયેજ વડાપ્રધાન રાજીવ ગાંધીએ મંદિરના ભૂમિપૂજનની મંજુરી આપી હતી તેમ કહી ભાજપને આડે હાથે લીધુ હતુ. જેઓ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ વિરુધ્ધ પણ અભદ્ર ટીપ્પણી કરવાનુ ચુક્યા નથી. ભાજપને જેમણે મા બાપ ગણી પાલન પોષણ કરી સેવાઓ કરી છે તેવા કાર્યકરો માટે કોંગ્રેસના આ આયાતી નેતાઓ મા બાપને ગાળો બોલનાર દુશ્મન સમાન છે. અર્જુન મોઢવાડીયા પક્ષપલટો કરે તે પહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને દશ મિનિટ રાહ જોવડાવી હતી. કેસરીયો ધારણ કરવાના કાર્યક્રમમાં સી.આર.પાટીલ જ્યારે સ્ટેજ ઉપર ચડ્યા ત્યારે અન્ય નેતાઓ સાથે હાલ મીલાવ્યો હતો. પરંતુ કોંગ્રેસમાંથી આયાતી મોઢવાડીયા તેમજ અંબરીશ ડેર સાથે હસ્ત ધુનન કરવાનુ ટાળ્યુ હતુ. કેસરીયો ધારણ કરવાના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખનો આત્મા બોલ્યો હશે કે જે ઉચ્ચ હોદ્દા સુધી પહોચાડનાર કોંગ્રેસને વફાદાર રહ્યા નથી તે ભાજપને વફાદાર કંઈ રીતે રહેશે. પ્રદેશ પ્રમુખનુ સ્ટેજ ઉપર આવુ નારાજ વર્તન જોવા મળતુ હોય તો ભાજપના નાના કાર્યકરોનો આત્મા કેટલો દુભાતો હશે તે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ વિચારવાનુ છે. કોંગ્રેસ મુક્ત કરવાની ઘેલછામાં અત્યારે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયુ છે. કાર્યક્રમોમાં શેતરંજી પાથરવાથી માંડીને વિવિધ ચુંટણીઓમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરો અને નેતાઓની અત્યારે કોઈ ગણના થતી નથી અને કોંગ્રેસમાંથી આવનારને લાલ જાજમ પાથરવાની ભાજપની નીતિથી ઘણા કાર્યકરોનુ મોરલ ડાઉન થઈ રહ્યુ છે. પાર્ટી શિસ્તના સંસ્કાર ધરાવતા કાર્યકરોના કારણે અદની નેતાગીરીમાં કોઈ નારાજગી કે બળવો જોવા મળતો નથી. પરંતુ જો આજ રીતે ભરતી મેળો થતો રહેશે તો ભવિષ્યમાં શુ હાલત થશે તે ભાજપના કેન્દ્રના મોવડીઓએ વિચારવાનુ છે. મૂળ પાયાના કાર્યકરોને આગળ લાવવાનો અભિગમ અપનાવવામાં આવશે તોજ ભાજપ લાબો સમય ટકી રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts