Select Page

વિસનગરમાં રખડતા ઢોર પકડવાનો વર્કઓર્ડર અપાશે

વિસનગરમાં રખડતા ઢોર પકડવાનો વર્કઓર્ડર અપાશે

પ્રમુખ વર્ષાબેન પટેલ અને ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીએ અંગત રસ દાખવ્યો

વિસનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થાય તેવી કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી છે. કોપરસીટી મરચન્ટ એસો.એ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા આંદોલનનુ અલ્ટીમેટમ આપતાજ પાલિકા તંત્ર દોડતુ થયુ છે. પ્રમુખ વર્ષાબેન પટેલ અને ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીએ અંગત રસ દાખવતા કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવશે. શહેરમાં રખડતા ઢોર પકડી દુરના પાંજરાપોળમાં મુકી આવવામાં આવશે અને ઢોર પકડવાની કામગીરીમાં રૂકાવટ કરશે તેમના વિરુધ્ધ પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.
વિસનગરમાં રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ ખુબજ વધી ગયો છે. રખડતા ઢોરના કારણે અકસ્માતના અનેક બનાવો બને છે. પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા કોપરસીટી મરચન્ટ એસો.ના પ્રમુખ પટેલ કિર્તિભાઈ કલાનિકેતનની આગેવાનીમાં ચીફ ઓફીસરને આવેદન આપી ઘટતી કાર્યવાહી નહી થાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. કોપરસીટી મરચન્ટ એસો.ની ચીમકી બાદ પાલિકા તંત્ર દોડતુ થયુ છે અને ઢોર પકડવાનો વર્કઓર્ડર આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં રખડતા ઢોર પકડવાની કાર્યવાહી બાબતે ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીએ જણાવ્યુ છેકે, મહેસાણા અને ઉંઝા પાલિકાની પેટર્ન આભારે વર્કઓર્ડર આપવામાં આવશે. જેમાં એક ઢોર પકડવાની મજુરી પેટે રૂા.૩૦૦૦/- તથા અમદાવાદ, ડીસા, મોડાસા સહિતની પાંચ પાંજરાપોળમાં જ્યા ઢોર મુકવામાં આવશે તે પાંજરાપોળને ઢોર દીઠ રૂા.૩૦૦૦/- અનુદાન આપવામાં આવશે. ચીફ ઓફીસરે એ પણ જણાવ્યુ હતું કે, વિસનગર પાંજરાપોળમાં ૯૦૦ ની ક્ષમતા સામે ૧૨૦૦ જેટલા ઢોરનો નિભાવ થાય છે. તેમ છતા સહકાર આપવાની સંમતી આપી છે.
પકડાયેલા ઢોર પાંજરાપોળ સુધી પહોચે તેની પણ ચોકસાઈ રાખવામાં આવી છે. જે બાબતે ચીફ ઓફીસરે જણાવ્યુ છેકે પ્રથમ વિસનગરથી ઢોર પકડીને દિપરા દરવાજા ઢાળ સામે ઉમિયા રેસીડન્સી પાસે આવેલ કમ્પાઉન્ડ વૉલવાળી પાલિકાની જગ્યામાં ઢોર મુકવામાં આવશે. જ્યાંથી કોન્ટ્રાક્ટર ઢોર ટ્રકમાં ભરી પાંજરાપોળમાં મુકવા જશે. કોન્ટ્રાક્ટર સાથે પાલિકાના વાહનો અને કર્મચારીઓનુ પાયલોટીંગ રહેશે. જે પાંજરાપોળમાં ઢોર મુકવામાં આવશે તે પાંજરાપોળની પાવતી આધારે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપવામાં આવશે. ફેબ્રુઆરી, માર્ચ-૨૦૨૩ થી પ્રથમ ટેન્ડરીંગ કર્યા બાદ પાંચમાં પ્રયત્ને કોન્ટ્રાક્ટર તૈયાર થયો હોવાનુ પણ જણાવ્યુ હતુ.
દિવસે ઢોર પકડવાના કારણે ખોટી દોડધામ ન થાય અને અકસ્માત ન થાય તે માટે રાત્રીના સમયે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી થશે. પોલીસ પ્રોટેક્શન સાથે ઢોર પકડવામાં આવશે અને કામગીરીમાં રૂાકાવટ કે ખોટુ ઘર્ષણ કરનાર વિરુધ્ધ પાલિકા દ્વારા ફરજમાં રૂકાવટની ફરિયાદ કરવામાં આવશે. માલિકીના પકડાયેલા ઢોર છોડાવવા આવે તો રૂા.૫૦૦૦/- દંડ લઈ ઢોર આપવામાં આવશે. જેની સાથે ફરીથી ઢોર રખડતા નહી મુકે તેની બાહેધરી પત્ર પણ લેવામાં આવશે. બાહેધરી આપ્યા બાદ ફરીથી ઢોર રખડતા મળશે તો તેના માલિક વિરુધ્ધ સી.આર.પી.સી. ૧૩૩ અન્વયે પાલિકા દ્વારા ફરિયાદ કરવામાં આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us