આરોગ્ય મંત્રીની ઝુંબેશમાં પાલિકાની સ્વચ્છતામાં નિષ્ક્રીયતાની પોલ ખુલી
હોમ ટાઉનમા ત્રણ દિવસના રોકાણ દરમ્યાન આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે સ્વચ્છતા ઝુંબેશ આદરી હતી. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં સફાઈ અભિયાનને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતુ. જ્યા ગંદકી કાયમ રહેતી હોય તે વિસ્તારોનેજ સફાઈ માટે પસંદ કર્યા હતા. ત્યારે આરોગ્ય મંત્રીની આ ઝુંબેશમાં પાલિકાની સ્વચ્છતા પ્રત્યે નિષ્ક્રીયતાની પોલ ખુલી હતી. સ્વચ્છતા ચેરમેન જગદીશભાઈ પટેલ આરોગ્ય મંત્રીની સાથે આગળને આગળ રહેતા હતા. ત્યારે શહેરીજનોમાં ટીકા થઈ હતી કે આવી રીતે સ્વચ્છતાની કામગીરીમાં આગળને આગળ રહ્યા હોત તો આરોગ્ય મંત્રીનુ શહેર સ્વચ્છતામાં દાખલારૂપ શહેર બની ગયુ હોત.
વિસનગરમાં જાહેર રોડ સીવાયના અંદરના ઘણા વિસ્તારોમાં ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળે છે. અત્યારે ચાંદીપુરા રોગના કેસો વધી રહ્યા છે ત્યારે શહેરમાં ફેલાયેલી ગંદકીને લઈ ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્વચ્છતામાં ખાડે ગયેલી પરિસ્થિતિ જોઈ ખુદ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને શહેરની સ્વચ્છતા માટે ગ્રાઉન્ડ લેવલે ઉતરવાની ફરજ પડી હતી. આરોગ્ય મંત્રીએ શહેરના તમામ ૯ વોર્ડમાં સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં સ્લમ વિસ્તારમાંથી ગંદકી દૂર કરવાનુ પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતુ.
પાલિકાની ટીમ સાથે આરોગ્ય મંત્રીએ પ્રથમ ત્રણ દરવાજા ટાવર પાસે બજરંગ ચોકમાં આવેલ પ્રતિમાઓને પાણીથી ધોઈ સફાઈ કરી હતી. જ્યાં ફૂવારા આસપાસ દૂર્ગંધ મારતી ગંદકી જોતા સફાઈ કરી ફુવારાનો ભાગ દૂર કરવા માટે પાલિકાને સૂચના આપી હતી. ગૌરવ પથ રોડ ઉપર જ્યાં પાણી ભરાયા હતા ત્યા પાણીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરાયો હતો. સ્વચ્છતા ઝુંબેશમાં એસ.ટી. સ્ટેન્ડ વિસ્તારમાં આરોગ્ય મંત્રી પહોચતા ડેપોની અંદર અને આસપાસની ગંદકી જોઈ આરોગ્ય મંત્રી ભડક્યા હતા. ડેપો મેનેજરને તતડાવી ૧૦ દિવસમાં ગંદકી દૂર કરવા માટે કડક સૂચના આપી હતી. કેટલીક જગ્યાએ આરોગ્ય મંત્રીએ જાતે દવાનો છંટકાવ કરી સ્વચ્છતા માટે જાગૃત રહેવા પાલિકાના ચુંટાયેલા હોદ્દેદારો અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ. ચોમાસામાં રોડ ઉપર ખાડા પડવાથી લોકોને પડતી હાલાકી જોઈ તાત્કાલીક ખાડા પૂરવામાં આવ્યા હતા. પટણી દરવાજા સાર્વજનિક સ્મશાન, મંકાળેશ્વર મહાદેવ મંદિરના રોડ ઉપર ખડકાયેલા ગંદકીના ઢગ તાત્કાલીક દૂર કરવા માટે પણ પાલિકાને જણાવ્યુ હતુ. આ દરમ્યાન મંકાળેશ્વર મહાદેવમાં આરોગ્ય મંત્રીએ શિવલીંગને અભિષેક કરી પુજા કરી હતી. દેળીયા તળવાની મુલાકાત લઈ તળાવની સ્વચ્છતા અને વિકાસ માટે ચર્ચા કરી હતી. જ્યા વધારે પ્રમાણમાં ગંદકી રહેતી હતી તેવા વોર્ડ અને વિસ્તારોજ પસંદ કરવામાં આવ્યા હતા. કેટલાક વિસ્તારોમા તો વર્ષોથી સ્વચ્છતાજ થતી ન હોય તેવી ગંદકી જોતા પાલિકાની સ્વચ્છતામાં નિષ્ક્રીયતાની પોલ ખુલી પડી હતી. કેટલીક જગ્યાએ તો નાક ઉપર રૂમાલ ઢાંકવા મજબુર બનવુ પડે તેટલી દુર્ગંધ મારતી હતી. સ્વચ્છતા પાછળ લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ પાલિકાની નિષ્કાળજીથી શહેરમાં કચરાના ઢગ ખડકાયેલા રહેતા હોવાથી આરોગ્ય મંત્રી મહિનામાં એકાદ દિવસ ચાલતા નહી પરંતુ કારમાં બેસી ગંદકી ધરાવતા વિસ્તારોની મુલાકાત લે તેવી લોકોમાં લાગણી હતી.
સ્વચ્છતા ચેરમેન જગદીશભાઈ પટેલ જેટલા વોટર વર્કસ ચેરમેન તરીકે સક્રિય હતા તેટલો ઉત્સાહ નહી દાખવતા અનેક જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે. સ્વચ્છતા ઝુંબેશમાં સ્વચ્છતા ચેરમેન આરોગ્ય મંત્રીની જોડે ને જોડેજ ફરતા હતા અને દવાનો છંટકાવ કરતા હતા. જે જોઈ લોકોએ ટીકા કરી હતી કે આવી રીતે સ્વચ્છતા ચેરમેન પોતાની જવાબદારીમાં ઉત્સાહ દાખવ્યો હોત તો શહેરની આ પરિસ્થિતિ થઈ ન હોત.