પાલિકાની બાજુમાંજ હલકી ગુણવત્તાની પાઈપો ઉતારી
કોન્ટ્રાક્ટરે એવુ તે કેવુ સેટીંગ પાડ્યુ કે આટલી હિંમત કરી ?
- બહારના વિસ્તારમાં ચાલતા વિકાસ કામની ગુણવત્તા કેટલી?
વિસનગર પાલિકાની મુદ્દત પુરી થવામાં હવે બે થી ત્રણ મહિના બાકી છે. અત્યારે આ છેલ્લી ટર્મની ઓવરોમાં કેટલાક લોકો ભ્રષ્ટાચાર અને ગેરરીતી નુ બેટીંગ ખેલી નાખવાના મુડમા હોય તેમ જણાય છે. પાલિકાના કોન્ટ્રાક્ટર જાહેરમાં ગેરરીતી કરવા સેજ પણ ખચકાટ નહી અનુભવતા અને જાહેરમા હલકી ગુણવત્તાનો માલ ઉતારવાની હિંમત કરતા કોની છત્રછાયામા કૌભાંડ ચાલી રહ્યુ છે તે બાબતે ભારે ચકચાર જાહી છે. ગૌરવ પથ રોડ ઉપર પાણીની લાઈન નાખવાની છે. જેમા કોન્ટ્રાક્ટર પીવીસી સેકન્ડ ક્વોલીટીની પાઈપો ઉતારતા આ પાઈપો બદલાય છે કે પછી ઉપયોગ થઈ જાય છે. તેનો પાલિકાતંત્રમા ગણગણાટ વર્તાઈ રહ્યો છે.
વિસનગર પાલિકા દ્વારા અત્યારે ગૌરવ પથનુ વિકાસ કામ ચાલી રહ્યુ છે. ગૌરવપથના વિકાસમાં રોડની બંન્ને બાજુ વરસાદી પાણીની લાઈન અને કુંડીઓ બનાવવાનુ કામ લગભગ પુર્ણ થઈ ગયુ છે. આ ગૌરવપથ ઉપર વોટર વર્કસ દ્વારા કોન્ટ્રાક્ટરને પીવાના પાણીની પીવીસીની લાઈન નાંખવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જે કામ લગભગ પાંચથી છ લાખ રૂપિયાનુ છે. વોટર વર્કસના કોન્ટ્રાક્ટર દ્વારા પીવીસી લાઈન નાખવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમા પાલિકા ભવનના કંમ્પાઉન્ડ પાસે પીવીસી પાઈપો ઉતારવામાં આવી છે. આ પાઈપો દેખીતી રીતેજ જુની દેખાય છે. પીવીસીની પાઈપો સેકન્ડ ક્વોલીટીની હોવાથી આ બાબતે ભારે હોબાળો થયો છે. જાણવા મળ્યા પ્રમાણે વોટર વર્કસ ચેરમેન કિરીટભાઈ પરમારની રજુઆત બાદ પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને અન્ય સભ્યો જોવા ગયા હતા. જેમા મોટા ભાગના સભ્યોએ પીવીસી પાઈપો હલકી ગુણવત્તાની હોવાનો મત વ્યક્ત કર્યો હતો. વોટર વર્કસ ચેરમેન સેકન્ડ ક્વોલીટીની પાઈપો બદલવા લેખીત આપ્યુ છે કે નહી તેની કોઈ માહિતી નથી.
વોટર વર્કસનો આ કોન્ટ્રક્ટર પહેલેથીજ હલકી ગુણવત્તાનુ કામ કરવા ટેવાયેલો છે. લગભગ ત્રણ વર્ષ પહેલા આ કોન્ટ્રાક્ટરે દિપરા દરવાજા વણકરવાસમા આઈ એસ આઈ વગરની હલકી ગુણવત્તાની પીવીસી પાઈપો નાખતા પાલિકા સભ્ય રંજનબેન પરમાર તથા તેમના પતિ વિજયભાઈ ખુરાનાએ વિરોધ કર્યો હતો. કોન્ટ્રાક્ટરની ગેરરીતી પકડાયા બાદ આઈ.એસ.આઈ. માર્કાની સારી ક્વોલીટીની પાઈપો નાખી હતી. તે સમયે કોન્ટ્રાક્ટરની ગેરરીતી પકડાઈ હોવા છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોતી.
વિસનગર પાલિકામા કોન્ટ્રાક્ટર ગેરરીતી કરતા પકડાયા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા હવે તો એટલી હિંમત ખુલી છે કે આ કોન્ટ્રાક્ટર પાલિકા ભવન કંમ્પાઉન્ડની પાસે હલકી ગુણવત્તાનો સેકન્ડ ક્વોલીટીની પાઈપો ઉતારવામાં ડર અનુભવતો નથી. એવુ તો પાલિકામાં કોની સાથે સેટીંગ થયુ છે કે કોન્ટ્રાક્ટર આટલી હિંમત કરી રહ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે આ વિવાદીત કોન્ટ્રાક્ટરને વોટર વર્કસ દ્વારા અન્ય વિસ્તારમાં લાઈન નાખવાનો પણ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. પાલિકા ભવનની બાજુમા સેકન્ડ ક્વોલીટીનો માલ ઉતાર્યો ત્યારે ખબર પડી તો શહેરમાં અન્ય વિસ્તારમાં આ કોન્ટ્રાક્ટર કેવો માલ ઉતારશે અને કેવી પાઈપો નાખશે તેનુ કોણ ધ્યાન રાખશે!