જશુભાઈ પટેલની રાહબરીમાં કાંસા પશુપાલકો માટે શ્રેષ્ઠ ગામ
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે બલ્ક કુલર અને એનિમલ હોસ્ટેલનો શુભારંભ
- જશુભાઈ પટેલના આ અભિગમને કેબીનેટ મંત્રીએ બીરદાવી અભિનંદન આપ્યા
- ગુજરાતમાં પ્રથમ એકજ સ્થળે ૧૨૦ પરિવારની ૫૦૦ ભેંસો બાધી શકાય તે માટે ૧૫ ઠ ૪૭ ફૂટના શેડ સાથે એનિમલ હોસ્ટેલ બનાવી-જશુભાઈ પટેલ
જીલ્લા ભાજપ અગ્રણી અને પીઢ કાર્યકર જશુભાઈ પટેલની રાહબરીમાં અત્યારે કાંસા ગામ પશુ પાલકો માટે શ્રેષ્ઠ ગામ બન્યુ છે. દૂધ મંડળી દ્વારા બલ્ક કુલર, બીજદાન કેન્દ્ર તથા એનિમલ હોસ્ટેલ બનાવતા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. ખેતી હોય તોજ પશુપાલન થઈ શકે તેવી એક માનસિકતા રહેલી છે. જ્યારે જશુભાઈ પટેલના વર્ષોના બહોળા અનુભવ આધારે એનીમલ હોસ્ટેલ બનાવતા આવો એક શેડ હોય તો પણ ખેતર ન હોય તેવા લોકો પશુપાલન કરી શકશે. ખેતર કે ખેતી ન હોય તેવા લોકો પશુપાલન તરફ વળે તે માટે ગુજરાત સરકાર પણ એનિમલ હોસ્ટેલનો અભિગમ અપનાવે તો ઘણા લોકો દૂધ ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાઈને પગભર બની શકે તેમ છે.
જીલ્લા ભાજપ અગ્રણી જશુભાઈ પટેલના માર્ગદર્શન અને અનુભવથી વિસનગર તાલુકાનુ કાંસા ગામ સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક, સહકારી, કૃષિ આમ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યુ છે. એકજ ગામમાં તમામ સુવિધા સગવડ મળતી હોય તેવુ કાંસા જેવુ ગામ ભાગ્યેજ ગુજરાતમાં જોવા મળતુ હશે જે જશુભાઈ પટેલના આભારી છે. કાંસા ગામની શ્રી ગણપતિપરા(કાંસા) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી દ્વારા બ્લક કુલર, એનિમલ હોસ્ટેલ અને બીજદાન કેન્દ્ર તૈયાર કરવામાં આવતા તેનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, સાંસદ હરિભાઈ પટેલના હસ્તે પશુપાલકોને સુવિધા આપતી ત્રણ યોજનાઓનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલ, દિલીપભાઈ ચૌધરી, મંડળીના પ્રમુખ જશુભાઈ પટેલ, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, મંત્રી રાજેશભાઈ પટેલ, તાલુકાના અગ્રણીઓ, કાંસાના ગ્રામજનો, પશુપાલકો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે બ્રાઝીલ, સ્વીડન, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં વૈજ્ઞાનિક ઢબે ડેરી ઉદ્યોગ વિકાસ પામી રહ્યો છે. જ્યા ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે. દુનિયા સાથે જોડાવવાનુ કામ ડેરી કરતી હોય ત્યારે પશુપાલકોએ જાળવવાનુ કામ કરવાનુ છે. ઓછી જમીન ધરાવતા ખેડૂતો પશુપાલન કરી સારી કમાણી કરવા સાથે પશુ પાલન સાથે વૃક્ષ પાલન કરવા પણ અપીલ કરી હતી.
જેમના જીવન પર્યન્તના પ્રયત્નોથી કાંસા ગામની ગુજરાત લેવલે નામના વધી છે તેવા દૂધ મંડળીના પ્રમુખ જશુભાઈ પટેલે ઉદ્ઘાટન સમારંભમાં જણાવ્યુ હતું કે, મંડળી ૨૦૦૭ માં રજીસ્ટર કરાવી હતી. આજ ૫૫૦ સભાસદો સાથે કાર્યરત છે. પશુપાલકો દ્વારા એક ટાઈમ ૭૦૦ લીટર ભરાવવામાં આવતા દૂધનો લાબો સમય સ્ટોક કરવાની કોઈ વ્યવસ્થા નહોતી. મંડળીમાં દૂધ લેવા ગાડી વેલી મોડી આવે તો દૂધ બગડી જવાનો ભય રહેતો હતો. પશુપાલકોને પણ સમયસર દૂધ ભરાવવાનુ ટેન્શન રહેતુ હતુ. જેથી દૂધ બગડે નહી તે માટે ૨૦૦૦ લિ.ની ક્ષમતાના બલ્ક કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના કોઈ ગામમાં આજ સુધી જોવા મળી ન હોય તેવી એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી છે. એકજ સ્થળે ૧૨૦ પરિવારની ૫૦૦ ભેસો રાખી શકાય તે માટે ૧૫ ઠ ૪૭ ફૂટના શેડ બનાવવામાં આવ્યા છે. એક શેડમાં ૪ જેટલી ભેસો બાધી શકાશે. શેડમાં સ્વચ્છતા અને સુવિધા મળતા દૂધાળા પશુને જીવાત કરડવાની સમસ્યા રહેશે નહી. પશુ બીમાર પડશે નહી અને દૂધ આપવાની ક્ષમતા વધશે. દૂધાળા પશુની સારી ઓલાદ મળી રહે તે માટે બીજદાન કેન્દ્ર પણ બનાવવામાં આવ્યુ છે. જ્યા વેટરનરી ર્ડાક્ટરની દેખરેખમાં પશુની માવજત થશે. આ નવતર અભિગમને બીરદાવતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જશુભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા.