વિસનગર એપીએમસીના ચેરમેન-વાઈસ ચેરમેનની ૨૫મીએ ચૂંટણી યોજાશે
- ચેરમેન તરીકે ધામણવાના ભરતભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે રંગાકુઈના ભરતભાઈ ચૌધરીનું નામ મોખરે
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આગામી તા.૨૫ સપ્ટેમ્બરના રોજ બીજી ટર્મના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં ચેરમેન તરીકે પાટીદાર સમાજના ડિરેક્ટર અને વાઇસ ચેરમેન તરીકે ચૌધરી સમાજના ડિરેક્ટરની બિનફરીફ વરણી થાય તેવી અટકળો તેજ બની છે.જોકે સહકાર વિભાગના નિયમોની જોગવાઈ અનુસાર અઢી વર્ષે ચૂંટણી યોજાતી હોય છે.પરંતુ રાજકીય સમીકરણોને ધ્યાને રાખી આ ચૂંટણી પોણા ચાર વર્ષે યોજાતા સહકારી આગેવાનોમાં તર્કવિતર્ક ઊભા થયા છે.આ ચુંટણીની જેમ મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો.
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપ સમર્થિત પેનલના વાલમના યુવા ડિરેક્ટર પ્રિતેશભાઈ પ્રભુદાસ પટેલની ચેરમેન પદે અને મગરોડાના ડિરેક્ટર હરેશભાઈ લવજીભાઈ ચૌધરીની વાઇસ ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.આ ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા વર્ષ ૧૯૬૫ ના ગુજરાત ખેત ઉત્પન્ન બજારો બાબતના નિયમોના નિયમ-૩૩(૨)ની જોગવાઈ અનુસાર તા.૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ગાંધીનગરના નાયબ નિયામક એવમ ચૂંટણી અધિકારી દ્રષ્ટિ ઓઝાની અધ્યક્ષતામાં એપીએમસીના બોર્ડ મિટિંગ હોલમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાનાર છે.જેમાં ખેડૂત પ્રતિનિધિ-૧૦, વેપારી પ્રતિનિધિ-૪,ઈતર મંડળીઓના પ્રતિનિધિ-૨, નાયબ નિયામક જિલ્લા સહકારી મંડળીઓ મહેસાણા ૧,જિલ્લા ખેતીવાડી અધિકારી ૧ અને નગરપાલિકાના પ્રતિનિધિ ૧ મળી કુલ ૧૯ પ્રતિનિધિઓ મતદાન કરશે.જોકે વિસનગર તાલુકો ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલનો મત વિસ્તાર છે અને એપીએમસીમાં તેમનો દબદબો છે.જેથી આ ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થવાની પૂરી શક્યતા છે. જેમાં વર્ષોની પરંપરા પ્રમાણે એપીએમસીના ચેરમેન પદે પાટીદાર સમાજના પ્રતિનિધિ અને વાઇસ ચેરમેન પદે ચૌધરી સમાજના પ્રતિનિધિની વરણી થાય છે.પરંતુ હાલની રાજકીય પરિસ્થિતિ જોતા મહેસાણા દૂધસાગર ડેરીની જેમ આ ચૂંટણીમાં મંત્રી ઋષિભાઈ પટેલના વિશ્વાસુ ગણાતા વર્તમાન ચેરમેન પ્રિતેશભાઈ પટેલને યથાવત રાખવામાં આવે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.આ સાથે બીજી ટર્મના નવા ચેરમેનપદે પાટીદાર સમાજના ડિરેક્ટરોમાં ધામણવાના ભરતભાઈ શંભુભાઈ પટેલ,સેવાલિયાના એલ.કે. પટેલ, કાંસાના ડૉ.જયંતીભાઈ પટેલ, વિસનગરના રાજુભાઈ પટેલ, (આર.કે. જ્વેલર્સ)અને નટુભાઈ પટેલ સદુથલાના નામોની ચર્ચા છે. જ્યારે વાઇસ ચેરમેન પદે રંગાકુઇના ડિરેક્ટર ભરતભાઈ જીવણભાઈ ચૌધરી,રાજુભાઈ એલ.ચૌધરી,જશુભાઈ ચૌધરી ગુંજાનું નામ ચર્ચાય છે.સહકારી આગેવાનોમાં થતી ચર્ચા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ આગામી મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીને ધ્યાને રાખી વિસનગર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરશે.