ગાયકવાડ વખતથી નાળુ અને ઉપર વાહનો માટે રસ્તો હતો
પટણી દરવાજા રેલ્વે નાળુ પહોળુ કરવા સાંસદ હરિભાઈ પટેલને રજૂઆત
વિસનગરમા ગંજબજાર ફાટક ઉપર ટ્રાફિક ચક્કાજામ થતા પટણી દરવાજા સાર્વજનિક સ્મશાન ગૃહ પાસેનુ રેલ્વે નાળુ પહોળુ કરવા હવે જનતાનો અવાજ બુલંદ બન્યો છે. વિસનગર પાલિકાના સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમા ઉપસ્થિત સાંસદ હરિભાઈ પટેલ સમક્ષ વાહન વ્યવહાર માટે બીજુ નાળુ બનાવવા કોંગ્રેસ અગ્રણી અને પાલિકાના વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેમની સાથે પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાના પુત્ર પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ પટેલ પણ રજૂઆતમા જોડાયા હતા. રજૂઆત દરમ્યાન નાળાની માંગણી કરતુ ૮૦ ઉપરાંત રહીસોની સહીઓ સાથેનુ સાંસદ સભ્યને આવેદન પત્ર પણ આપવામા આવ્યુ હતુ.
મહેસાણા તારંગા રેલ્વે લાઈન ગાયકવાડ સરકાર સમયની છે તે વખતે વર્ષો પહેલા દુરંદેશી રાખી વિસનગરમા પટણી દરવાજા સ્મશાન પાસે વરસાદી પાણીના નિકાલ માટે નાળુ અને ઉપર નાના ફોર વ્હીલ વાહનોની અવર જવર માટે માર્ગ બનાવવામા આવ્યો હતો. નાળુએ વરસાદી પાણીના નિકાલ માટે જ હતુ. અત્યારે બારેમાસ ગટરના પાણીનુ વહન થાય છે. ચોમાસા સીવાય આ નાળામાંથી નાના વાહન ચાલકો અને રાહદારીઓ અવર જવર કરી શક્તા હતા. જયારે ચોમાસામા પાણી ભરાય ત્યારે ફાટક ઉપરથી અવર જવર થતી હતી. જેના માટે ટ્રેકની બન્ને બાજુ ડામરનો રસ્તો પણ બનાવવામા આવ્યો હતો. બ્રોડગેજ રેલ્વે લાઈન થતા નાળાની ઉપરથી જવાના માર્ગ રેલ્વે તંત્ર દ્વારા લોખંડની રેલીંગ લગાવી દેવામા આવી છે. રેલ્વે તંત્રની મનમાનીથી નાળા ઉપરનો વર્ષો જુનો કાયદેસરનો રસ્તો બંધ થઈ ગયો છે. જયારે આ રસ્તાનો નિયમિત ઉપયોગ કરતા લોકોને ગટરના પાણી ભરાયેલા નાળામાંથી પસાર થવુ પડે છે. વિસનગરમાંથી અંબાજી પદયાત્રા સંઘો વર્ષોથી આ માર્ગો ઉપરથી પસાર થાય છે ત્યારે નાળામા ગટરનુ પાણી ભરાયેલુ હોઈ માતાજીના રથ સાથે પદયાત્રીઓને ગંદા પાણીમાંથી નીકળવાની ફરજ પડી હતી. જયારે નાળા ઉપર રેલીંગ લગાવી હોવાથી પદયાત્રીઓને કુદીને કે નમીને પસાર થવુ પડયુ હતુ.
ગંજ બજાર ફાટક ઉપર ટ્રાફીક સર્જાતા પટણી દરવાજા રેલ્વે નાળુ પહોળુ કરવા અથવા પાણીના નિકાલ માટે અને અવર જવર માટે બે નાળા બનાવવાની માંગ ઉઠી છે. તા.૧૭-૯-ર૦ર૪ ના રોજ સ્વચ્છતા હી સેવાના પાલિકાનો એસ.ટી.ડેપોમા કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમા ઉપસ્થિત સાંસદ હરિભાઈ પટેલ સમક્ષ પાલિકાના વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ સહીત કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા નાળા ઉપરનો રસ્તો ચાલુ કરાવવા અથવા પાણીના માર્ગ સીવાયનુ વધારાનુ એક નાળુ બનાવવા અસરકારક રજૂઆત કરી હતી. વધારાનુ એક નાળુ બનાવવાની માંગણી કરતુ ૮૦ જેટલા આ વિસ્તારના રહીશોની સહીઓ સાથેનુ આવેદન પત્ર પણ સાંસદ સભ્યને આપવામા આવ્યુ હતુ.