Select Page

અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા સાથે રૂા.૧.૭૭ કરોડ મંજુર

અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા સાથે રૂા.૧.૭૭ કરોડ મંજુર

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી દરબાર કમ્પાઉન્ડ ધમધમતુ થશે

કમાણા ગામમાં રૂા.૩૩ લાખની જોગવાઈ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર

વિસનગરના લોકોને નજીકના સ્થળે સરકારી આરોગ્ય સેવાઓનો લાભ મળે તેમજ પડી ભાગેલ વિસ્તારનો વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી દરબાર કમ્પાઉન્ડમાં અર્બન હેલ્થ સેન્ટર ધમધમતુ થશે. ઘણા સમયથી પ્રયન્તો બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ૭૫૦ ચો.મી. જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે બાંધકામ માટે રૂા.૧.૭૭ કરોડ પણ ફળવાઈ ગયા છે. આ સીવાય કમાણા ગામમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ફાળવણી સાથે રૂા.૩૩ લાખની મંજુરી મળી છે.
વિસનગરમાં અર્બન હેલ્થ સેન્ટર વર્ષોથી ભાડાની જગ્યામાં કાર્યરત રહ્યુ છે. પહેલા ત્રણ દરવાજા ટાવર પાસે કોમર્શીયલ સેન્ટરમાં અર્બન હેલ્થ સેન્ટર ચાલતુ હતુ. જ્યા પ્રથમ માળે સેન્ટર આવેલુ હોઈ તેમજ નજીકમાં સિવિલ હોસ્પિટલ હોવાથી શહેરના લોકો અર્બન હેલ્થ સેન્ટરનો નહિવત લાભ લેતા હતા. ત્યારબાદ નૂતન હાઈસ્કુલની બાજુમાં અર્બન હેલ્થ સેન્ટર ખસેડવામાં આવ્યુ હતુ, જે પણ ભાડાની જગ્યા છે. વિસનગરમાં જુની મામલતદાર ઓફીસ દરબાર કમ્પાઉન્ડમાં એક સમય એવો હતો કે વિવિધ ઓફીસ કાર્યરત હોવાથી આ સમગ્ર વિસ્તાર ધમધમતો હતો. પરંતુ પ્રથમ કોર્ટ, ત્યારબાદ મામલતદાર ઓફીસ, રજીસ્ટ્રાર ઓફીસ તથા સીટી સર્વે ઓફીસ અન્ય વિસ્તારોમાં કાર્યરત થતા હાલ પરિસ્થિતિ એવી છેકે દરબાર કમ્પાઉન્ડમાં સુમસામ ભાસી રહ્યુ છે. જેના કારણે દરબાર રોડ ઉપરની અવરજવર ઓછી થતા જેની અસર આ વિસ્તારના ધંધા રોજગાર ઉપર પણ પડી છે.
પાલિકામાં વિકાસ મંચના શાસનમાં દરબાર કમ્પાઉન્ડમાં પાલિકા ભવન માટે ઠરાવ કરી જગ્યા ફાળવણીની રજુઆત કરવામાં આવી હતી. પરંતુ સાંકડા રસ્તામાં ટ્રાફીકની સમસ્યા થાય તેમ હોવાથી તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં પાલિકા ભવનનુ નિર્માણ થયુ. ત્યારબાદ પાલિકાના પૂર્વ સભ્ય ફુલચંદભાઈ પટેલે અર્બન હેલ્થ સેન્ટર માટેના પ્રયત્નો કર્યા હતા. પાલિકામાં ભાજપનુ શાસન આવતા તેમજ શહેર ભાજપ પ્રમુખ પદે મનિષભાઈ ગળીયાએ જવાબદારી સંભાળતાની સાથેજ દરબાર કમ્પાઉન્ડમાં અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા માટે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને ભલામણ કરી હતી. આ વિસ્તારના પાલિકા સભ્ય જે.ડી.પટેલ પણ અર્બન હેલ્થ સેન્ટર માટે પ્રયત્નશીલ હતા. આરોગ્ય મંત્રીની પણ લાગણી હતી કે દરબાર વિસ્તાર ધમધમતો થાય. જેમની ભલામણથી જિલ્લા કલેક્ટર દ્વારા દરબાર કમ્પાઉન્ડના કુલ ૭૮૨૦ ચો.મી.માંથી જુની કોર્ટ બીલ્ડીંગવાળી ૭૫૦ ચો.મી. જગ્યા અર્બન હેલ્થ સેન્ટર માટે ફાળવી છે. રાજ્યમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બને તેવા આશયથી આરોગ્ય મંત્રી દ્વારા વિવિધ જિલ્લામાં કુલ ૨૫ અર્બન હેલ્થ સેન્ટર માટે રૂા.૪૭.૭૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં દરબાર કમ્પાઉન્ડમાં અર્બન હેલ્થ સેન્ટરના જી+૧ બાંધકામ માટે રૂા.૧.૭૭ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. આ રકમ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનીટ (ઁૈેંં)ના ખાતામા પણ જમા થઈ ગઈ છે. ફાળવેલી જગ્યાનુ પજેશન લેવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવતા હવે ટુંક સમયમાં અર્બન હેલ્થ સેન્ટરનુ કામ ધમધમતુ થશે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના કારણે વિસનગર શહેર અને તાલુકાને આરોગ્ય લક્ષી સેવાઓનો વધુમાં વધુ લાભ મળી રહ્યો છે. વિસનગર તાલુકાના કમાણા ગામમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજુરી સાથે બાંધકામ માટે રૂા.૩૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કમાણા સાથે રાજ્યમાં કુલ ૨૫ આરોગ્ય કેન્દ્રની વહિવટી મંજુરી સાથે સ્ટાફ માટે ૨૨૫ જગ્યા ભરવા કમિશ્નર આરોગ્ય (ગ્રામ્ય) દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પહેલા પરિસ્થિતિ એવી હતી કે, આરોગ્ય કેન્દ્રની મંજુરી મળતી હતી ત્યારે ગ્રાન્ટ ફળવાતી નહોતી. આરોગ્ય કેન્દ્ર બની ગયા બાદ સ્ટાફ ફળવાતો નહોતો. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના સુચારૂ વહિવટમાં આરોગ્ય કેન્દ્ર માટે જગ્યાની મંજુરી સાથે ગ્રાન્ટની અને આરોગ્ય સેવાઓ માટે સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી રહી છે.