વિસનગર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિમાં પ્રમુખ કોંગ્રેસના બનશે
વિકાસ કમિશ્નરે જાહેર કરેલ અનામત કેટેગરીમાં અનુ.જાતિ મહિલા માટે પ્રમુખની સીટ ફળવાઈ
• સોશિયલ મીડિયામાં કટાક્ષ : ભલુ થજો સંવિધાનનુ નહીતો આ ભાજપ નાના સમાજોને તકજ ન આપે
• પ્રમુખની રેસમાં રહેનારા પુરુષ ઉમેદવારોમાં વ્યાપક નિરાશા
• તાલુકા ભાજપની નેતાગીરીમાં દિર્ઘદ્રષ્ટીના અભાવથી બહુમતિ હોવા છતા પ્રમુખ પદ ગુમાવશે
વિસનગર તાલુકા પંચાયતમાં પ્રમુખનો તાજ પહેરવાની આશા રાખીને બેઠેલા ભાજપના પુરુષ ઉમેદવારો અત્યારે દ્રાક્ષ ખાટી છેની જેમ ‘ભલુ થયુ ભાગી જંજાળ સુખે ભજશું શ્રીગોપાળ’ ભક્ત કવિ નરસૈયાના કથનનુ રટણ કરી રહ્યા છે. વિકાસ કમિશ્નરે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત કેટેગરી જાહેર કરતા વિસનગર તાલુકા પંચાયતમાં પ્રમુખની અનુસુચિત જાતિ મહિલા સીટ જાહેર થતાજ તાલુકા ભાજપની નેતાગીરી ઉંધા માથે પછડાઈ છે. ભાજપના ૧૭ સભ્યોની બહુમતી હોવા છતા કોંગ્રેસના મહિલા સભ્યને ફરજીયાત પ્રમુખ પદ આપવાની નોબત આવી છે. બીજી બાજુ સોશિયલ મીડિયામાં કટાક્ષ થઈ રહ્યો છે કે ભલુ થજો સંવિધાનનુ નહીતો ભાજપ નાના સમાજોને તકજ ક્યાંથી આપે?
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખની પ્રથમ અઢી વર્ષની ટર્મ પુરી થવાની હોઈ ચુંટણી પંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી ૧૫ સપ્ટેમ્બર પહેલા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી પ્રક્રિયા થવાની હોઈ વિસનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ મેળવવા લોબીંગ શરૂ થઈ ગયુ હતુ. તાલુકા પંચાયતના પ્રમુખ પદે સુમિત્રાબેન કિરીટભાઈ પટેલની મુદત બાદ બીજા અઢી વર્ષ માટે પટેલ સમાજના પ્રમુખ બને તેવી પુરેપુરી શક્યતા હતી. જેમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, ઉદલપુરના બાવન કડવા પાટીદાર સમાજના સદસ્ય મુકેશભાઈ પટેલ અને જેતલવાસણા સીટના બીપીનભાઈ પટેલ બોકરવાડા છેલ્લા ૬ મહિનાથી પ્રમુખ પદ માટે દોડધામ તેમજ પુરી તૈયારીઓ કરીને બેઠા હતા. વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ પ્રમુખપદની દાવેદારીનો દોર શરૂ થઈ ગયો હતો ત્યારે વિકાસ કમિશ્નર દ્વારા પ્રમુખ પદ માટે જાહેર કરવામાં આવેલ રોટેશનમાં વિસનગર તાલુકા પંચાયત પ્રમુખની સીટ અનુસુચિત જાતિ મહિલા માટે અનામત ફાળવવામાં આવતા પ્રમુખ બનવાની તૈયારી કરતા પુરુષ ઉમેદવારોનું સપનું રોળાયુ છે.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હોમટાઉનમાજ તાલુકા પંચાયતના પ્રમુખપદને લઈ કોકડુ ગુંચવાયુ છે. દિર્ઘદ્રષ્ટીના અભાવે તાલુકા ભાજપની નેતાગીરી ઉંધા માથે પછડાઈ છે. કારણકે ભાજપ પાસે અત્યારે બહુમતિ તો છે પરંતુ અનુ.જાતિ સ્ત્રી સભ્ય એક પણ નથી. વિસનગર તાલુકા પંચાયતની ૨૪ સીટમાં ભાજપના ૧૭, કોંગ્રેસના ૬ અને આમ આદમી પાર્ટીના એક સભ્ય છે. તાલુકા પંચાયતમાં નવા રોટેશનમાં મહિલા અનામત કાયદાનો ભંગ થયો છે. પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદ સ્ત્રી અનામત હતુ. જ્યારે નવા રોટેશનથી બીજા અઢી વર્ષ પણ અનુ.જાતિના સ્ત્રી સભ્ય પ્રમુખ બનશે.
નવુ રોટેશન જાહેર થતાજ અત્યારે કોંગ્રેસ ગેલમાં આવી ગયુ છે. કારણકે લઘુમતિમાં હોવા છતા પ્રમુખ પદ મળવાનુ છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સરકારમાં કેબીનેટ મંત્રી હોવા છતા નવા રોટેશનમાં પ્રમુખ પદ અનુ.જાતિ મહિલાને ફળવાતા રાજકીય આગેવાનોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ભાજપ પાસે અનુ.જાતિના એકપણ મહિલા સભ્ય નહી હોવાથી તાલુકા પંચાયતની પુદગામ સીટના કોંગ્રેસના મહિલા સદસ્યા પુષ્પાબેન ચંદ્રેશકુમાર વણકર તાલુકા પંચાયતના બીનહરિફ પ્રમુખ બનશે. તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિ હોવા છતા કોંગ્રેસના મહિલા સદસ્યા પ્રમુખ બને તેવી નોબત આવતા મંત્રી ઋષિભાઈ પટેલની નેતાગીરી સામે શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.