Select Page

રૂા.૫ લાખના કથીત તોડકાંડ બાદ પોલીસ સુષુપ્ત થઈ ગઈ હતી પી.આઈ.ગઢવીએ ચાર્જ સંભાળતાજ જુગારની રેડનો ધમધમાટ

ડબ્બા ટ્રેડીંગના આરોપીઓને બચાવવામાં પાંચ લાખ રૂપિયાના કથીત તોડકાંડના આક્ષેપથી વિસનગર પોલીસ સુષુપ્ત બની ગઈ હતી. પોલીસના ડરનો લાભ લેતા દારૂ જુગારના અડ્ડા ચલાવતા સંચાલકોને ઘી કેળા થઈ ગયા હતા. પોલીસ વિરુધ્ધ બુટલેગરોની સિન્ડિકેટથી બેખૌફ દારૂ જુગારના અડ્ડા ધમધમતા હતા. તોડકાંડના વિવાદાસ્પદ પી.આઈ.સીસોદીયાની બદલી થતા એ.એન.ગઢવીએ સીટી પોલીસ સ્ટેશનમાં પી.આઈ.નો ચાર્જ સંભાળતાજ ચાર દિવસમાં જુગારની છ રેડ કરતા અસમાજીક પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સાથે સાથે એ પણ ચર્ચા થઈ રહી છેકે જો પોલીસ અધિકારી વિરુધ્ધ એક્શન લેવાય તો તોડકાંડમાં સંડોવાયેલા ભાજપના હોદ્દેદાર વિરુધ્ધ કેમ એક્શન લેવામાં આવતી નથી.
ચાર દિવસમાં જુગારની પાંચ રેડ કરી ૧૩ આરોપીઓ ઝડપી રૂા.૩૮,૨૦૦/- મુદ્દામાલ જપ્ત કર્યો
વિસનગર શહેર અને તાલુકાના ગામડામાં લોકોની સાથે શેરબજારના નામે છેતરપીંડી કરતો ડબ્બા ટ્રેડીંગનો ગોરખધંધો ફુલ્યો ફાલ્યો છે. થોડા સમય અગાઉ હરિયાણા પોલીસ ડબ્બા ટ્રેડીંગના આરોપીઓને પકડવા આવતા કાયદાની ચુંગાલમાંથી બચવા માટે પાંચ લાખ રૂપિયાની લેતી દેતી થઈ હતી. એવામાં પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર જુગારની રેડમાં પકડાતા તોડકાંડનો મુદ્દો ચગ્યો હતો. તોડકાંડનો ઓડિયો વાયરલ થતાજ પોલીસ સકંજામાં આવી ગઈ હતી. પોલીસ સામે બાથ ભીડવા વિસનગરમાં દારૂ જુગારના બુટલેગરોની સિન્ડિકેટ બની હતી. તોડકાંડની ચર્ચા અને ઓડિયો વાયરલ થતાજ પી.આઈ. ઓ.પી.સીસોદીયાની ટીમ દારૂ જુગારની બદી સામે સુષુપ્ત બની હતી. ભાજપ તોડકાંડમાં સંડોવાયેલા પોલીસ અને જુગારમાં પકડાયેલા હોદ્દેદાર બન્ને વિરુધ્ધ કાર્યવાહી કરશે તેવી ચર્ચા હતી. પરંતુ પી.આઈ. ઓ.પી. સીસોદીયાની ખેરાલુ સી.પી.આઈ. તરીકે બદલી થઈ. જેમની જગ્યાએ વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં એ.એન.ગઢવીએ પી.આઈ.નો ચાર્જ સંભાળી લીધો છે.
એ.એન.ગઢવી અગાઉ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નિડર અને બાહોશ અધિકારી તરીકે પી.એસ.આઈ.ની જવાબદારી સંભાળી ચુક્યા છે. જેઓ વિસનગર સીટીથી પણ એટલાજ અનુભવી છે. પી.આઈ.ગઢવીએ ચાર્જ સંભાળતાજ તોડકાંડના ડરથી સુષુપ્ત બનેલી પોલીસમાં હિંમત આવતા જુગારની રેડનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તા.૨-૩-૨૪ ના રોજ દેશી દારૂ અને જુગાની અસમાજીક પ્રવૃત્તિથી બદનામ બહુચરનગર વૉહના છાપરામાં ગંજી પાનાનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પી.એસ.આઈ. એચ.બી.ચૌધરીએ રેડ કરી અશ્વીનજી દિવાનજી ઠાકોર, વિક્રમજી અમરજી ઠાકોર, અનીલભાઈ નરોત્તમભાઈ દેવીપૂજક તથા યોગેશજી ખેંગારજી ઉર્ફે ડેગાજી ઠાકોરને રૂા.૧૧૨૦૦/- ની રોકડ સાથે ઝડપ્યા હતા.
તા.૪-૩-૨૪ ના રોજ પી.એસ.આઈ. એન.એન.ગોહેલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે લાલ દરવાજા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે રેડ કરી મુખ્તીયારશા ભીખુશા દિવાન, અબ્દુલ ઉર્ફે કાલુભાઈ અકબરભાઈ અબ્દુલભાઈ શેખ તથા ઈમરાન ઉર્ફે ટેલર ખલીલભાઈ મેમણને રૂા.૨૧૫૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. તા.૪-૩-૨૪ ના રોજ ગુંદીખાડ ઝાંપલીપોળ પાસે રેડ કરી સુંશી ગામનો દિનેશભાઈ જોઈતાભાઈ ચમારને વરલી મટકાનો જુગાર રમાડતા રૂા.૭૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપ્યો હતો. તા.૪-૩-૨૪ ના રોજ સવાલા દરવાજા પંચાલ માર્કેટ પાસે વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે રેડ કરી મહેસાણા તળેટી રાવળવાસનો કાળુભાઈ કાન્તીભાઈ રાવળને રૂા.૩૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપ્યો હતો. તા.૫-૪-૨૩ ના રોજ સુંશી ગામમાં તળાવ પાસે કેટલાક ગંજી પાનાનો જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરી સુંશી રાજપૂતવાસનો અનુપસિંહ ચંદુજી રાજપૂત તથા વિસનગર કડા દરવાજાનો સોહિલખાન સિકંદરખાન શેખને રૂા.૧૬૨૦/- નો મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.
જ્યારે પી.એસ.આઈ. એન.એન. ગોહેલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે લાલ દરવાજા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે રેડ કરી વડનગર તાલુકાના જાસ્કા ગામનો અશોકભાઈ મણીલાલ પટેલ તથા વિસનગર ફતેહ દરવાજા વણકરવાસનો મુકેશભાઈ ત્રીભોવનદાસ વણકરને રૂા.૨૭૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.
તોડકાંડ બાદ ડરી ગયેલી વિસનગર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી જુગારની રેડ કરવાનુ બંધ કરવામાં આવ્યુ હતુ. પરંતુ દબંગ અધિકારી ગણાતા એ.એન.ગઢવીએ પી.આઈ.નો ચાર્જ સંભાળતાજ વિસનગર પોલીસ ટીમમાં એક જુસ્સો જોવા મળી રહ્યો છે. તોડકાંડ બાદ બુટલેગરો પોલીસ સામે આંખ કાઢતા હતા. હવે પોલીસ બેવડા જોરથી અસમાજીક પ્રવૃત્તિઓ ડામવા હરકતમાં આવતા બુટલેગરોમાં ફફડા ફેલાયો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us