અતિરેક મનુષ્ય માટે નુકશાનકારક સાબીત થાય છે
તંત્રી સ્થાનેથી…
વધુ પડતા લાડ લડાવવાથી છોરુ કછોરુ બને છે
કવિ સુરદાસે અતિની કોઈ ગતિ નથી એ ઉપર દેશી ભાષામાં કાવ્ય લખ્યું છે. તે કાવ્યમાં કંઈ પણ વસ્તુ તેના નિયમન કરતાં વધારે કરવામાં આવે તો શું નુકશાન થાય છે તે સમજાવ્યું છે. કોઈપણ વસ્તુનો અતિરેક મનુષ્ય માટે હાનિકારક સાબિત થાય છે. કોઈપણ કાર્ય તેની મર્યાદામાં કરવામાં આવે તો સફળતા મળે છે. કોઈપણ ચીજનો અતિરેક બહુ સારો નહિ તથા શોભતો પણ નથી. અતિરેક ઝેર સમાન છે. જેવી રીતે વધારે પડતું મીઠું ખાવું તે અનેક રોગોને આમંત્રણ આપે છે. વધારે પડતી સાકર પણ રોગનું ઘર છે. વધુ પડતું ધુમ્રપાન કેન્સરને આવકારે છે. કોઈપણ વસ્તુનો અતિરેક માનવીને વિનાશ તરફ લઈ જાય છે. વધુ પડતા લાડ કરવાથી છોકરાં બગડી જઈ કછોરુ બની જાય છે. એકનો એક લાડકવાયો છોકરો હોય અને ઘરમાં ગમે તેટલું નુકશાન કરે તો માતા-પિતા કદિ આંખ બતાવતા નથી, લાપોટ ઝાપોટ કરતા નથી. આવા ઉછરેલા છોકરાઓ મોટા થઈ પિતાની લાકડીનો ટેકો બનવાને બદલે લાકડી ઝૂંટવી વૃદ્ધાશ્રમમાં પહોંચાડવા સુધીનું કાર્ય કરે છે. ત્યારે મા-બાપની જીવન સંધ્યામાં ઝંઝાવાત ઉઠે છે. વધુ પડતો પૈસો ન પચાવી શકનાર માનવીને ઘમંડી અને અભિમાની બનાવી દે છે ત્યારે એમ લાગે છે કે આ માણસ નથી પણ પૈસો બોલે છે. વધારે પડતો સંબંધ રાખવાથી સંબંધી પાસે અપેક્ષાનો જન્મ થાય છે. જેટલા સંબંધો ઘનિષ્ટ તેટલા સંબંધો બગડવાની ભિતી રહે છે. સંબંધો બગડવામાં કશું બાકી રહેતુ નથી. કુદરતમાં પણ અતિરેક થવાથી કુદરત નુકશાન કરે છે. અતિવૃષ્ટિ થતાં પાકને નુકશાન થાય છે. લોકોના માલમિલકત-જાનને નુકશાન પહોંચે છે. અત્યારે વધુ પડતો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નુકશાન કરી રહ્યો છે. વધુ પડતી ગરમી પડતાં અબોલા પક્ષીઓ મૃત્યુ પામે છે. અતિગરમીથી માનવી અને જાનવરોને લૂ લાગવાથી મૃત્યુ પામે છે. અતિ ઠંડી પડવાથી મનુષ્યને નુકશાન કરે છે. હિમવર્ષા થતાં માનવીના તથા જાનવરોની જાનહાનિ થતી હોય છે. વધુ પડતો ધરતીકંપ જાનમાલને નુકશાન કરી અનેક વ્યક્તિઓના જીવ લે છે. પરીક્ષા આપતા પહેલાં વિદ્યાર્થીઓ વધુ પડતા ઉજાગરા કરી મગજને થકવી નાંખે છે, જેથી ઉત્તરવાહી બરાબર લખી ન શકવાને કારણે નાપાસ થાય છે. ઓછા ગુણથી પાસ થતાં કોલેજ પ્રવેશમાં મુશ્કેલીઓ ઉભી થાય છે. કોઈપણ અતિરેક કરવાથી અને તેની મર્યાદા ઓળંગવાથી વ્યક્તિને પોતાનેજ નુકશાન થાય છે. પોતાની શક્તિ કરતાં વધુ પડતું કામ કરવાથી થાકના કારણે તબિયત ઉપર અસર થાય છે. તથા માનસિક તણાવથી પીડાય છે. વધુ પડતી ઊંઘ એ સ્થૂળતા લાવે છે. વધુ પડતો ખોરાક પણ સ્થૂળતા લાવે છે. વધુ પડતી ક્રિકેટની મેચ રમતા ખેલાડીઓ ઉપર વધુ અપેક્ષાઓથી માનસિક તથા શારીરિક અસરથી ટીમ હારી પણ જાય છે. ઘણા લોકો પ્રવર્તમાન ફાસ્ટફૂડ તરફ વળેલા છે. આ ફાસ્ટફૂડ ખાવાથી તબિયત ઉપર અસર થાય છે. ર્ડાક્ટરની સલાહ મુજબ મદ્યપાન કરવામાં આવે તો તે શરીર માટે સારુ રહે છે. વધુ પડતું મદ્યપાન શારીરિક અને આર્થીક પાયમાલી લાવે છે. વધુ પડતું મદ્યપાન વ્યક્તિને સમાજમાં નીચો દેખાડે છે. માટે દરેક વસ્તુનો અતિરેક તે ઘણો ખરાબ છે.