પ્રમુખ તરીકે મારી કોઈ ગણના થતી નથી
વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકરનો બળાપો
- અત્યારે આખી તાલુકા પંચાયતનો વહીવટ સ્ટેન્ડીંગ કમિટીના પુર્વ ચેરમેન અંકિતભાઈ પટેલ અને ટી.ડી.ઓ. મનુભાઈ પટેલ જ કરે છે. અંકિતભાઈ પટેલે આખી તાલુકા પંચાયત કબજે કરી છે- તાલુકા પંચાયત પ્રમુખ
વિસનગર તાલુકા પંચાયતના અનુસુચિત જાતિના મહિલા પ્રમુખે તાલુકાના વિકાસકામો અને ભાજપના કાર્યક્રમોમાં પોતાની કોઈ ગણના નહી થતી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. જેમાં પ્રમુખે જણાવ્યુ હતુ કે, અત્યારે આખી તાલુકા પંચાયતનો વહીવટ સ્ટેન્ડીંગ કમિટિના પુર્વ ચેરમેન અને ટી.ડી.ઓ. જ કરે છે. અમને તો ખાલી શોભાના ગાંઠીયાની જેમ પ્રમુખ તરીકે બેસાડી રાખવામાં આવે છે. આવા હોદ્દાનો કોઈ અર્થ ખરો?
વિસનગર તાલુકા પંચાયતમાં બીજી અઢી વર્ષની ટર્મના પ્રમુખ પદે અનુસુચિત જાતિ મહિલા સીટ જાહેર થતા ભાજપમાં રાજકીય હડકંપ મચ્યો હતો. ભાજપ પાસે ૧૭ સદસ્યોની બહુમતી હોવા છતાં કોંગ્રેસના અનુસુચિત જાતિના મહિલા સદસ્યાને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવાની નોબત આવી હતી. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ચાણક્ય નિતિથી પુદગામ સીટના કોંગ્રેસના સદસ્યા પુષ્પાબેન ચંદ્રેશકુમાર વણકરે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. પુષ્પાબેન વણકર ભાજપમાંથી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા બન્યા હતા. પુષ્પાબેનના પ્રમુખ પદને બે મહિનાનો પણ સમય થયો નથી અને તાલુકા પંચાયતમાં વિવાદ શરૂ થયો છે. જેમાં પ્રમુખે રોષ ઠાલવતા જણાવ્યુ કે, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અહી મારી કોઈ ગણના થતી નથી. હજુ સુધી પ્રમુખ તરીકેનો ચાર્જ પણ મને સોંપવામાં આવ્યો નથી. તાલુકાના ક્યા ગામમાં શું વિકાસકામો થઈ રહ્યા છે. તેનુ પણ મને ધ્યાન દોરવામાં આવતુ નથી. ડભોડા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનુ આમંત્રણ કાર્ડ લેવા પણ મારે સામેથી જવુ પડ્યુ હતુ. અત્યારે તાલુકા પંચાયતનો સંપુર્ણ વહીવટ ઉમતાના સ્ટેન્ડીંગ કમિટીના પુર્વ ચેરમેન અંકિતભાઈ પટેલ અને ટી.ડી.ઓ. મનુભાઈ પટેલ જ કરે છે. અમને તો ખાલી પ્રમુખ તરીકે શોભાના ગાંઠીયાની જેમ બેસાડી રાખવામાં આવ્યા છે. તાલુકા પંચાયતમાં આવીને ફક્ત ખુરશી ઉપર બેસી રહેવાનો કોઈ અર્થ ખરો? અત્યારે તો સ્ટેન્ડીંગ કમિટીના પુર્વ ચેરમેન અંકિતભાઈ પટેલે આખી તાલુકા પંચાયત કબજે કરી છે.
આ વિવાદ મુદ્દે તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટીના પુર્વ ચેરમેન અંકિતભાઈ પટેલનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે, ભાજપમાં દરેક હોદ્દેદારોને માન-સન્માન આપવામાં આવે છે. તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકરને પણ બધા સદસ્યો માન સન્માન આપે છે. પ્રમુખ પુષ્પાબેનની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતમાં એક સામાન્ય સભા પણ મળી હતી. આમ તાલુકા પંચાયતમાં પ્રમુખની અવગણના થતી હોવાની વાત તથ્ય વિનાની છે.