Select Page

૧૦ ટકાથી એબૉવ ટેન્ડર મંજુરી માટે આર.સી.એમ.માં મોકલવામાં આવશે ગંજબજાર વરસાદી પાઈપલાઈન યોજના ઉપર લટકતી તલવાર

૧૦ ટકાથી એબૉવ ટેન્ડર મંજુરી માટે આર.સી.એમ.માં મોકલવામાં આવશે ગંજબજાર વરસાદી પાઈપલાઈન યોજના ઉપર લટકતી તલવાર

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં પાલિકાએ ૪.૫૦ કરોડની માતબર રકમની ગ્રાન્ટ ફાળવવા છતા ગંજબજાર વરસાદી પાઈપલાઈન યોજનાનુ કામ શરૂ નહી થતા અનેક વિવાદો સર્જાયા છે. ચોમાસુ પાણી ભરાતા ગંજબજાર વેપારી મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડતા તેમાં પાંચ વેપારીઓનો ભોગ લેવાયો. પાલિકા દ્વારા બીજા પ્રયત્નનુ ટેન્ડરીંગ કરવા છતા હજુ આ યોજના ઉપર લટકતી તલવાર કહી શકાય. કેબીનેટ મંત્રી જો ધ્યાન નહી રાખે તો ત્રીજી વખત ટેન્ડરીંગ કરવાની નોબત આવશે અને વર્ષ ૨૦૨૫ સુધીના ચોમાસા સુધી પણ પાઈપલાઈન કામ પૂરુ ન થાય તેવા હાલમાં સંજોગો જોવા મળી રહ્યા છે.
વિસનગર ગંજબજાર અને બહારના વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં ફળવાયેલ પાલિકાની ગ્રાન્ટમાંથી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં રૂા.૪.૫૦ કરોડના ખર્ચે પાઈપલાઈન માટે ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. પાલિકા દ્વારા તા.૧૧-૩-૨૪ ના રોજ પ્રથમ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવતા ચાર વર્ષથી ભરાતા વરસાદી પાણીનો નિકાલ થશે તેવી વેપારીઓમાં આશા બંધાઈ હતી. પરંતુ રૂા.૪.૩૨ કરોડનુ વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા એસ.ઓ.આર. પ્રમાણે પાડવામાં આવેલ ટેન્ડર ૩૦ ટકા એબૉવ આવતા અને તેમાં પણ ૧૮ ટકા જી.એસ.ટી. ખર્ચ સાથે કુલ ૪૮ ટકાએ ટેન્ડર પહોચતા કારોબારીએ નામંજુર કર્યુ હતુ.
પ્રથમ ટેન્ડરની તારીખથી એક માસ બાદ ટેન્ડર ખોલવામાં આવ્યુ. જેને નામંજુર કરી બીજુ ટેન્ડરીંગ કરવાની કાર્યવાહીમાં બે માસનો સમય થતા જુલાઈ-૨૦૨૪ ના પ્રથમ વિકમાં બીજી વખત ટેન્ડર પાડવામાં આવ્યુ હતુ. ટેન્ડરીંગના એક માસ બાદ તા.૨-૮-૨૪ ના રોજ ૩૦ દિવસમાં કુલ ચાર એજન્સીએ ટેન્ડર ભર્યુ હતુ. જેમાં રાજ કોર્પોરેશન ઉંઝા ૧૫.૨૯ ટકા, ઘનશ્યામ કન્સ્ટ્રક્શન કંપની – મહેસાણા ૧૮.૨૧ ટકા, જય વરૂડી ઈન્ફ્રાકોન પ્રા.લી. અમદાવાદ ૧૮.૫૧ ટકા અને અરહમ બીલ્ડકોન પાટણ ૨૨.૦૫ ટકા એબૉવ ટેન્ડર ખુલ્યા હતા. નેગોશિએશન બાદ રાજ કોર્પોરેશન ૦.૨૯ ટકા ઘટતા આ ટેન્ડર કારોબારીએ મંજુર કર્યુ હતુ. ૧૦ ટકા કે તેનાથી ઓછુ એબૉવ ટેન્ડર હોય તો પાલિકાનેજ મંજુર કરવાનુ થાય છે અને ત્યારબાદ વર્ક ઓર્ડરની પ્રોશેસ હોય છે. એલ.વન એજન્સી રાજ કોર્પોરેશનને પાંચ ટકા નીચે ઉતરવા ઘણા પ્રયત્નો થયા પરંતુ ફક્ત ૦.૨૯ ટકા ઘટતા હવે આ ટેન્ડર મંજુરી માટે પ્રાદેશિક કમિશ્નર કચેરી ગાંધીનગરમાં મોકલવામાં આવશે.
૧૦ ટકા કે તેથી વધુ એબૉવનુ ટેન્ડર મંજુરી માટે પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં મોકલવાનુ થાય છે. ગંજબજાર વરસાદી પાણીની પાઈપલાઈનનુ ટેન્ડર ૧૫ ટકા એબૉવ હોવાથી હવે પાલિકાને મંજુરીની વધારાની પ્રોશેસ વધી છે. જેમાં એક માસનો સમય તો સામાન્ય રીતે થાય છે. માર્ગ મકાન વિભાગની કમિટિ ભાવોનુ પૃથ્થકરણ કરી ચર્ચા વિચારણાના અંતે ટેન્ડરની રકમમા કાપકુપ કરશેજ. પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા સુચવેલ રકમનુ ટેન્ડર એજન્સી નહી સ્વિકારે તો ફરીથી નવેસરથી સમગ્ર ટેન્ડરીંગની પ્રોશેસ કરવી પડે તેવી પુરેપુરી શક્યતા છે. અત્યાર સુધી આર.સી.એમ.માં મોટા ભાગના એબૉવ ટેન્ડરમાં ભાવ ઘટાડ્યા છે. જેથી આ પાઈપલાઈન યોજનાના બીજી વખતના ટેન્ડરમાં પણ લટકતી તલવાર કહી શકાય.
ગંજબજારથી વિશાલ પાર્ટીપ્લોટ સુધીના રૂા.૪.૩૨ કરોડના ટેન્ડરમાં ખોદકામ, પાઈપલાઈન, કુંડીઓ, ખોદકામ કર્યુ હોય ત્યા રોડ બનાવવા સુધીના ખર્ચનો સમાવેશ છે. ચાલુ ચોમાસામા ગંજ બજારમાં પાણી ભરાતા તેનો ભારે વિવાદ થયો હતો. વેપારી મંડળ દ્વારા અચોક્કસ મુદત માટે બંધનુ એલાન કરવામાં આવ્યુ હતુ. બજાર સમિતિએ પાંચ વેપારીઓના લાયસન્સ રદ કરતા છેવટે આકરા વલણ બાદ ગંજબજારનુ કામ શરૂ થયુ હતુ. આટલા વિવાદ બાદ હજુ પણ આ પાઈપલાઈન યોજના અધ્ધરતાલ કહી શકાય. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ વગનો ઉપયોગ કરી પ્રાદેશિક કમિશ્નર કચેરી ટેન્ડરમાં ભાવ કાપે નહી તેમજ પાલિકા દ્વારા કરવામાં આવેલ ટેન્ડરની દરખાસ્ત ઝડપથી મંજુર થાય તેવો પ્રયત્ન નહી કરે અને ત્રીજી વખત ટેન્ડરીંગ કરવાની નોબત આવશે તો આવતા ચોમાસા સુધી પણ આ યોજના પૂર્ણ નહી થાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts