Select Page

ઘરમાં બોલાતી અને શાળાની ભાષા જ્યારે જુદી પડે ત્યારે બાળક મુંઝાય છે

ઘરમાં બોલાતી અને શાળાની ભાષા જ્યારે જુદી પડે ત્યારે બાળક મુંઝાય છે

માતૃભાષાજ બાળકના માનસિક વિકાસની જનેતા

તંત્રી સ્થાનેથી…

ગીતાંજલિ કાવ્યસંગ્રહ માટે નોબલપ્રાઈઝ પ્રાપ્ત કરનાર રવિન્દ્રનાથ ટાગોર અને અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર આમર્ત્યસેન માતૃભાષા બંગાળીમા અભ્યાસ કર્યો હતો. વિજ્ઞાન ક્ષેત્રે નોબલ પુરસ્કાર જીતનાર સી.વી.રામને પોતાની માતૃભાષામા પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ. ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા અણુ વિજ્ઞાની જેમના અવસાન બાદ પણ આદરથી જોવામાં આવે છે તેવા અબ્દુલ કલામ માતૃભાષામાં અભ્યાસ કરી સમગ્ર વિશ્વમાં નામના મેળવી. અવકાશ યાત્રા દરમ્યાન અકસ્માતમાં જીવ ગુમાવનાર કલ્પના ચાવલાએ ગુજરાતી ભાષામાં અભ્યાસ કર્યો હતો. બંધારણના ઘડવૈયા ર્ડા.બાબાસાહેબ આંબેડકરે માતૃભાષા શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ. પોરબંદરની શાળામાં ગુજરાતીમાં અભ્યાસ કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુએ લખ્યુ છેકે માતાના પાલન પોષણની સાથે જે સંસ્કાર અને મધુર શબ્દો મળે છે તે ભાષા અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવુ જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાના અનાદરનુ ભારે પ્રાયશ્ચિત આપણે કરવુ પડશે. વિશ્વભરમાં જે ઈન્ડસ્ટ્રીયલ ગૃપની અત્યારે નામના છે તેના સ્થાપક ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીએ મજેવડીની ગુજરાતી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ હતુ. મોટા ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈએ ગુજરાતી માધ્યમમા અભ્યાસ કર્યો હતો. દેશના વિવિધ રાજ્યના આવા તો એક નહી પરંતુ અનેક મહાનુભાવો છેકે જેમણે વિશ્વમાં નામના પ્રાપ્ત કરી છે, તેમણે માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ. દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતાની છબી ધરાવનાર નરેન્દ્રભાઈ મોદીનુ શિક્ષણ પણ ગુજરાતી માધ્યમમાં રહેલુ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પાયાનુ શિક્ષણ ગુજરાતીમાં રહેલુ છે. દેશની જાણીતી હસ્તીઓના માતૃભાષાના શિક્ષણની વાત એટલા માટે કરવામાં આવી છેકે, અત્યારના સમયમાં મોટાભાગના માતા પિતા પોતાનુ બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે તેનો મોહ રાખી રહ્યા છે. જેમને અંગ્રેજી માધ્યમ શાળાઓની મોંઘી ફી પોષાય તેમ નથી, તે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારના બાળકોજ સરકારી પ્રા.શાળા અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારના લોકોની પણ મહેચ્છા હોય છેકે તેમના બાળકો અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરે, પરંતુ આર્થિક સ્થિતિના કારણે મહેચ્છા પુરી કરી શકતા નથી. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ અને પૈસા પાત્ર વર્ગના લોકોએ તેમના બાળકોનુ અંગ્રેજી માધ્યમની શાળામાં એડમિશન કર્યુ હશે. એક જાણીતા કથાકારે કહ્યુ છેકે અંગ્રેજી પારકી ભાષા છે, જેની પાસેથી આયાતી જેમ કામ લેવાય પણ ગૃહિણીનુ સ્થાન ન અપાય. સંભળાતી ભાષા ઉપરથીજ ભાષાને ઝીલવાની, સમજવાની, શીખવાની ક્ષમતા માનવીના મગજમાં હોય છે. ગર્ભાવસ્થા દરમ્યાન બાળકના શારીરીક બંધારણની સાથે માનસિક બંધારણ ઘડાતુ હોય છે. ગર્ભવતી માતાની ભાષા, વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ગર્ભસ્થ શીશુ ઉપર ઘણો પ્રભાવ પડે છે. બાળક ગર્મમાંથીજ જે ભાષા સમજવાની ક્ષમતા કેળવે છે તેને માતૃભાષા કહેવાય છે. માતૃભાષાના મહત્વ માટે જાણીતા સાહિત્યકાર ગુણવંત શાહે કહ્યુ છેકે, માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. બાળક પાંચ વર્ષનુ થાય ત્યા સુધીમા માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેનો અર્થ અને ભાવ સાથે શીખી લે છે. જ્યારે ધો.૧ થી ૧૦ સુધીના અભ્યાસ પછી પણ બાળક માતૃભાષા જેટલી અંગ્રેજી ભાષાના શબ્દો અને તેના ભાવનો સાક્ષાત્કાર કરી શકતો નથી. એકવીસમી સદીના વિશ્વમા અનેક પ્રાદેશિક અને પ્રાંતીય ભાષાઓનુ વર્ચસ્વ અંગ્રેજી શિક્ષણની સામે વિસરાતુ જાય છે. ગુજરાતની ભાષા વૈશ્વિક સ્તરે લુપ્ત થતી ભાષાઓની યાદીમાં સામેલ છે ત્યારે આ દિશામાં ચિંતનની સાથે માતૃભાષાથી વિમુખ રાખી અંગ્રેજી ભાષાના શિક્ષણથી બાળકના વિકાસમા અને અભ્યાસમાં કેટલુ નુકશાન થાય છે તેનુ ચિંતન કરવુ પણ એટલુજ જરૂરી છે. માતૃભાષામા મળતા શિક્ષણને બાળક સારી રીતે ગ્રહણ કરી શકે છે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસ શાસ્ત્રીઓ અને બાળરોગના ર્ડાક્ટરો પણ માને છેકે ઘરમાં બોલાતી અને શાળાની ભાષા જ્યારે જુદી પડે ત્યારે શિક્ષણ મેળવવામાં બાળક મુંઝાય છે અને મુરઝાય છે. પારકી ભાષાના શિક્ષણમાં બાળક લઘુતાગ્રંથીનો તો ક્યારેક માનસિક હતાશાનો ભોગ બને છે. બાળકનો બૌધ્ધિક વિકાસ પણ રૂંધાય છે. ઘરમાં બોલાતી ભાષાનુ શિક્ષણજ બાળકના શૈક્ષણિક વિકાસનુ શ્રેષ્ય માધ્યમ બની રહે છે. માતૃભાષામાં શિક્ષણ મળવાથી બાળકોનો રસ અને ઉત્સાહ વધે છે. માતૃભાષાના શિક્ષણમાં અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાની ટકાવારી એક સર્વે પ્રમાણે ખુબજ ઓછી છે. માતૃભાષામા શિક્ષણ મળવાથી બાળક દરેક પ્રવૃત્તિમા પુરા ઉત્સાહથી ભાગ લે છે. બાળકની અભિવ્યક્તિ ખુલીને બહાર આવે છે અને પ્રતિભાશાળી બને છે. માતૃભાષાના અભ્યાસમાં બાળકો વિશેષ પ્રોત્સાહિત થાય છે અને પોતાના જ્ઞાન અને અનુભવને નિઃસંકોચ રજૂ કરવાની તક મળે છે.