ફતેહ દરવાજાનુ સિવિક સેન્ટર શુભારંભ બાદ બીન ઉપયોગી
- જાણકારીના અભાવે અરજદાર લાભ લઈ શકતા નથી
- આધારકાર્ડ કીટ, જન્મ મરણ તથા રેશનીંગ કાર્ડ આઈ.ડી. ફળવાય તો લોકો લાભ લઈ શકે
વિસનગર ફતેહ દરવાજા વણકરવાસના દલિત સમાજના લોકોની હાય લાગી હોય કે ગમે તે કારણોસર આ વિસ્તારમાં બનાવેલ સિવિક સેન્ટર બીન ઉપયોગી સાબીત થયુ છે. સિવિક સેન્ટરના શુભારંભ બાદ પુરી જાણકારીના અભાવે કોઈ અરજદાર જોવા મળતા નથી. રેશનીંગ કાર્ડ, કે.વાય.સી., આધારકાર્ડમાં સુધારા વધારાની પુછપરછ થઈ રહી છે પણ સુવિધાના અભાવે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે. સિવિક સેન્ટરની હાલત ન ચાલતા ધંધા જેવી છે. વેપારી સવારે દુકાન ખોલે અને સાંજે બંધ કરીને ઘરે જાય તેમ સ્ટાફ આવે છે, આખો દિવસ બેસી રહી સાંજે સેન્ટર બંધ કરી ઘરે જાય છે.
વિસનગરમાં ફતેહ દરવાજા વણકરવાસના નાકે આવેલ ર્ડા.બાબા સાહેબ કોમ્યુનિટી હૉલમાં પાલિકાનુ સિવિક સેન્ટર ફળવાતા દલિત સમાજ દ્વારા ભારે વિરોધ થયો હતો. સિવિક સેન્ટર લોકોને ઘણુ ઉપયોગી બનશે તેવુ જણાવી કોમ્યુનિટી હૉલમાં રંગરોગાન કરી ફર્નિચર ફાળવી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા તા.૨૫-૧૨-૨૦૨૪ ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. કમૂરતામા કોઈ સારૂ કાર્ય કરવામાં આવતુ નથી, ત્યારે કમૂરતામાં શુભારંભ કરવાના કારણે કે દલિત સમાજના લોકોની હાય લાગી હોવાના કારણે ગમે તે કારણોસર શુભારંભ દિવસે ભાજપના કાર્યકરોની હાજરી બાદ આ સિવિક સેન્ટરમાં અત્યારે ચકલુય ફરકતુ નથી તેવી હાલત છે. સિવિક સેન્ટરમાં ‘અમે તમારી સેવાઓ માટે હાજર છીએ અને તત્પર છીએ’ તેવા સ્લોગન સાથે ૧૩ કામના લીસ્ટનુ બોર્ડ લગાવવામાં આવ્યુ છે તેમજ અરજદારો માટે ૨૪ ખુરશીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ પુરી જાણકારી અને સુવિધાના અભાવે કોઈ અરજદાર ફરકતા નથી ને ખુરશીઓ ધુળ ખાઈ રહી છે.
ફતેહ દરવાજાના સિવિક સેન્ટરની મુલાકાત લેતા જાણવા મળ્યુ કે, મિલ્કત વેરા, વ્યાવસાયીક કર, ગુમાસ્તાધારા નોંધણી, આર.ટી.આઈ.સ્વિકૃતિ તથા કમ્પલેઈન લઈ શકાય છે. આ સીવાય અન્ય સેવાઓનુ જે બોર્ડ લગાવવામાં આવ્યુ છે તેની સ્ટાફને કોઈ જાણકારી નથી. મહત્વની બાબત તો એ છેકે સિટિ સિવિક સેન્ટરનો શુભારંભ થયા બાદ ત્રણ મહિનામાં ફક્ત ત્રણ અરજદારના કામ થયા છે. સિવિક સેન્ટરમાં આધાર કાર્ડ નામ સુધારા વધારાના અપડેટ માટે તથા રેશનીંગ કાર્ડ કે.વાય.સી. માટે અરજદારો પુછપરછ કરી રહ્યા છે, પરંતુ આધાર કાર્ડની કીટ નહી હોવાથી તેમજ રેશનીંગ કાર્ડની કામગીરી માટે આઈ.ડી. નહી હોવાથી કોઈ કામ થતુ નથી. સિવિક સેન્ટરમાં જન્મ મરણની આઈ.ડી. ફળવાય તો તેનો પણ લાભ લઈ શકાય. પરંતુ પાલિકા કાર્યાલયમાંજ જ્યા જન્મ મરણનુ આઈ.ડી. ફળવાતુ નથી ત્યારે સિવિક સેન્ટરમાં આઈ.ડી. ફળવાય તેવી આશા રાખવી ખોટી છે. હાલમાં સિવિક સેન્ટરમાં વેરો ભરી શકાય છે. એપ્રિલ મહિનાથી પાલિકા દ્વારા નવા વેરાબીલ આપવામાં આવશે ત્યારે સિવિક સેન્ટરમાં ટેક્ષ પેયરોની અવરજવર વધશે.
વિસનગર પાલિકા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં બનાવેલ નવા ભવનમાં કાર્યરત થશે ત્યારે શહેરના કોટ વિસ્તાર માટે સિટિ સિવિક સેન્ટર ઉપયોગી બનશે તેવુ કહેવાય છે. પરંતુ જ્યા પુરતી સુવિધાજ મળતી નથી તે સિવિક સેન્ટર કેવી રીતે ઉપયોગી બનશે તે પ્રશ્ન છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે ઓપનીંગ તો કરી દીધુ પરંતુ પાછળ કંઈ સુવિધાની જરૂર છે તેનુ ધ્યાન નહી રાખવામાં આવે તો આ સિટિ સિવિક સેન્ટર શોભાના ગાંઠીયા સમાન બની રહેશે.