Select Page

જાહેર સભા પહેલા તાબડતોડ લાઈન તો નંખાઈ પરંતુ ચુંટણી પહેલા દરબાર સંપના બંબાનો લાભ મળવો મુશ્કેલ

જાહેર સભા પહેલા તાબડતોડ લાઈન તો નંખાઈ પરંતુ ચુંટણી પહેલા દરબાર સંપના બંબાનો લાભ મળવો મુશ્કેલ
વિસનગરમાં લોકસભાની ચુંટણીની ભાજપના સમર્થનમાં પ્રથમ સભા એક ટાવર બજારમાં મળી હતી. આ વિસ્તારમાં પાણીના ત્રાસનો રોષ સભામાં ન વર્તાય તે માટે પાલિકા દ્વારા તાબતડતોડ દરબાર સંપમાં પાઈપલાઈન કનેક્શન કરી બંબો પાડવામાં આવ્યો હતો. કેબીનેટ મંત્રીએ બંબાનો લાભ ટુંક સમયમાં મળશે તેવુ આશ્વાસન આપ્યુ હતુ. પરંતુ સભાના બીજાજ દિવસે પાઈપો કાઢી નાખતા ફક્ત સભા પુરતોજ બંબો પાડવામાં આવ્યો હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. પાલિકાની અણઆવડતથી લોકસભાના પરિણામ પહેલા સંપનો અને ઓવરહેડ ટાંકીનો લાભ મળવો મુશ્કેલ છે. આ વિસ્તારના લોકો ભાજપ સમર્પિત છે તો પછી લાલચ આપવામાં કેમ આવી તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે.
ડોસાભાઈ બાગ, લાલ દરવાજા વોટર વર્કસ, ફતેહ દરવાજા તથા દિપરા દરવાજાની ઓવરહેડ ટાંકીઓ વચ્ચેના ગામતળનો દરબાર વિસ્તારમાં એક પણ ઓવરહેડ ટાંકી કે સંપ નહી હોવાથી આ સમગ્ર વિસ્તાર વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. જાનીવાડા સંપમાંથી પપીંગ કરીને સીધુજ પાણી આપવામાં આવતુ હોવાથી ઘણા વિસ્તારોમાં પુરા ફોર્સથી પાણી મળતુ નથી. પાલિકાએ દરબાર જુની મામલતદાર ઓફીસ કમ્પાઉન્ડમાં જમીન સંપાદન કરીને ગત વિધાનસભાની ચુંટણી પહેલા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે સંપ અને ઓવરહેડ ટાંકીનુ ખાતમુહુર્ત કર્યુ હતુ. ખાતમુહુર્ત બાદ દોઢ વર્ષના ગાળામાં ૧૦ લાખ લીટરનો સંપ અને પાંચ લાખ લીટરની ઓવરહેડ ટાંકી તો બનાવી દીધી, પરંતુ લાઈટ કનેક્શન અને પંપીંગ મશીનરી વગર આ આખી યોજના કામ વગરની પડી રહી છે. ખરેખર તો સંપ અને ટાંકીના ટેન્ડરની સાથેજ પંપીંગ રૂમ મશીનરી માટેનુ ટેન્ડર પાડવાની જરૂર હતી, પરંતુ પાલિકા તંત્રમાં દિર્ઘદ્રષ્ટિનો અભાવ છે. જેના કારણે હજુ કેટલા મહિનાઓ સુધી ફોર્સથી પાણી મળવાની રાહ જોવી પડશે?
લોકસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં તા.૯-૪-૨૦૨૪ ને મંગળવારના રોજ એક ટાવર બજારમાં જાહેર સભા મળવાની હોવાથી પાલિકા દ્વારા આગળના દિવસે તાત્કાલીક સંપમાં પાઈપ કનેક્શન કરવામાં આવ્યુ હતુ. કનેક્શન કરીને આ વિસ્તારના લોકોને બતાવવા ખાતર સંપમાં પાણીનો બંબો શરૂ કરવામાં આવ્યો હતો. જે ફક્ત પાલિકાનો ચુંટણી લક્ષી મતદારોને ભરમાવતો દેખાવ હતો. પંપીંગ મશીનરીજ નથી લગાવી તો ઓવરહેડ ટાંકીમાં પાણી ચડાવવાની તો વાતજ ક્યા રહી. ચુંટણીની સભામાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે સંપમાં બંબો પડી ગયો છે અને ત્રણ વોર્ડના વિસ્તારમાં લોકોના ઘરમાં પણ બંબો પડશે. સભાના બીજાજ દિવસે પાઈપ કનેક્શનો કાઢી નાખવામાં આવ્યા હતા. પાલિકા તંત્રએ આ વિસ્તારની સમસ્યાઓને ક્યારેય ગંભીરતાથી લીધી નથી. હવે તો આ વિસ્તારના લોકો ટીખ્ખળ કરી રહ્યા છેકે વિધાનસભાની ચુંટણી પહેલા ખાતમુહુર્ત થયુ. લોકસભાની ચુંટણી પહેલા દેખાવનો બંબો પાડ્યો અને હવે પાલિકાની ચુંટણી સુધી ઓવરહેડ ટાંકીનુ પાણી મળવુ મુશ્કેલ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us